એક જ ફળિયાના પાડોશીઓ અલગ રાજ્યમાં મતદાન કરે છે : કેટલાક લોકો વલસાડ બેઠક તો અન્ય લોકો પાલઘર લોકસભા બેઠક માટે મતદાન કરશે
ગુજરાતમાં આગામી 7મી તારીખે લોકસભાની ચૂંટણી માટેનું મતદાન યોજાઇ રહ્યું છે. ગુજરાતની તમામ 26 બેઠક પર આવેલા ગુજરાતના મતદારો સાતમી તારીખે મતદાન કરશે. પરંતુ રાજ્યના છેવાડે આવેલું વલસાડ જિલ્લાનું એક ગામ એવું છે જે ગામની અડધી વસ્તી ગુજરાતમાં તો અડધી મહારાષ્ટ્રમાં મતદાન કરશે.
આ હકીહત છે. ગુજરાતના વલસાડ જિલ્લામાં આવેલું ગોવાડા ગામ આ કારણસર એક અનોખા ગામ તરીકે ઓળખાય છે. આ ગામ ગુજરાત અને મહારાષ્ટ્રની સરહદ પર આવેલું છે. જેના કારણે સીમાંકન કહો કે વિભાજન કહો પણ આ ગામની કિસ્મતમાં અડધી પબ્લિકના હિસ્સે ગુજરાત આવ્યું છે તો અડધી વસ્તીના ભાગે મહારાષ્ટ્ર આવ્યું છે.
આ ગામના લોકોનું કિસ્મત એવું છેકે, કેટલાક લોકો ગુજરાતની વલસાડ લોકસભા બેઠક વખતે સાતમી તારીખે મતદાન કરશે તો.. તેમના જ કેટલાક પડોશીઓ 26 તારીખે મહારાષ્ટ્રની પાલઘર લોકસભા બેઠક માટે મતદાન કરશે. આમ એક જ ફળિયામાં રહેતા બે પડોશીઓ માટે મતદાન વખતે માત્ર લોકસભાની બેઠક જ નહીં, પરંતુ આખું રાજ્ય જ બદલાઈ જાય છે. આ ગામમાં પ્રાથમિક સુવિધાઓ ગુજરાતની મળે છે. પરંતુ ચૂંટણી સમયે અલગ લોકસભા બેઠક લાગુ પડે છે.
ગોવાડા એ ગુજરાતના વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં આવેલું છેક છેવાડાનું ગામ છે. આજકાલનું નહીં પણ ગુજરાત અને મહારાષ્ટ્રની સ્થાપના થઈ ત્યારથી આ ગામમાં આ રીતે જ મતદાન થાય છે. આવું જ નંદુરબાર લાઈન ઉપર આવેલા નવાપુર રેલ્વે સ્ટેશન ઉપર પણ છે. નવાપુર રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ ઉપર વચ્ચોવચ એક બાંકડો છે. એ બાકડા ઉપર સેન્ટરમાં એક લાઈન દોરી અને મહારાષ્ટ્ર અને ગુજરાતની બોર્ડર દર્શાવી છે. અડધું પ્લેટફોર્મ મહારાષ્ટ્રમાં અને અડધું પ્લેટફોર્મ ગુજરાતમાં.


