- કર્ણાવતી કાર્યાલય ખાનપુર ખાતે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ રહ્યા હાજર
- તેમજ નેતાઓ ધારાસભ્યો અને કોર્પોરેટરો એકઠા થયા
- ત્રણ રાજ્યોના ચૂંટણી પરિણામમાં ભાજપનો વિજય થયો
મધ્યપ્રદેશ, રાજસ્થાન, અને છત્તીસગઢ આ 3 રાજ્યમાં ભાજપે પોતાના સાંસદ અને દિગ્ગજ નેતાઓને પણ ચૂંટણી મેદાનમાં ઉતાર્યા હતા જેમાં ભાજપની ભવ્ય જીત થઈ છે. જે પછી ગુજરાતમાં અમદાવાદ કર્ણાવતી મહાનગર કાર્યાલય ખાનપુર ખાતે મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ ભેગા થયા હતા.
અમદાવાદના કાર્યકર્તાઓ કર્ણાવતી મહાનગર કાર્યાલય ખાનપુર ખાતે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને મોદી સરકારના કામો અંગે વાત કરી હતી. મધ્યપ્રદેશ, રાજસ્થાન, અને છત્તીસગઢમાં ભાજપની થયેલી જીતની ઉજવણી ઠેર ઠેર કરવામાં આવી રહી છે.
ખાસ કરીને ગુજરાતના તમામ કાર્યાલયો પર પણ ઉજવણી કરવામાં આવી રહી છે. કર્ણાવતી મહાનગર કાર્યાલય ખાનપુર ખાતે CM પહોંચ્યા હતા જે દરમ્યાન લોકોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ નેતાઓ ધારાસભ્યો અને કોર્પોરેટરો એકઠા થયા. આ દરમ્યાન ઢોલ નગારા સાથે ગરબા ગાઈને અનેરો ઉત્સાહ વ્યક્ત કર્યો હતો.
3 રાજ્યમાં ભાજપની બહુમતિથી જીતની ઉજવણી વચ્ચે CM ભૂપેન્દ્ર પટેલે જીતની ખુશી વ્યક્ત કરી હતી. જેમાં મુખ્યમંત્રીએ જણાવ્યું કે, ભાજપની શાનદાર જીત છે. ભાજપ પર વિશ્વાસ મૂક્યો જીત અપાવી છે. બધાને ડબલ એન્જિન સરકારનો લાભ મળશે. જેને માટે સૌ કોઈએ ભાજપ પર અને વડાપ્રધાન મોદી પર વિશ્વાસ રાખ્યો છે.
જ્યારે બીજી તરફ નવસારીમાં યોજાયેલો ભાજપનો સ્નેહ મિલન સમારોહ વિજયોત્સવમાં ફેરવાયો છે. જેમાં 4 રાજ્યોની વિધાનસભામાં ચૂંટણીમાં જીત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં ડંકો વગાડ્યો છે તેમ સી.આર.પાટીલે જણાવ્યું છે.


