– મસ્ટર્ડ- સરસવની આવકો રાજસ્થાનમાં ૨લાખ ૨૫ હજાર ગુણી આવી
– એરંડા વાયદામાં ભાવ ફરી ઉંચકાયા
Updated: Oct 5th, 2023
મુંબઈ : મુંબઇ તેલ-બિયાં બજારમાં આજે સિંગતેલના ભાવમાં સૌરાષ્ટ્ર પાછળ ઘટાડો આગળ વધ્યો હતો. સૌરાષ્ટ્ર ખાતે ભાવ ઘટી સિંગતેલના જાતવાર રૂા. ૧૬૦૦થી ૧૬૫૦ તથા કોટન વોશ્ડના રૂા. ૭૯૫ રહ્યા હતા. મુંબઇ બજારમાં હાજર ભાવ ૧૦ કિલોના સિંગતેલના રૂા. ૧૭૨૫ વાળા રૂા. ૧૭૦૦ રહ્યા હતા. કપાસીયા તેલના ભાવ રૂા. ૮૭૫થી ૮૮૦ રહ્યા હતા. આયાતી પામતેલના ભાવ રૂા.૮૨૦ બોલાતા હતા. રૂા. ૮૧૮થી ૮૨૦માં ૧૦૦થી ૧૫૦ ટનના વેપાર થયા હતા.
ક્રૂડ પામ ઓઇલ સીપીઓ કંડલાના ભાવ રૂા. ૭૭૫ વાળા રૂા. ૭૭૦ રહ્યા હતા. મુંબઇ સોયાતેલના ભાવ ડિગમના રૂા. ૮૪૦ વાળા રૂા. ૮૩૫ જ્યારે રિફાઇન્ડના ભાવ રૂા. ૮૭૫ રહ્યા હતા. સનફ્લાવરના ભાવ રૂા. ૮૦૫ તથા રિફાઇન્ડના રૂા. ૮૭૫ રહ્યા હતા. દિવેલ તથા હાજર એરંડામાં ધીમો સુધારો જ્યારે એરંડા વાયદાના ભાવ રૂા. ૪૫ થી ૫૦ વધી આવ્યા હતા.
દરમિયાન, વિશ્વ બજારમાં આજે મલેશિયા ખાતે પામતેલનો વાયદો નજીકની ડિલીવરીમાં ધીમો ઘટાડો તથા દૂરની ડિલીવરીમાં ધીમો સુધારો આવી રહ્યો હતો. ત્યાં પામ પ્રોડક્ટના ભાવ નજીકની ડીલીવરીમાં ટકેલા જ્યારે દૂરની ડિલીવરીમાં અઢી ડોલર નરમ હતા. હઝીરા ખાતે સોયાતેલ રિફાઇન્ડના ભાવ રૂા. ૮૬૮ રહ્યા હતા.
સૌરાષ્ટ્ર ગોંડલ ખાતે પામતેલના ભાવ રૂા. ૮૦૫ જ્યારે સોયાતેલના ભાવ રૂા. ૮૬૦ રહ્યા હતા. ભારતમાં સપ્ટેમ્બર મહિનામાં ખાદ્યતેલોની કુલ આયાત આશરે ૧૫ લાખ ટન આસપાસ થયાનો અંદાજ બજારમાં બતાવાઇ રહ્યો હતો. આ પૈકી એકલા પામતેલની આયાત આશરે ૮ લાખ ૩૦ હજાર ટન જેટલી થઇ હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
મધ્ય પ્રદેશમાં સોયાતેલ રિફાઇન્ડના ભાવ જાતવાર રૂા. ૮૬૫થી ૮૮૦ રહ્યા હતા. મુંદ્રા -હઝીરા ખાતે ૧૫ ઓક્ટોબર સુધીના ભાવ પામતેલના રૂા. ૮૨૫થી ૮૩૫ તથા સનફ્લાઇવરના રૂા. ૮૮૫થી ૮૯૫ રહ્યા હતા. મલેશિયાના બજારમાંથી મળતા સમાચાર મુજબ ત્યાં પામતેલ વાયદાના વેપાર સાથે હવે ટુંકમાં સોયાતેલના વાયદાનો વેપાર પણ શરૂ કરવામાં આવનાર છે.
ઇન્ડોનેશિયામાં આ વર્ષે ૨૦૨૩માં પામતેલનું કુલ વાર્ષિક ઉત્પાદન આશરે પાંચ ટકા વધવાની ગણતરી જાણકારો બતાવી રહ્યા હતા. દરમિયાન મસ્ટર્ડ સરસવની આવકો આજે રાજસ્થાનમાં ૨ લાખ ૨૫ હજાર ગુણી તથા ઓલ ઇન્ડિયા ૪ લાખ ૨૫ હજાર ગુણી આવી હતી. રાજસ્થાનમાં ભાવ ક્વિ.ના ૫૮૨૫થી ૫૮૫૦ રહ્યા હતા. નવી મુંબઇ બંદરે યુ ક્રેન સનફ્લાવરના ભાવ રૂા. ૮૨૫ જ્યારે કંડલા ખાતે સોયાતેલ ડિગમના ભાવ રૂા. ૮૫૦ રહ્યા હતા.
ભારતમાં ખાદ્યતેલોની કુલ આયાત ઓગસ્ટમાં ૧૮ લાખ ૫૦થી ૫૫ હજાર ટન થઇ અને સપ્ટેમ્બરમાં ઘટી ૧૪ લાખ ૯૪થી ૯૫ હજાર ટન જેટલા થયાનું બજારના જાણકારોએ જણાવ્યું હતું. સપ્ટેમ્બરમાં પામતેલની આયાત ૩ લાખ ટન ઘટી ૮ લાખ ૩૫ હજાર ટન જ્યારે સોયાતેલના આયાત૩ લાખ ૫૮ હજાર ટન તથા સનફ્લાવર તેલની આયાત ૬૫ હજાર ટન ઘટી ૩ લાખ ૧ હજાર ટન જેટલી થઇ હોવાના નિર્દેશો મળ્યા હતા.
કંડલા- મુંદ્રા ખાતે સનફ્લાવર તેલની આયાત નોંધપાત્ર ઘટી ૪૨૫૦૦ ટન જેટલી થયાની ચર્ચા હતા. દરમિયાન, અમેરિકાના કૃષી બજારોમાં ઓવરનાઇટ ટ્રેડમાં સોયાતેલના ભાવ ૪૦ પોઇન્ટ તથા સોયાબીન અને સોયાખોળના ભાવ ૪૦થી ૪૫ પોઇન્ટ ઘટયાના સમાયાર મળ્યા હતા. ત્યાં આજે પ્રોજેક્શનમાં સોયાતેલના ભાવ વધુ નરમ રહ્યા હતા.