રેલવે દ્વારા મુસાફરોની સુવિધા વધારવા માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. પહેલીવાર રેલ્વે બોર્ડે રિઝર્વેશન ચાર્ટ તૈયાર કરવાની સમયસીમામાં ફેરફાર કર્યો છે, જેના કારણે હવે મુસાફરો તેમની વેઇટિંગ લિસ્ટ અથવા RAC ટિકિટનું સ્ટેટસ ટ્રેન ઉપડતા લગભગ 10 કલાક અગાઉથી જાણી શકશે. આ બદલાવથી ખાસ કરીને દૂરના સ્થળોથી મુસાફરી કરનાર મુસાફરોને મોટી રાહત મળશે.
નવી વ્યવસ્થા મુજબ
નવી વ્યવસ્થા મુજબ, સવારે 5 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધી ઉપડતી ટ્રેનો માટે પહેલો રિઝર્વેશન ચાર્ટ આગલી રાત્રે 8 વાગ્યા સુધીમાં તૈયાર કરી દેવાશે. જ્યારે બપોરે 2:01 વાગ્યાથી રાત્રે 11:59 વાગ્યા સુધી અને મધ્યરાત્રિથી સવારે 5 વાગ્યા સુધી ઉપડતી ટ્રેનો માટે રિઝર્વેશન ચાર્ટ ટ્રેનના પ્રસ્થાનના લગભગ 10 કલાક પહેલાં તૈયાર કરવામાં આવશે. આ પહેલા રેલવે દ્વારા ચાર્ટ માત્ર 4 કલાક અગાઉ તૈયાર કરવામાં આવતો હતો.
મુસાફરી અંગે અગાઉથી સ્પષ્ટ માહિતી
આ ફેરફારનો મુખ્ય હેતુ મુસાફરોને તેમની મુસાફરી અંગે અગાઉથી સ્પષ્ટ માહિતી મળી રહે તે છે. અત્યાર સુધી વેઇટિંગ લિસ્ટ અથવા RACમાં રહેલા મુસાફરોને છેલ્લી ઘડીએ જ ખબર પડતી હતી કે તેમની ટિકિટ કન્ફર્મ થઈ છે કે નહીં. પરિણામે ઘણીવાર મુસાફરો સ્ટેશન પર પહોંચ્યા બાદ નિરાશ થવું પડતું હતું, જેનાથી સમય, પૈસા અને માનસિક તણાવ ત્રણેય વધતા હતા.
રેલવે મંત્રાલયના અધિકારીઓનું શું કહેવું છે?
રેલવે મંત્રાલયના અધિકારીઓએ જણાવ્યું છે કે મુસાફરોની સતત ફરિયાદોને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. ચાર્ટ વહેલા તૈયાર થવાથી મુસાફરો તેમની મુસાફરીનું યોગ્ય આયોજન કરી શકશે, ખાસ કરીને જે લોકો લાંબી મુસાફરી માટે ઘરેથી વહેલા નીકળતા હોય છે તેમના માટે આ ખૂબ લાભદાયક સાબિત થશે. આ સંદર્ભમાં તમામ ઝોનલ રેલ્વે વિભાગોને જરૂરી સૂચનાઓ પણ આપી દેવામાં આવી છે.
મહત્વની ભૂમિકા ભજવશે
રેલવેનો આ નિર્ણય મુસાફર કેન્દ્રિત છે અને મુસાફરી દરમિયાન થતી અનિશ્ચિતતા ઘટાડવામાં મહત્વની ભૂમિકા ભજવશે. હવે મુસાફરોને છેલ્લી ક્ષણ સુધી રાહ જોવાની જરૂર નહીં રહે અને તેઓ વધુ આત્મવિશ્વાસ સાથે તેમની મુસાફરીનું આયોજન કરી શકશે.
આ પણ વાંચો : Stock Market Closing: લાલ નિશાનમાં માર્કેટ બંધ, સેન્સેક્સ 84,577 અંકે બંધ


