- એએસઆઈને મળ્યું પીએસઆઈ તરીકે પ્રમોશન
- રજાના દિવસે પણ ધમધમતી રહી ડીજીપી કચેરી
- દિવાળી ટાણે જ બઢતીના ઓર્ડરથી પોલીસ અધિકારીઓના પરિવારોની ખુશી વધી
દિવાળી ટાણે જ પોલીસતંત્રના અધિકારીઓ માટે એક સારા સમાચાર સામે આવ્યા છે. રાજ્યના પોલીસવડા વિકાસ સહાયે આ સારા સમાચાર આપ્યા છે. પોલીસતંત્રમાં એકીસાથે 538 ASI ના PSI તરીકેના બઢતીના ઓર્ડર નીકળ્યા છે. આમ દિવાળીના તહેવારમાં જ પોલીસ અધિકારીઓની દિવાળી સુધરી ગઈ છે.
મહત્વનું છે કે આ મામલે રાજ્યના ગૃહ વિભાગ દ્વારા થોડા દિવસ અગાઉ જ નિર્ણય જાહેર કર્યો હતો. જેમાં એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો હતો અને આ મામલાની જાહેરાત કરવામાં આવી હતી. રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી ASI માંથી PSI ના પ્રમોશનની વાત કરવામાં આવી હતી. ત્યારે દિવાળી પહેલા ગુજરાત પોલીસ બેડામાં ખુશીના સમાચાર મળ્યા છે. સરકારે ASIમાંથી PSI પ્રમોશનને મંજૂરી આપી છે. એટલે કે આજે 538 ASI ને PSI ની પ્રમોશન આપવામાં આવ્યું છે. ગૃહ વિભાગે હંગામી ધોરણે શરતોને આધીન આ પ્રમોશન આપ્યું છે. હવે આ તમામ 538 બિન હથીયારી ASI અધિકારીઓને PSI પોલીસ અધિકારી તરીકે પ્રમોશન અપાયું છે, જેઓ અલગ અલગ જગ્યાએ PSI તરીકે ફરજ બજાવશે.
ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા હેડ કોન્સ્ટેબલ માંથી ASIનું પ્રમોશન આપવામાં આવ્યું હતું. છેલ્લા કેટલાક સમયથી શહેરમાં અસામાજિક તત્ત્વો લુંટારાઓ બેફામ બની પોલીસને પડકાર ફેંકી રહ્યા હતા, ત્યારે નવા 538 PSI પોલીસ ટીમમાં સામેલ થઈ શહેરની સલામતી માટે તૈનાત થશે. આ પછી રાજ્યમાં એએસઆઈની પીએસઆઈમાં બઢતી કરાતા પોલીસ તંત્રમાં પીએસઆઇની ઘટ્ટ ઓછી થઇ શકે છે. ગૃહ વિભાગની જાહેરાત અનુસાર 538 એએસઆઈને પીએસઆઈ તરીકે હંગામી બઢતી આપવામાં આવી છે. આ તમામ 538 એએસઆઇ લાંબા સમયથી પ્રમૉશનની રાહ જોઈ રહ્યાં હતા, હવે તેમને હંગામી બઢતી મળી છે.
મહત્વનું છે કે આ મામલે ગૃહ વિભાગે થોડા દિવસ અગાઉ જ નિર્ણય કર્યા બાદ રાજ્યની ડીજીપી ઓફિસ રાતદિવસ ધમધમી હતી. અહીં રજાના દિવસે પણ કામને ચાલુ રાખવામાં આવ્યું હતું. દિવાળી ટાણે જ પોલીસ અધિકારીઓને તેમના બઢતીના હુકમ મળી જાય તે માટે કચેરી દ્વારા ખાસ તસદી લેવામાં આવી હતી. મહત્વની જાણકારી અનુસાર હાલમાં પ્રમોશન મેળવનાર પીએસઆઇ તેમની હાલની મૂળ જગ્યાએ જ યથાવત રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પરંતુ ભવિષ્યમાં તેમની બદલી થવાની સંભાવના છે. ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકારે બે દિવસ પહેલા પ્રમોશન આપવાનો નિર્ણય લીધા પછી ડીજીપી કચેરીએ દિવસ રાત જોયા વગર કરી કામગીરી અને રજાના દિવસે 500થી વધુ આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટરને દિવાળી ગિફ્ટ તરીકે તેમની બઢતીના ઓર્ડર મળ્યા છે.
આ ઉપરાંત ગૃહ વિભાગે ATS ના DySP કે. કે. પટેલ અને સુરત ક્રાઈમ બ્રાંચના ACP ભાવેશ રોજિયાને આઉટ ઑફ ટર્ન પ્રમોશન આપ્યા છે. એક સાથે બબ્બે ડીવાયએસપીને એસપી તરીકેની બઢતી આપવામાં આવતા ગુજરાત પોલીસમાં એક નવો ઈતિહાસ રચાયો છે. ગૃહ વિભાગે બંને અધિકારીઓને બઢતી આપવાની સાથે સાથે તેમની બદલી પણ કરી છે. ડીવાયએસપી કે. કે. પટેલને SP મરીન ટાસ્ક ફોર્સ કમાન્ડર ગાંધીધામ-કચ્છ તરીકે નિમણૂંક આપી છે. જ્યારે બી. પી. રોજિયાને નાયબ પોલીસ કમિશનર ક્રાઈમ-2 સુરત તરીકે નિમણૂંક કરી છે.


