- 63 કરોડ ડોલર ગ્રાહકો માટેના સેટલમેન્ટ ફંડમાં જમા કરાવવા કોર્ટનો આદેશ
- કંપની સામે પ્લે સ્ટોર પરની એપ્સ માટે યૂઝર્સ પાસેથી વધુ રકમ વસૂલવાનો આરોપ
- અમેરિકી કોર્ટમાં કેસ હારી 7 કરોડ ડોલર રાજ્યોને મળશે
વિશ્વની દિગ્ગજ ટેક કંપની ગૂગલને તેની મનમાની કરવાની આકરી સજા મળી છે. અમેરિકામાં કંપનીએ 10 કરોડ યૂઝર્સને 70 કરોડ ડોલર (અંદાજે 5,822 કરોડ રૂપિયા) ચૂકવવા પડશે. માર્કેટમાં એન્ડ્રોઇડની મજબૂત સ્થિતિનો ગેરલાભ ઊઠાવવાના કેસમાં ગૂગલે કોર્ટમાં લપડાકનો સામનો કરવો પડયો છે. આ મામલે સાન ફ્રાન્સિસ્કોની કોર્ટે આદેશ આપ્યો છે કે ગૂગલ 63 કરોડ ડોલર ગ્રાહકો માટેના સેટલમેન્ટ ફંડમાં જમા કરાવે જ્યારે 7 કરોડ ડોલર રાજ્યોને મળશે. બીજી તરફ ગૂગલ હવે પ્લે સ્ટોર પર અન્ય એપ ડેવલપર્સને બહેતર કોમ્પિટિશન ઉપલબ્ધ કરાવવા પણ સહમત થઇ ગઇ છે. ગૂગલ અગાઉ આવો જ એક કેસ Fortnite ગેમ્સના મેકર એપિક ગેમ્સ સામે પણ લડી હતી. તે મામલે કેલિફોર્નિયાની કોર્ટે ગયા અઠવાડિયે જ આદેશ આપ્યો હતો કે ગૂગલનો એપ બિઝનેસ એન્ટિ-કોમ્પિટિટિવ છે.
મામલો શું છે?
ગૂગલ સામે આરોપ હતો કે તે પ્લે સ્ટોર પરની એપ્સ માટે યુઝર્સ પાસેથી વધુ રકમ વસૂલી રહી છે. તે માટે કંપની ગેરકાયદે રીતે નિયંત્રણો લાદી રહી છે અને એપ્સના ડિસ્ટ્રિબ્યુશનમાં પણ ભેદભાવ કરી રહી છે. તદુપરાંત, એપમાં ટ્રાન્ઝેક્શન્સ કરવા પર પણ ગ્રાહકો પાસેથી બિનજરૂરી ચાર્જિસ વસૂલવાનો પણ ગૂગલ સામે આરોપ હતો.
યૂઝર્સને કેટલી રકમ મળશે?
આ કેસમાં અમેરિકી કોર્ટના આદેશ બાદ દરેક ગ્રાહકને સેટલમેન્ટમાં ઓછામાં ઓછા બે ડોલર મળશે જ્યારે ગૂગલ પ્લે સ્ટોર પર ગ્રાહકો દ્વારા 16 ઓગસ્ટ, 2016થી 30 સપ્ટેમ્બર, 2023 દરમિયાન ખર્ચ કરાયેલી રકમના હિસાબે તેમને વધારાની રકમ અપાશે. આ કેસ સાથે સંકળાયેલા વકીલોના જણાવ્યાનુસાર અંદાજે 10.2 કરોડ યૂઝર્સ સેટલમેન્ટની રકમ મેળવવાને પાત્ર ઠરી શકે છે.
ભારતમાં પણ ગૂગલની મુશ્કેલીઓ વધી શકે
સાન ફ્રાન્સિસ્કોની કોર્ટના ચુકાદા બાદ ભારતમાં પણ ગૂગલની મુશ્કેલીઓ વધી શકે છે કેમ કે કંપની સામે ભારતમાં પણ એન્ડ્રોઇડની મજબૂત સ્થિતિનો ગેરફાયદો ઉઠાવવા સંબંધી એક કેસ ચાલી રહ્યો છે. ભારતમાં એન્ડ્રોઇડની મજબૂત સ્થિતિનો ગેરફાયદો ઉઠાવવાના કેસમાં કોમ્પિટિશન કમિશન ઓફ ઇન્ડિયા (CCI)એ ગૂગલને 1,337 કરોડ રૂપિયા દંડ ફટકાર્યો હતો, જેની સામે ગૂગલે NCLTમાં અપીલ કરી હતી પણ NCLTએ CCIના આદેશને યોગ્ય ઠરાવ્યો હતો. ત્યાર બાદ મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો. સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવવાનો બાકી છે. ભારતમાં પણ કોર્ટ યુઝર્સના પક્ષમાં ચૂકાદો આપશે તેવી અપેક્ષા સેવાઇ રહી છે અને તેના કારણે અહીં પણ ગૂગલની મોનોપોલીને આંચકો લાગી શકે છે.


