- દાદાના સિંહાસને ગુલાબ અને ગલગોટાના ફુલનો પણ શણગાર કરાયો છે
- દાદાને સુવર્ણ અને હીરાજડિત વાઘા પહેરાવાયા :ભક્તો દર્શન કરી ધન્ય બન્યા
- શણગાર કરતા 6 સંતો, પાર્ષદ અને હરિભક્તોને ચાર કલાકનો સમય લાગ્યો હતો
વડતાલધામ દ્વિશતાબ્દી મહોત્સવ ઉપલક્ષમાં શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પ.પૂ.શાસ્ત્ર્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી શ્રી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી ગુરુપૂર્ણિમા એવં વ્યાસપૂર્ણિમા નિમિત્તે પર્વની વિશેષ ઉજવણી કરવામાં આવી રહી છે.
આજે તા.21-07-2024ને રવિવારના રોજ શ્રી કષ્ટભંજનદેવને દાદાને આજે સુવર્ણ અને હીરાજડિત વાઘા પહેરાવામાં આવ્યા છે. આ સાથે જ દાદાના સિંહાસને ગુલાબ અને ગલગોટાના ફુલનો પણ શણગાર કરાયો છે. આજે દાદાનું વિશેષ પૂજન કરાયું હતું. તેમજ સવારે 05:30 કલાકે મંગળા આરતી તથા 7:00 કલાકે શણગાર આરતી પૂજારી સ્વામી દ્વારા કરવામાં આવેલ.
આજે દાદાને કરાયેલાં શણગાર વિશે પૂજારી સ્વામીએ જણાવ્યું કે, આજે દાદાને 100 કિલો ગુલાબ અને ગલગોટાના ફુલનો શણગાર કરાયો છે. આ સાથે જ દાદાને 8 કિલો સોનામાંથી બનેલાં હીરાજડિત વાઘા પણ પહેરાવ્યા છે. દાદાના સિંહાસને શણગાર કરવા માટે ગુલાબ અને ગલગોટાના ફુલ વડોદરાથી મંગાવવામાં આવ્યા છે. આ શણગાર કરતા 6 સંતો, પાર્ષદ અને હરિભક્તોને ચાર કલાકનો સમય લાગ્યો હતો.
આજે ગુરુ પૂર્ણિમાના દિવસે શ્રીકષ્ટભંજન દેવ હનુમનાજી દાદાને 8 કિલો સોનામાંથી બનેલાં વાઘા પહેરાવાયા છે. આ વાઘાની કિંમત 9 કરોડ રૂપિયા કરતા પણ વધારે છે. વર્ષ 2019માં આ વાઘા બનાવવા માટે 22 ડિઝાઇનર્સની ટીમ મંદિરના સંતો દ્વારા અપોઈન્ટ કરવામાં આવી હતી. આ વાઘાનું મુખ્ય કામ અંજારના હિતેષભાઈ સોનીએ કર્યું છે અને કેટલુંક કામ રાજકોટ અને જયપુરમાં પણ કરાવવામાં આવ્યું હતું. આ વાઘા બનાવવા માટે ડિઝાઇનર્સ સહિત 100 જેટલા સોનીઓની મદદ લેવાઈ હતી. આ લોકોએ 1050 કલાકની મહેનત બાદ દાદાના આ વાઘા તૈયાર કર્યા હતા. આ વાઘાને સંપૂર્ણ તૈયાર થવામાં એક વર્ષનો સમય લાગ્યો હતો.


