સાળંગપુરમાં દાદાને ૮ કિલો સુવર્ણ વાઘાનો શણગાર
હનુમાનજીના પ્રાગ્ટય મહોત્સવની ભવ્ય ઉજવણી : ૧૫૧ કિલોની કેકના પ્રસાદનું વિતરણ : ભકતોનું ઘોડાપુર ઉમટી પડયું
અગ્ર ગુજરાત, બોટાદ
શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત પ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર ખાતે હનુમાન જયંતી નિમિત્તે ‘કૃતજ્ઞતા મહામહોત્સવ’નો દબદબાભેર પ્રારંભ થયો છે. આજે 2જી એપ્રિલના રોજ હનુમાન જયંતીના મુખ્ય દિવસે વહેલી સવારે મંગળા આરતી અને ત્યાર બાદ શણગાર આરતી સાથે જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.
આજના પાવન અવસરે દાદાને 8 કિલો શુદ્ધ સોનામાંથી બનેલા નૂતન સુવર્ણ વાઘા પહેરાવવામાં આવ્યા છે, જેનું દર્શન કરવા ભક્તોની ભારે ભીડ ઉમટી છે. દિવસ દરમિયાન વિશેષ રૂપે 151 કિલોની કેક કાપીને અને 1 લાખ બલૂન ડ્રોપિંગ સાથે દાદાનો જન્મોત્સવ ખૂબ જ ધામધૂમથી મનાવવામાં આવી રહ્યો છે, જેમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમોની હારમાળા યોજાશે.
ગઈકાલે બુધવારે ઉત્સવના પ્રથમ દિવસે શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી દાદાનું અત્યંત શ્રદ્ધાપૂર્વક ઐતિહાસિક અને દિવ્ય ‘રાજોપચાર પૂજન’ કરવામાં આવ્યું હતું. રાત્રિના સમયે ‘કિંગ ઓફ સાળંગપુર’ની વિરાટ પ્રતિમા પાસે ભવ્ય મહાઆરતીનું આયોજન થયું હતું, જેમાં હજારો ભક્તો ઉમટી પડ્યા હતા. મધરાતે કાઉન્ટડાઉન પૂર્ણ થતાની સાથે જ આકાશમાં શાનદાર આતશબાજી કરીને દાદાના પ્રાગટ્યને વધાવવામાં આવ્યું હતું.


