– મુકત વેપાર કરારને ઝડપથી અંતિમ રૂપ આપવા બન્ને દેશો આતુર
Updated: Nov 9th, 2023
મુંબઈ : યુનાઈટેડ કિંગ્ડમ (યુકે) સાથે મુકત વેપાર કરારને વર્તમાન વર્ષના અંત પહેલા અંતિમ રૂપ આપી દેવાના ભાગરૂપ સરકાર યુકેથી આયાત કરાતા વીજ વાહનો પરની આયાત ડયૂટી ઘટાડવા વિચારી રહી છે.
૮૦,૦૦૦ ડોલરથી વધુની કિંમતના કેટલાક વીજ વાહનો પર હાલમાં જે ૭૦ થી ૧૦૦ ટકા ડયૂટી વસૂલવામાં આવે છે, તે ઘટાડી ૩૦ ટકા કરવા ભારત વિચારી રહ્યું હોવાનું સરકારી સુત્રોએ જણાવ્યું હતું.
ભારત અને યુકે વચ્ચે મુકત વેપાર કરારમાં હાલમાં જે મુદ્દા પર નિર્ણય લેવાના બાકી પડયા છે, તેમાં વીજ વાહનો પરની ડયૂટી ઘટાડવાની યુકેની એક માગનો પણ સમાવેશ થાય છે.
ભારત મોટી લોકસંખ્યા ધરાવતો દેશ છે અને વીજ વાહનો માટેની માગમાં અહીં તબક્કાવાર વધારો થઈ રહ્યો છે. જો કે યુકેના વીજ વાહનો અહીં પ્રમાણમાં મોંઘા પડે છે. વીજ વાહનોની સંખ્યામાં વધારાથી દેશમાં પ્રદૂષણ સામેની લડતમાં ટેકો મળી રહેશે.
ભારતના બે મુખ્ય શહેરો મુંબઈ તથા દિલ્હી હાલમાં હવાના પ્રદૂષણનો જોરદાર સામનો કરી રહ્યા છે.
વીજ વાહનોની આયાત નીતિ પર સરકાર સખત ધોરણ ધરાવે છે, કારણ કે તે ઘરઆંગણે ઉત્પાદિત થતા વીજ વાહનો તથા તેના પાર્ટસના ઉત્પાદકો સામે કોઈ સસ્તી સ્પર્ધા ઊભી કરવા માગતી નથી. ઘરઆંગણે ઉત્પાદિત થતાં વીજ વાહનો માટે સરકારે પ્રોડકશન લિન્કડ ઈન્સેન્ટિવ સ્કીમ પણ આ અગાઉ જાહેર કરી છે.
નીચા ટેરિફથી બજાર જોડાણમાં વધારો થશે અને બન્ને દેશો વચ્ચેના દ્વીપક્ષી વેપારમાં વધારો થશે તેવી ભારત તથા યુકેના નીતિવિષયકો અપેક્ષા રાખી રહ્યા છે. અત્યાર સુધી થયેલ મુક્ત વેપાર સંધિની ચર્ચામાં ઇલેક્ટ્રિક વાહનો પર આયાત છૂટ માટેની યુકેની માંગ બાકી રહેલા કેટલાક મુખ્ય મુદ્દાઓમાંની એક છે.
હાલમાં ભારતની સૌથી વધુ વેચાતી ઈલેક્ટ્રિક કાર ટાટાની નેક્સોન છે. તેની કિંમત રૂ. ૧૫ લાખ એટલેકે ૧૮,૦૦૦ ડોલર કરતાં ઓછી છે. જર્મન લક્ઝરી ઓટોમેકર્સ બીએમડબલ્યુ એજી, મર્સિડીઝ બેંજ ગુ્રપ એજી અને ફોક્સવેગન એજીની ઓડી ભારતમાં ૮૦,૦૦૦ ડોલરથી વધુની ઇલેક્ટ્રિક કાર વેચે છે.