- ભારતમાં કામ કરી રહેલી ચાઇનીઝ કંપનીઓને લઇને તપાસનો સિલસિલો તેજ થઇ શકે છે
- સરકારે એમજીને નોટિસ પાઠવી નાણાકીય વર્ષ 2019-20માં નુકસાનના કારણો અંગે પૂછપરછ કરી
- કંપનીના ડિરેક્ટર્સને કંપનીઝ એક્ટ 2013ની કલમ 207 હેઠળ બોલાવવામાં આવ્યા હતાં
કંપની બાબતોનું મંત્રાલય ચાઇનીઝ કાર કંપની એમજી મોટર ઈન્ડિયા અને ચાઇનીઝ સ્માર્ટફોન કંપની વિવોના ફાઇનાન્શિયલ એકાઉન્ટ્સની તપાસ કરવાની ભલામણ આપી શકે છે. અહેવાલો અનુસાર આ કાર્યવાહીના કારણે ભારતમાં કામ કરી રહેલી ચાઇનીઝ કંપનીઓને લઇને તપાસનો સિલસિલો તેજ થઇ શકે છે. મંત્રાલયે આ મહિને રજિસ્ટ્રાર ઓફ કંપનીઝ મારફત એમજી મોટર્સના ડિરેક્ટર્સ તથા ઓડિટર ડેલોઇટને બોલાવ્યા હતાં કે જેથી તપાસમાં જાણવા મળેલી ઓડિટ સંબંધી અનિયમિતતાઓને લઇને કંપનીના પ્રતિનિધિઓ તથા ઓડિટર્સ પાસે સ્પષ્ટતા માંગી શકાય. કંપનીના ડિરેક્ટર્સને કંપનીઝ એક્ટ 2013ની કલમ 207 હેઠળ બોલાવવામાં આવ્યા હતાં. સરકારે આ કંપનીને નોટિસ ઈશ્યૂ કરીને નાણાકીય વર્ષ 2019-20માં તેને થયેલાં નુકસાનના કારણો અંગે પૂછપરછ કરી હતી. તે વર્ષ કંપનીનું ભારતમાં ઓપરેશનનું પ્રથમ વર્ષ હતું.
સરકારે એમજી મોટર ઈન્ડિયાના ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટનું વિશ્લેષણ કર્યા બાદ આ તપાસની શરૂઆત કરી હતી. આ તપાસમાં કંપનીની શંકાસ્પદ લેવડદેવડનો પર્દાફાસ થયો હતો અને તેમાં કહેવાતી ટેક્સ ચોરી, બિલિંગમાં ગરબડ તથા અન્ય અનિયમિતતાઓની વાત સામે આવી હતી.
કામગીરી પારદર્શી હોવાનો એમજીનો દાવો
જો કે ઓટો કંપનીએ પોતાના જવાબમાં સંપૂર્ણતયા નિયમોનું પાલન કરવામાં આવ્યું હોવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. એમજી મોટરે જણાવ્યું હતું કે કંપનીએ હંમેશા પારદર્શિતા જાળવી રાખી છે. એમજી મોટર ઈન્ડિયાએ પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે કોઇપણ ઓટોમોબાઇલ કંપની માટે પોતાના પ્રથમ વર્ષના ઓપરેશનમાં જ નફો મેળવી લેવો મુશ્કેલ હોય છે.