- સિક્યૉરિટી ગાર્ડસ અને સીસીટીવી કેમેરા ગોઠવવા છતાં
- જનરેટર રૂમનું તાળું તોળી વિવિધ ઈલેક્ટ્રોનિક સામાનની ચોરી કરી
- સમગ્ર કેમ્પસની સિક્યુરીટી માટે છ સિક્યુરીટી ગાર્ડ રાખેલ છે
કાલોલ તાલુકાના વેજલપુર હાઈવે સ્થિત કાનોડ ચોકડી પાસે સ્થાપિત થયેલ કેન્દ્રીય નવોદય વિદ્યાલયમાં ત્રણ મહિના પૂર્વે કોઈ અજાણ્યા શખ્સોએ વિધાલયના કેમ્પસમાં ઘુસીને જનરેટર રૂમમાંથી રૂ.41,500નો સરસમાન ચોરી જતાં ચકચાર જગાવી છે.
વેજલપુર પોલીસ સ્ટેશનમાં નવોદય વિદ્યાલયના આચાર્ય ડૉ. પ્રિયરંજન સિંધે દાખલ કરેલી ફરિયાદની વિગતો અનુસાર વિશાળ કેમ્પસમાં આવેલી નવોદય વિદ્યાલય અને હોસ્ટેલની ફરતે કંપાઉન્ડ વોલ બનાવેલ છે. સમગ્ર કેમ્પસની સિક્યુરીટી માટે છ સિક્યુરીટી ગાર્ડ રાખેલ છે, તદ્ઉપરાંત શાળાના કંપાઉન્ડમાં અલગ અલગ જગ્યાઓએ કુલ-64 જેટલા સી.સી.ટી.વી કેમેરા પણ લગાવેલ છે. તેમ છતાં ગત 29/12/2023ની સાંજે સ્કુલના મેઈન ગેટની જમણી બાજુના કંપાઉન્ડની દિવાલને અડીને આવેલ પાવર જનરેટર રૂમને સ્કુલના ઈલેક્ટ્રીસીયન કમ પ્લમ્બર તરીકે ભરત સોમાભાઈ બરજોડે પાવર જનરેટર રૂમ બંધ કરી ઘરે ગયા પછી બીજા દિવસે સવારમાં આઠેક વાગ્યાની આસપાસ જનરેટર રૂમના શટરનું તાળુ તુટેલ હોવાનું જોવા મળતા આચાર્યએ સ્કુલના સ્ટાફ્ સાથે ઘટનાસ્થળે પહોંચી જોતા જનરેટર રૂમના શટરનું તાળુ તુટેલું અને અંદરનો સામાન વેરવિખેર જોવા મળ્યો હતો જેથી રાત્રીના સુમારે ચોરી થઇ હોવાના અનુમાન સાથે ભરતભાઈએ રૂમમાં રાખવામાં આવેલ ઈલેક્ટ્રોનિક સામાન અંગે તપાસ કરતા જનરેટર રૂમ તથા તેની બાજુના રૂમમાંથી 12 વોલ્ટની બે નંગ જનરેટર બેટરી, એક ડ્રેનેજ પંપ, 40 મીટરનો 70 mm એલ્યુમીનીયમ આર્મર કેબલ, એક સબમર્શીબલ પંપ, બે નંગ ઈલેકટ્રીક ગ્રાઈન્ડર મશીન, એક ઈલેકટ્રીક ડ્રીલ મશીન, એક કોર્ડલેશ ડ્રીલ મશીન, 30 નંગ સિલીંગ ફેન, એક સબમર્શીબલ પંપનો કોર વાયર, એક હાઇડ્રોલિક કિમ્પીંગ મશીન, એક બ્રેકેટ મશીન ( ડેમોનેશન મશીન), એક કોર્ડ લેશ ગ્રાઈન્ડીંગ મશીન અને એક 20 લીટર ડીઝલ ભરેલ કેન મળીને કુલ રૂ. 41,500નો સર સામાન તા.29/12/2023ની સાંજથી તા.30/12/2023ની સવાર વચ્ચે રાત્રીના સુમારે કોઈ અજાણ્યા ચોર ઈસમોએ સ્કુલ કેમ્પસમાં ઘૂસીને પાવર જનરેટર રૂમના શટરનું તાળુ તોડી મોટાભાગનો ઈલેક્ટ્રીક સરસામાન ચોરી કરીને ફ્રાર થઈ ગયા હોવાની ઘટના ઘટી હતી. જોકે ચોરીની એ ઘટના અંગે કેન્દ્રીય વિદ્યાલયના મુખ્યાલયને જાણ કર્યા પછી મેનેજમેન્ટ સિસ્ટમનું એપ્રુવલ મળ્યા બાદ શાળાના આચાર્યએ ચોરીની ઘટનાના ચાર મહિના પછી નજીકના વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ચોરીનો અંજામ આપતા અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


