- દિલ્હીમાં વધી રહ્યું છે પ્રદૂષણ
- પ્રદૂષણ મામલે સુપ્રીમ કોર્ટે કાઢી છે ઝાટકણી
- ત્યારે શું હવે ઓડ ઇવન લાગુ કે નહી ?
દિલ્હીમાં ઓડ-ઈવન લાગુ કરવાનો ગઇકાલે નિર્ણય તો લેવાયો પરંતુ આજે સુપ્રીમ કોર્ટ દ્વારા દિલ્હી અને પંજાબ સરકારની ઝાટકણી બાદ ઓડ ઇવન લાગુ થશે કે નહી તેને લઇને મૂંઝવણ ઉભી થઇ છે. ત્યારે આ મામલે સુપ્રીમ કોર્ટની ઝાટકણી બાદ પર્યાવરણ મંત્રી ગોપાલ રાયે શું કહ્યું આવો તે વિશે જાણીએ..
સુપ્રીમ કોર્ટના આદેશનો અભ્યાસ કરીશું
પર્યાવરણ મંત્રી ગોપાલ રાયે મંગળવારે કહ્યું કે ઓડ-ઈવન લાગુ કરવા અંગેનો નિર્ણય સુપ્રીમ કોર્ટના અવલોકનોનો અભ્યાસ કર્યા બાદ જ લેવામાં આવશે. ઓડ-ઈવન લાગુ કરવાના મુદ્દે અમે ટ્રાન્સપોર્ટ કમિશનર, ટ્રાફિક પોલીસ અને પર્યાવરણ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. અમારે તમને ઓડ-ઈવન વ્હીકલ સ્કીમના નિયમો વિશે માહિતી આપવાની હતી પરંતુ આ દરમિયાન અમે મીડિયામાં ઓડ-ઈવન વ્હીકલ સ્કીમને લઈને સુપ્રીમ કોર્ટની કેટલીક ટિપ્પણીઓ જોઈ. હવે અમે નક્કી કર્યું છે કે અમે પહેલા સુપ્રીમ કોર્ટના આદેશનો અભ્યાસ કરીશું.
આદેશો પર અભ્યાસ બાદ જાણ કરીશું
પર્યાવરણ મંત્રી ગોપાલ રાયે કહ્યું કે હવે અમે દિલ્હીમાં પ્રદૂષણ અને તેના નિવારણ માટે ઓડ-ઇવન સ્કીમના મુદ્દે સુપ્રીમ કોર્ટના જે પણ સૂચનો અને આદેશો છે તેમાં સામેલ કરીશું. અમે તે મુજબ નીતિ બનાવીશું. સુપ્રીમ કોર્ટના લેખિત આદેશનો અભ્યાસ કર્યા પછી જ અમે તમારી સમક્ષ ઓડ-ઇવન પરની તમામ માહિતી રજૂ કરીશું.
તમામ સરકાર યોગ્ય પગલા ભરે
પ્રદૂષણની સમસ્યા પર સુપ્રીમ કોર્ટના નિર્દેશો પર, દિલ્હીના પર્યાવરણ પ્રધાન ગોપાલ રાયે કહ્યું કે, સુપ્રીમ કોર્ટે પરાળી સળગાવવા, ફટાકડા અને વાયુ પ્રદૂષણને લઈને તેની ટિપ્પણીઓ આપી છે. અમારી સરકાર સુપ્રીમના આદેશનો અમલ કરશે. પ્રદૂષણની સમસ્યા સમગ્ર ઉત્તર ભારતની સમસ્યા છે. હું તમામ સરકારોને વિનંતી કરું છું કે જો આપણે પ્રદૂષણ ઘટાડવા માટેના તમામ પગલાં અમલમાં મૂકીશું તો ચોક્કસપણે સફળ થઈશું.