રામકૃષ્ણ પરમહંસ સંતગણમાં ખૂબ ઉચ્ચ સ્થાન ધરાવે છે. સ્વામી વિવેકાનંદજી તેમના વિચારોથી ખૂબ પ્રેરિત હતા તેથી જ તો સ્વામી વિવેકાનંદે રામકૃષ્ણજીને પોતાના ગુરુ માન્યા હતા. ગુરુના વિચારોને પ્રસ્થાપિત કરવા માટે જ તો સ્વામી વિવેકાનંદજીએ રામકૃષ્ણ મઠની સ્થાપના કરી જે બેલૂર મઠમાં સ્થાપિત છે. રામકૃષ્ણ મઠની સંસ્થા ખાસ કરીને જનસમુદાય જનમાનુષના કલ્યાણ તથા તેમના આધ્યાત્મિક વિકાસ માટે દુનિયાભરમાં કામ કરી રહી છે.
રામકૃષ્ણ પરમહંસનું જીવનચરિત્ર
રામકૃષ્ણનો જન્મ 18 ફેબ્રુઆરી, સન 1836માં થયો હતો. બાળપણમાં તેનું નામ ગદાધર હતું તેઓ બ્રાહ્મણ કુળના હતા, પરંતુ આસ્થા ને સદ્ભાવના ધર્મપ્રીતિ પર અપાર શ્રદ્ધા ધરાવતું કુટુંબ હતું.
સ્વામી રામકૃષ્ણ પરમહંસના વિચારો ઉપર તેમના પિતાજીની છત્રછાયા હતી. તેમના પિતા સરળ અને ધર્મપરાયણ અને શ્રદ્ધાળુ હતા. આ તમામ ગુણો અને વિચારો રામકૃષ્ણજીમાં વ્યાપ્ત હતા. રામકૃષ્ણજીએ આ તમામ વિચારોના માધ્યમ દ્વારા તમામ ધર્મોને એક જ બતાવ્યા. રામકૃષ્ણના આ વિચારોથી સમાજના તમામ લોકો ખૂબ પ્રભાવિત થયા અને સમાજમાં તેમની પ્રતિષ્ઠા વધી.
કાલિકા માતાની ભક્તિ તથા સ્ત્રી પ્રત્યે આદર
રામકૃષ્ણજીએ બાલ્યાવસ્થામાં શારદામણી સાથે લગ્ન કર્યાં, પણ કાયમ માટે રામકૃષ્ણજીને સ્ત્રી પ્રત્યે માત્ર ને માત્ર માતાનો આદર હતો. સાંસારિક જીવન પ્રત્યે કોઈ જ ઉત્સાહ ન હતો. માટે જ સત્તર વર્ષની ઉંમરે ઘર છોડીને પોતાના શરીર અને મનને મા કાલીને સોંપી દીધું હતું. રાતદિવસ કાલિકા માતાજીની ઉપાસનામાં જ લીન રહેતા હતા. માનવો પણ મા કાલી પ્રત્યેનો ભાવ જોઈને અચરજ પામી જતા હતા. રામકૃષ્ણજી કહેતાં હતા કે, `મા કાલી તેમને મળવા આવતાં હતાં. પોતાના હાથે મા કાલી રામકૃષ્ણજીને ભોજન કરાવતાં હતાં. જ્યારે મા કાલી તેનાથી દૂર થતાં હતાં ત્યારે તે ખૂબ તડપતા હતા અને નાનાં બાળકો જેવું વર્તન કરતાં હતા અને મા કાલીના વિરહમાં ખૂબ રડતાં હતા. આ ભક્તિના કારણે તેઓ સમગ્ર પુરીમાં વિખ્યાત થયા હતા.
રામકૃષ્ણ પરમહંસના જન્મનો ઉદ્દેશ
જ્યારે કોઈ મહાન સત્તા ધરતી પર અવતરિત થાય છે ત્યારે તેમની સાથે મહાન ઉદ્દેશ્યો પણ હોય છે. રામકૃષ્ણ પરમહંસના જીવનના ઉદ્દેશ્યો પરમ ઉદાત્ત હતા. તેમણે ધ્યાન દ્વારા જગતને પરમાત્મા સાથે સેતુ બાંધવાનો માર્ગ ચીંધાડ્યો. રામકૃષ્ણ પરમહંસ એવું દૃઢપણે માનતા હતા કે પ્રભુની સાધના અવિરત અને અખંડિત હોવી જોઈએ. પ્રભુમાં પ્રીત જગાડીને અને તેમને દરેક કામમાં કેન્દ્રમાં રાખીને જીવનને કૃતાર્થ કરી શકાય છે. રામકૃષ્ણ પરમહંસ માત્ર કર્મકાંડને જ ધર્મ નહોતા માનતા. તેમના માટે દરિદ્ર નારાયણની સેવા જ ઉત્કૃષ્ટ સાધના હતી. એક વાર તેમના પરમ શિષ્ય સ્વામી વિવેકાનંદ તેમની પાસે હિમાલયમાં એકાંતમાં સાધના કરવાની રજા માગવા ગયા, તો રામકૃષ્ણ પરમહંસે તેમને કહ્યું કે આપણી આસપાસ કેટલાં દુઃખી, રોગી, ગરીબ લોકો છે. ચારે તરફ અજ્ઞાન અને અંધવિશ્વાસનું અંધારું છે અને તું હિમાલયમાં સાધનાનો આનંદ કેવી રીતે ઉઠાવી શકે? આ વાત સાંભળીને વિવેકાનંદ પણ દરિદ્રનારાયણની સેવામાં લાગી ગયા. આ રીતે રામકૃષ્ણ પરમહંસ માટે સમાજ ઉત્થાનની સતપ્રવૃત્તિ જ સાધના હતી. રામકૃષ્ણ પરમહંસ ઉચ્ચ કોટીના સાધક તેમજ વિચારક હતા. તે સેવાના પથને ઈશ્વરીય આદેશ માનીને આત્મામાં જ પરમાત્માનાં દર્શન કરતા હતા. તેમણે સેવા, દયા, સ્નેહ દ્વારા લોકસુધારનું શિક્ષણ આપ્યું. જીવનના અંતિમ દિવસોમાં તેમણે વૃંદાવન, પ્રયાગ, કાશીની યાત્રા કરીને જગતને પોતાની સરળ અને ભાવવાહી શૈલીમાં લોકસુધારની શિક્ષા આપીને ધર્મનાં સાચાં મૂલ્યોને સ્થાપિત કર્યાં અને 15 ઓગસ્ટ, 1886ના દિવસે તેમનો દેહવિલય થયો, પરંતુ તેમનાં મૂલ્યો આજે પણ જગતને આત્મકલ્યાણનો માર્ગ ચીંધાડી રહ્યાં છે.
રામકૃષ્ણ પરમહંસ તથા સ્વામી વિવેકાનંદ
રામકૃષ્ણજીએ અનેક સિદ્ધિઓ પ્રાપ્ત કરી. પોતાની તમામ ઈન્દ્રિયોને વશમાં કરી એક મહાન વિચારક અને ઉપદેશકના રૂપમાં સમાજને પ્રેરિત કર્યો અને નિરાકાર ઈશ્વરની પૂજા-ઉપાસના ઉપર ભાર મૂક્યો. તેમના જ્ઞાનના પ્રકાશના કારણે નરેન્દ્ર નામના બાળકને અધ્યાત્મનું સારું અને સાચું જ્ઞાન આપ્યું અને નરેન્દ્રમાંથી સ્વામી વિવેકાનંદ બનાવ્યા. સ્વામી વિવેકાનંદે યુવાવર્ગને જગાવ્યો ને રામકૃષ્ણ મિશનની સ્થાપના કરી દેશમાં જાગૃતિ અભિયાન ચલાવ્યું. આ રીતે સ્વામી વિવેકાનંદે ગુરુ રામકૃષ્ણ પરમહંસને ગુરુભક્તિ પ્રદાન કરી.
રામકૃષ્ણ પરમહંસનું મૃત્યુ
રામકૃષ્ણ પરમહંસજીને ગળાનો રોગ થવાને કારણે 16મી ઓગસ્ટ, 1886માં મૃત્યુ પામ્યા.
રામકૃષ્ણ પરમહંસની અમૃતવાણી
(1) ખરાબ આયનામાં સૂર્યની છબી દેખાતી નથી તેવી જ રીતે ખરાબ મનમાં ભગવાનની મૂર્તિ કે ભગવાનનો પ્રેમ સ્થાપિત થતો નથી. (2) તમામ ધર્મ એકસમાન છે. તમામ ધર્મ પ્રભુપ્રાપ્તિના જ રસ્તા છે. (3) જો કોઈ માર્ગમાં દુવિધા ન આવે તો સમજવું કે એ રસ્તો ખોટો છે. (4) જે દેશની વ્યક્તિ ભૂખી અને નિઃસહાય છે તો બાકીની તમામ વ્યક્તિઓ ગદ્દાર છે. (5) વિષયક જ્ઞાન મનુષ્યને બુદ્ધિની સીમામાં બાંધી દે છે અને અભિમાની બનાવે છે.