- ગામના મંદિર ધારાસભ્યની પેંડાની પ્રસાદીની તુલા કરાઈ, આગેવાનો સહિત ગ્રામજનો ઉપસ્થિત
- ટયુબવેલ બોરનું લોકાર્પણ ધારાસભ્યના હસ્તે કરાયું હતું
- સી.સી.રોડ સહિતના વિકાસકામોના ભુમિપુજન કરાયાં હતાં
માંડલ તાલુકાના માનપુરા ગામે રવિવારના રોજ વિસ્તારના ધારાસભ્ય હાર્દિક પટેલ દ્વારા 51 લાખ રૂપિયાના વિકાસ કાર્યોના ભુમિપૂજન અને લોકાર્પણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. વિરમગામ વિધાનસભાના ધારાસભ્યની ગ્રાંટમાંથી તાલુકાના માનપુરા ગામે 17 લાખ રૂપિયાના ખર્ચે પાણીની ઓવરહૅડ ટાંકી, 7 લાખ રૂપિયાના ખર્ચે ગટર લાઈનની કામગીરી તેમજ 4.25 લાખનો સી.સી.રોડ સહિતના વિકાસકામોના ભુમિપુજન કરાયાં હતાં તેમજ માનપુરા ગ્રામજનો માટે 23 લાખ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલ ટયુબવેલ બોરનું લોકાર્પણ ધારાસભ્યના હસ્તે કરાયું હતું. આ પ્રસંગે વિસ્તારના ધારાસભ્ય હાર્દિક પટેલનું ગ્રામજનો દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરાયું હતું ત્યારબાદ ગામમાં આવેલ કંડીયાવાળી માતાજીના મંદિરે દર્શન પુજા સહિતનો કાર્યક્રમ યોજાયો હતો અને ધારાસભ્યની પેંડાની પ્રસાદ સામે તુલા કરાઈ હતી. આ પ્રસંગે માનપુરા ગામના સ્થાનિક અને તાલુકા પંચાયતના ઉપપ્રમુખ સંગીતાબેન ભરતસંગ ઠાકોર, જિલ્લા સદસ્ય બાબુભાઈ પટેલ, સંગઠન પ્રમુખ દશરથભાઈ પટેલ,તાલુકા પ્રમુખ કૈલાસ સુમન પટેલ,તાલુકા સદસ્ય રોહીતભાઈ,પ્રદિપસિંહ સોલંકી,કિસાન મોરચાના આગેવાન સુરુભા ઝાલા,મહિલા પ્રમુખ પારુલબેન પટેલ,માનપુરા ગામના સરપંચ,તલાટી સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો પણ ઉપસ્થિત રહ્યાં હતાં.


