પરીક્ષા દરમિયાન ધ્યાનમાં રાખવાની બાબતો અંગે માર્ગદર્શન અપાયું
અગ્ર ગુજરાત, રાજકોટ
ગાર્ડી વિદ્યાપીઠ સંચાલિત એચ.વી. મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગ દ્વારા નર્સિંગ વિદ્યાર્થીઓને એઈમ્સ જેવી પ્રતિષ્ઠિત સંસ્થાઓમાં પ્રવેશ માટે પ્રેરણા મળે તે હેતુસર “રોડ ટુ એઈમ્સ” વિષય પર વિશેષ નિષ્ણાત સેશનનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ સેશનમાં મુખ્ય વક્તા તરીકે રામસી દેવત, નર્સિંગ ઓફિસર – એઈમ્સ રાજકોટ તથા NORCET ૨૦૨૪ ઓલ ઈન્ડિયા રેન્ક-૧ વિજેતા, હાજર રહ્યા હતા. તેમણે પોતાની સફળતાની યાત્રા, તૈયારીની વ્યૂહરચનાઓ, અભ્યાસની યોગ્ય પદ્ધતિ, સમય વ્યવસ્થાપન તથા પરીક્ષા દરમિયાન ધ્યાનમાં રાખવાની બાબતો અંગે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું.
આ કાર્યક્રમ એચ.વી. મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગના સી.સી.ઓડિટોરિયમ ખાતે યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને ફેકલ્ટી સભ્યોએ ઉત્સાહપૂર્વક હાજરી આપી હતી. વિદ્યાર્થીઓ માટે આ સેશન ખૂબ જ પ્રેરણાદાયક સાબિત થયું હતું અને એઈમ્સ જેવી સંસ્થાઓમાં કારકિર્દી બનાવવાની દિશામાં યોગ્ય માર્ગદર્શન મળ્યું હોવાનું વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું.
આ એક્સપર્ટ સેશનના અંતે સંસ્થાના સંચાલકો તથા પ્રિન્સિપાલ દ્વારા રમાસી દેવતનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો. તેમજ આવી જ પ્રેરણાદાયક પ્રવૃત્તિઓ આગળ પણ ચાલુ રાખવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી.


