- આવક 5 લાખથી વધુ હોવાની રજૂઆત
- શિક્ષિકાએ ખોટા ડોક્યુમેન્ટ્સ ઉભા કરી તેના પુત્રનો પ્રવેશ મેળવ્યો હોવાની ફરિયાદ
- આરટીઈના નિયમો કરતાં હાલમાં આ શિક્ષિકાની વાર્ષિક આવક વધુ
શહેરના ચાંદખેડા વિસ્તારની એક ગ્રાન્ટેડ શાળામાં ફરજ બજાવતી શિક્ષિકાએ ખોટા ડોક્યુમેન્ટ્સ ઉભા કરી તેના પુત્રનો આરટીઈ અંતર્ગત પ્રવેશ મેળવ્યો હોવાની મુખ્યમંત્રી સુધી ફરિયાદ પહોચી છે. વર્ષ-2020-21માં બાળકનો ધો.1માં પ્રવેશ થયો હતો, પરંતુ હાલમાં તેની માતાની વાર્ષિક આવક રૂ.5 લાખ કરતાં વધુ હોવાની અરજદારે રજૂઆત કરી છે. અરજદારની ફરિયાદના આધારે સીએમ કાર્યલય દ્વારા શિક્ષણ વિભાગને આ અંગે તપાસ કરવાની પણ સૂચના આપી છે.
મુખ્યમંત્રીને થયેલી રજૂઆત મુજબ ચાંદખેડા ખાતે આવેલી ગુજરાતી માધ્યમની બી.એસ.હાઈસ્કૂલમાં ફરજ બજાવતી એક શિક્ષિકના પુત્રનો વર્ષ-2020-21માં અમિયાપુર વિસત કોબા હાઈવે ખાતેની અંગ્રેજી માધ્યમની તપોવન વાત્સલ્યધામ સ્કૂલમાં ધોરણ.1માં આરટીઈ હેઠળ પ્રવેશ થયો હતો, જેની વિગત માહિતી અધિકાર કાયદા હેઠળ પ્રાપ્ત થઈ છે. જે સમયે બાળકનો ધોરણ.1માં પ્રવેશ થયો હતો ત્યારે આ શિક્ષિકાનો વાર્ષિક પગાર રૂ.4.55 લાખ હતો, જે આજે વધીને રૂ.5.85 લાખ થયો છે. જેથી આરટીઈના નિયમો કરતાં હાલમાં આ શિક્ષિકાની વાર્ષિક આવક વધુ હોવાથી બાળકો પ્રવેશ રદ થવો જોઈએ તેવી આ અરજદાર દ્વારા માગ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, અમદાવાદ શહેરમાં જ આવા 300થી વાલીઓએ ખોટા ડોક્યુમેન્ટ્સ રજૂ કરી પ્રવેશ કરાવ્યાં હોવાની રજૂઆતો ડીઈઓ કચેરીને મળી છે.


