જૈનમ–જીવિકા દ્વારા રાજકોટમાં પ્રથમવાર જૈન ધર્મ પર સેમિનાર : જૈન ભોજનાલયે ત્રણ વર્ષમાં ૫.૮૩ લાખથી વધુ સાધર્મિકોને ભોજન લાભ : પૂજ્ય પારસમુનિ મહારાજ એક વર્ષ અખંડ મૌન સાધનામાં પ્રવેશ કરશે
ગુજરાતના જૈન સમાજના ઇતિહાસમાં એક મહત્વપૂર્ણ અને ગૌરવસભર અધ્યાયનો ઉમેરો થવા જઈ રહ્યો છે. રાજકોટ શહેરમાં ગુજરાતમાં સૌપ્રથમવાર ખેતાણી પરિવારની અનુમોદિત ભાવનાથી નિર્મિત ‘તકતી મુક્ત’ જૈન ધર્મસ્થાનકનું ભવ્ય ઉદ્ઘાટન થવા જઈ રહ્યું છે. આ ઐતિહાસિક પ્રસંગે જૈન સમાજને એક નવી દિશા, નવી વિચારધારા અને નિર્મળ ભાવનાનો સંદેશ આપ્યો છે, જે સમગ્ર ગુજરાત માટે પ્રેરણારૂપ બનશે.
આ અનોખા અને ઐતિહાસિક ધર્મસ્થાનકનું ઉદ્ઘાટન તારીખ ૧૧/૧/૨૦૨૬, રવિવારના રોજ રૂડાનગર, કાલાવડ રોડ, રાજકોટ ખાતે થવા જઈ રહ્યું છે. જૈન ઇન્ટરનેશનલ વેલ્ફેર ઓર્ગેનાઈઝેશન સંચાલિત કાલાવડ રોડ, ઇસ્કોન મંદિર પાછળ રૂડાનગર સ્થાનકવાસી જૈન સંઘ દ્વારા નિર્મિત આ ઉપાશ્રયનું વિશેષ લક્ષણ એ છે કે, અહીં કોઈ પણ દાતાનું નામ, કુટુંબ, કે વ્યક્તિગત ઓળખ દર્શાવતી કોઈ તકતી લગાવવામાં આવી નથી. આ વિચારધારા પાછળ ૨૦૨૧માં પૂજ્ય સદગુરુદેવ શ્રી પારસમુનિ મહારાજ દ્વારા વ્યક્ત કરાયેલ વિચારધારા છે કે, “જૈન સમાજનું ઉત્થાન ત્યારે જ શક્ય છે જ્યારે ધર્મસ્થાનકો તકતી મુક્ત બને અને કાર્યક્રમો સ્ટેજ મુક્ત બને.આજે એ વિચાર સાકાર સ્વરૂપે રાજકોટમાં રૂપ થયો છે.
માતુશ્રી વિમળાબેન ચંપકલાલ ખેતાણી પરિવાર (સાવરકુંડલા વાળા, હાલ મુંબઈ) દ્વારા મુખ્ય લાભાર્થી સ્વરૂપે આ ઉપાશ્રયનું નિર્માણ થયું છે.
ખેતાણી પરિવારની વિશેષતા એ છે કે તેઓ દાન કરે છે, પરંતુ પ્રચારથી દૂર રહે છે. મુખ્ય લાભાર્થી હોવા છતાં ઉદ્ઘાટન પ્રસંગે પોતે ઉપસ્થિત ન રહેવાની તેમની પરંપરા જૈન સમાજમાં અનોખી ગણાય છે.
આ પરિવાર છેલ્લા લગભગ ૪૫ વર્ષથી સ્થાનકવાસી, દેરાવાસી, દિગંબર અને તેરાપંથ ચારેય ફિરકાના સંત-સતીજીની સ્વદ્રવ્યથી વૈયાવચ્ચ કરી રહ્યો છે. હજારો સંત-સતીજી માટે ખેતાણી પરિવાર ‘સાચા અમ્મા-પિય્યા’ સમાન ગણાય છે.
આ પવિત્ર ઉદ્ઘાટન પ્રસંગ ગોંડલ સંપ્રદાયના ગાદીપતિ પૂજ્ય ગુરુદેવ શ્રી ગિરીશચંદ્રજી સ્વામીના સુશિષ્ય ગુજરાત રત્ન પૂજ્ય શ્રી સુશાંતમુનિ મહારાજ તથા મહામંત્ર પ્રભાવ પૂજ્ય ગુરુદેવ શ્રી જગદીશમુનિ મહારાજના શિષ્યરત્ન પૂજ્ય સદગુરુદેવ શ્રી પારસમુનિ મહારાજના સાનિધ્યમાં યોજાશે.
મુખ્ય ઉદ્ઘાટક તરીકે શ્રી ધીરજલાલ કાંતિલાલ જૈન અને શ્રીમતી મમતાબેન જૈન (જૈનમ–જીવિકા જૈન, દુબઈ) ના વરદ હસ્તે ઉદ્ઘાટન વિધિ સંપન્ન થશે.નવ નિર્મિત ઉપાશ્રય સ્થાનકવાસી જૈન પરંપરા અનુસાર આરાધનાને અનુકૂળ બનાવવામાં આવ્યો છે. વર્તમાન સમયની ચતુર્વિધ સંઘની આવશ્યકતાઓને ધ્યાનમાં રાખીને રચાયેલ આ ધર્મસ્થાનક સાધુચર્યાને અનુકૂળ, શાંતિપૂર્ણ અને આધ્યાત્મિક ઊર્જાથી ભરપૂર છે.
ઉદ્ઘાટન પ્રસંગે પૂજ્ય દેવેન્દ્રમુનિ મહારાજ, જશ-ઉત્તમ-પ્રાણ પરિવાર, સંઘાણી સંપ્રદાય, લીંબડી સંપ્રદાય સહિત રાજકોટમાં બિરાજમાન અનેક સંત-સતીરત્નો ઉપસ્થિત રહેશે. સમસ્ત જૈન સંઘો, દાતાશ્રીઓ, જૈન અગ્રણીઓ અને શ્રાવક-શ્રાવિકાઓને ભાવભર્યું આમંત્રણ આપવામાં આવ્યું છે.રાજકોટથી સમગ્ર ગુજરાતને પ્રેરણા
રાજકોટમાં યોજાનારા આ તમામ કાર્યક્રમો માત્ર ધાર્મિક પ્રસંગો નથી, પરંતુ જૈન સમાજની વિચારધારા, સેવાભાવ, નિર્મળ દાનભાવના અને આધ્યાત્મિક ચેતનાનું જીવંત પ્રદર્શન છે.
‘તકતી મુક્ત’ ઉપાશ્રય, બાળ વયે જૈનમ–જીવિકાનું જૈનીઝમ પ્રચાર કાર્ય, જૈન ભોજનાલયની નિસ્વાર્થ સેવા અને પૂજ્ય ગુરુદેવની અખંડ મૌન સાધના. આ બધું મળીને જૈન સમાજ માટે એક નવી યુગપ્રવર્તક દિશા નિર્ધારિત કરે છે
રાજકોટમાં સૌપ્રથમવાર જૈન ધર્મ પર સેમિનાર
રાજકોટ શહેરમાં એક વધુ ઐતિહાસિક ઘટના તરીકે તારીખ ૧૦/૧/૨૦૨૬, શનિવારના રોજ સાંજે ૫:૦૦ કલાકે જૈનમ–જીવિકા જૈન દ્વારા જૈન ધર્મ પર વિશેષ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે.
આ સેમિનાર આત્મીય વિશ્વવિદ્યાલય ના ઓડિટોરિયમ, કાલાવડ રોડ ખાતે યોજાશે.
માત્ર ૧૪ વર્ષના જૈનમ જૈન અને ૧૧ વર્ષની જીવિકા જૈન – આ ભાઈ-બહેન જૈનીઝમ પર મોટીવેશનલ સ્પીચ આપશે. જૈન ધર્મ શું છે, રોજિંદા જીવનમાં તેને કેવી રીતે અપનાવી શકાય, પાંચ પર્વતિથિનું વૈજ્ઞાનિક મહત્વ, અને જૈન જીવનશૈલીના લાભો જેવા વિષયો પર તેઓ મનનીય વક્તવ્ય આપશે.આ સેમિનાર નિઃશુલ્ક છે અને બાળકો માટે ખાસ પ્રેરણાદાયક રહેશે.
જૈન ભોજનાલય : સેવા, સમર્પણ અને સહયોગનો ત્રિવેણી સંગમ
જૈન સંકલ્પ ટ્રસ્ટ મુંબઈ અને JIVO – રાજકોટના સંયુક્ત પ્રયાસથી સંચાલિત જૈન ભોજનાલયને ત્રણ વર્ષ પૂર્ણ થયા છે. આજથી ત્રણ વર્ષ પૂર્વે જૈન ભોજનાલયની વિજયભાઈ રૂપાણી અને જીતુભાઈ બેલાણીના હસ્તે શરૂઆત કરવામાં આવી હતી. તે શરૂઆતની સંખ્યા 67 હતી અત્યારે આ સંખ્યા 600થી પણ વધુ છે. આ ત્રણ વર્ષમાં ૫,૮૩,૮૨૧થી વધુ સાધર્મિકોએ ભોજનનો લાભ લીધો છે.
ટ્રસ્ટીગણે તમામ દાતાશ્રીઓ, શ્રેષ્ઠીઓ, પ્રિન્ટ તથા ઇલેક્ટ્રોનિક મીડિયાનો આભાર વ્યક્ત કર્યો છે. હાલ જૈન ભોજનાલયમાં અડદિયા વિતરણ પણ ચાલુ છે.
પૂજ્ય પારસમુનિ મહારાજ એક વર્ષ અખંડ મૌન સાધનામાં જશે
જૈન સમાજ માટે અત્યંત દુર્લભ અને ગૌરવસભર ઘટના તરીકે પૂજ્ય સદગુરુદેવ શ્રી પારસમુનિ મહારાજ મહાશિવરાત્રિ તારીખ ૧૫/૨/૨૦૨૬થી મહાશિવરાત્રિ ૭/૩/૨૦૨૭ સુધી અખંડ મૌન સાધનામાં પ્રવેશ કરશે. આ એક વર્ષ દરમિયાન સદગુરુ દેવ પારસમુનિ મહારાજ દરરોજ સવારે 11 થી 12 ની વચ્ચે એક કલાક જ દર્શન માટે બહાર આવશે પરંતુ મૌન તેમનું અખંડ જ રહેશે. આ અવસરે શ્રી વણિક જૈન સંઘ – કાલાવડ અને ગુરુભક્તો દ્વારા આરાધના-અનુમોદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે
નવા વર્ષ ૨૦૨૬ માટે યુવાનોને સદગુરુ પારસમુનિ મહારાજનો પ્રેરણાદાયક સંદેશ : પુરુષાર્થ, સ્વદેશી અને સર્જનાત્મક જીવનનો માર્ગ અપનાવો
અગ્ર ગુજરાતના આંગણે પધારેલા સદગુરુદેવ પારસમુનિ મહારાજએ સમગ્ર અગ્ર ગુજરાત પરિવાર અને અગ્ર ગુજરાતના મોભી જનીશભાઈ અજમેરાને આશિર્વચન પાઠવ્યા હતા. સાથે નવા વર્ષ ૨૦૨૬ માટે ખાસ કરીને યુવા વર્ગને માર્ગદર્શન અને પ્રેરણા આપતો સંદેશ આપ્યો હતો. તેમના શબ્દોમાં આત્મવિશ્વાસ, દેશપ્રેમ, પુરુષાર્થ અને સંયમનો સુમેળ સ્પષ્ટ રીતે જોવા મળ્યો.
સદગુરુદેવે જણાવ્યું હતું કે વર્ષ ૨૦૨૬ દરેક માટે શુભકારી અને લાભકારી બની રહે એવી તેમની મંગલ ભાવના છે. આજનો ભારત દેશ જે ગતિથી વિકાસના માર્ગે આગળ વધી રહ્યો છે, તે વધુ વિકસિત બને અને આ વિકાસ યાત્રામાં દેશના યુવાનોનો વિશેષ ફાળો રહે, એ અત્યંત જરૂરી છે. યુવા શક્તિ એ દેશની સૌથી મોટી પૂંજી છે અને જો તે સાચી દિશામાં કાર્યરત થાય તો ભારતને વિશ્વમાં સર્વોચ્ચ સ્થાને પહોંચતા કોઈ રોકી શકતું નથી.
તેમણે ખાસ કરીને વિદેશમાં અભ્યાસ કે કારકિર્દી માટે જતાં યુવાનોને સંબોધતા કહ્યું કે, મારી ખાસ સલાહ છે કે યુવાનો દેશ છોડીને બહાર ન જાય, પરંતુ અહીં રહીને જ પોતાની પ્રતિભા, બુદ્ધિ અને સર્જન શક્તિ દેશના વિકાસ માટે ઉપયોગમાં લે. ભારત પાસે અપરંપાર તકો છે અને આજે ટેકનોલોજી, સંશોધન, વ્યવસાય અને નવોચારના ક્ષેત્રે દેશમાં જ અસીમ સંભાવનાઓ રહેલી છે. યુવાનો પોતાની ક્ષમતાનો લાભ પોતાના દેશને અપાવે એ સાચો દેશપ્રેમ છે.
સદગુરુદેવે દેશની આર્થિક મજબૂતી માટે મહત્વપૂર્ણ સંદેશ આપતા જણાવ્યું કે દેશને સમૃદ્ધ બનાવવો હોય તો ઓનલાઇન ખરીદીની અતિશયતા ઘટાડવી પડશે. સ્થાનિક દુકાનો અને સ્થાનિક વેપારીઓ પાસેથી ખરીદી કરવામાં આવશે તો પૈસો દેશની અંદર જ ફરતો રહેશે, જેના કારણે આર્થિક માળખું મજબૂત બનશે અને સામાજિક વ્યવસ્થાઓ પણ સુદૃઢ રહેશે.
સ્વદેશી વિચાર માત્ર નારો નહીં પરંતુ જીવનશૈલી બનવી જોઈએ, એમ તેમણે જણાવ્યું હતું.
આજના ઝડપી યુગ વિશે ચિંતા વ્યક્ત કરતા સદગુરુદેવે કહ્યું કે આજનો યુવાન રાતોરાત ધનવાન બનવાની ઈચ્છામાં ખોટા માર્ગે વળે છે. પરંતુ પુરુષાર્થ વગર કમાયેલી સંપત્તિ લાંબા સમય સુધી ટકતી નથી અને અંતે દુઃખ અને અશાંતિ જ આપે છે. જો પુરુષાર્થ, ઈમાનદારી અને ધૈર્યના માર્ગે ચાલવામાં આવે તો સંપત્તિ સાથે સાથે માનસિક શાંતિ અને સુખ પણ સ્થાયી બને છે. તેમણે એઆઈના યુગનો ઉલ્લેખ કરતાં કહ્યું કે આજે ટેકનોલોજી સૌને આગળ વધવાની સમાન તક આપે છે, પરંતુ દુર્ભાગ્યવશ યુવાનોનો એક વર્ગ વ્યસન અને ખોટી સુખની ભ્રમણામાં ફસાઈ રહ્યો છે. વ્યસન સુખ આપતું નથી, પરંતુ વ્યક્તિ અને પરિવાર બંનેના પતનનું કારણ બને છે. યુવાનોને તેમણે આહ્વાન કર્યું કે મળેલા જીવનને નષ્ટ ન કરતાં પોતાની સર્જનાત્મક શક્તિઓ દ્વારા તેને સફળ, સાર્થક અને ઉજ્જવળ બનાવે.અંતમાં સદગુરુદેવ પારસમુનિ મહારાજે આશીર્વાદ આપતા કહ્યું કે, યુવાનો જો પુરુષાર્થ, સંયમ, દેશપ્રેમ અને સદભાવનાના માર્ગે આગળ વધશે તો તેમનું જીવન પણ ઉજ્જવળ બનશે અને ભારત દેશ પણ સમૃદ્ધ અને શક્તિશાળી બનશે.


