- ભૂતકાળમાં થયેલી હાર, ઉદાસીનતાને ત્યજીને નૂતન વર્ષમાં વિજયની કામના સાથે આગળ વધવાની પ્રેરણા ગુડી આપે છે
ગુડી પડવો એ મહારાષ્ટ્રીયન લોકોનું નવું વર્ષ છે. જેને શાલિવાહન શક સંવત કહે છે. તે ચૈત્ર માસની સુદ એકમે મનાવવામાં આવે છે. આ દિવસે ગુડી બનાવવાની પ્રાચીન પરંપરા છે જેને ઘરના આંગણા, છત કે બારી-દરવાજા પાસે રાખવામાં આવે છે અને પૂજા કરવામાં આવે છે. ગુડીને શિખંડ, પૂરણપોળી વગેરેનો ભોગ ધરાવાય છે. ત્યારબાદ બધા જ લોકો આ વાનગીઓ આરોગે છે. જોકે, ગુડી પડવો એક એવું પર્વ છે જેની શરૂઆત લીમડાનાં પાન એટલે કે કડવું ખાઈને કરવામાં આવે છે. તેનાથી સ્વાસ્થ્ય તો સારું રહે જ છે સાથે મનની અંદર રહેલી કડવાશ પણ દૂર થાય છે. ત્યારબાદ લોકો નવાં કપડાં પહેરીને, મીઠાઈઓ ખાઈને તથા મહેમાનોને ખવડાવી, અભિનંદન આપીને નવા વર્ષની ઉજવણી કરે છે. ગુડી પડવાના દિવસે ઘરના આંગણામાં રંગોળી બનાવવામાં આવે છે તથા દરવાજાને આંબાનાં પાનથી સજાવવામાં આવે છે.
ગુડી પડવો શા માટે મનાવાય છે?
એક પ્રચલિત કથા અનુસાર ગુડી પડવાના દિવસે મહારાષ્ટ્રના શાલિવાહન શાસક જેનું નામ ગૌતમીપુત્ર સતકર્ણો છે તેમણે શક શાસક બહપનને પરાજય આપીને પોતાના રાજ્યને વિદેશીઓથી મુક્ત કરાવ્યું હતું. આ જ વિજયની ખુશીમાં ગુડી પડવાનો તહેવાર મનાવવામાં આવે છે.
જ્યારે ગુડી પડવો ઊજવવાની એક પ્રાચીન કથા પ્રમાણે ભગવાન શ્રીરામે વાલીના અત્યાચારમાંથી દક્ષિણ ભારતની પ્રજાને મુક્ત કરાવી હતી. વાલીના ત્રાસમાંથી મુક્ત થયેલી પ્રજાએ ઘરેઘરે ઉત્સવની ઉજવણીઓ કરી અને ઘરમાં ગુડી (ધજા)ઓ ફરકાવી હતી, તેથી આજે પણ ઘરના આંગણામાં ગુડીને ઊભી રાખવાની પ્રથા પ્રચલિત છે. આંગણામાં ઊભી રાખેલી ગુડી વિજયનો સંદેશ આપે છે. તે ઘરમાંથી આસુરી શક્તિઓનો નાશ કર્યાનું પ્રતીક છે.
ગુડી બનાવવા માટે લાકડી, પિત્તળ કે ચાંદીનો લોટો, કડવા લીમડાની ડાળી, હારડા, નાનું કાપડ (લીલા રંગનું), ફૂલનો હાર વગેરેથી સજાવવામાં આવે છે. લાકડીના એક છેડે કપડું બાંધીને તેના પર લોટો ઊંધો મૂકી દેવામાં આવે છે. આ લોટા પર હારડાનો હાર પહેરાવી બાકીની વસ્તુઓથી સજાવવામાં આવે છે.
ગુડી પડવાએ આટલું જરૂર કરવું
- ઘરને ધ્વજા, તોરણ, ફૂલો વગેરેથી સજાવો તથા અગરબત્તી, ધૂપ વગેરેથી સુગંધિત કરો.
- આખો દિવસ ભજન-કીર્તન કરીને શુભ કાર્ય કરતાં આનંદપૂર્વક દિવસ વ્યતીત કરવો.
- નવા વર્ષનું પંચાંગ ખરીદો અને બ્રાહ્મણ પાસે ભવિષ્યફળ સાંભળવું.
- જીવમાત્ર તથા પ્રકૃતિ માટે મંગળ કામના કરો.
- પાણીની પરબ શરૂ કરવી.
- નવસંવત્સરના પ્રારંભમાં ભગવાનની પૂજા અને નવા વર્ષની મંગલ કામના તથા માતા દુર્ગાની પણ પૂજા કરવામાં આવે છે. ઘરના પૂજાસ્થાનમાં કળશની સ્થાપના કરીને માટીના વાસણમાં જવ વાવવા. સ્વાસ્થ્ય સારું રહે તે માટે લીમડાનાં પાન ખાઓ ને બીજાને પણ ખવડાવો.
- દુર્ગા સપ્તશતી અથવા રામાયણનો નવ દિવસ સુધી પાઠ કરવો જોઈએ.
રાવણદહનથી નવા વર્ષની શરૂઆત
દશેરાના દિવસે ભારતભરમાં રાવણદહન થાય છે, પરંતુ ઉજ્જૈનના સંભાગનું કસારી ગામ એવું છે જે મરાઠીઓના નવા વર્ષ ગુડી પડવાના દિવસે રાવણદહન સાથે નવા વર્ષનો ઉત્સવ ઊજવવાની પરંપરા છે. દર વર્ષે ગુડી પડવાના દિવસે આશરે પાંચ હજારની વસતી ધરાવતા ગામ કસારીમાં રામ-રાવણ વચ્ચે યુદ્ધ થાય છે, પછી ભગવાન શ્રી રામ દ્વારા છોડવામાં આવેલા અગ્નિબાણથી રાવણના પૂતળાનું દહન થાય છે. ગ્રામજનોના મતે રાવણદહન પહેલાં અમાસની રાત્રે ગામના તળાવને કિનારે આખી રાત રામલીલાનો કાર્યક્રમ ચાલે છે તથા ગુડી પડવાના દિવસે સવારે અગિયાર વાગ્યાની આસપાસ રાવણવધ માટે રામ તથા રાવણની સેના તૈયાર થઈને યુદ્ધ કરતાં કરતાં રાવણદહનના સ્થળે પહોંચે છે તથા રામ દ્વારા રાવણની નાભિ પર અગ્નિબાણથી પ્રહાર કરવામાં આવે છે. ત્યારબાદ ગ્રામજનો એકબીજાને અભિનંદન પાઠવે છે અને નવા વર્ષની શુભકામનાઓ આપે છે. ત્યારબાદ લીમડાનાં પાનને પ્રસાદ તરીકે વહેંચવામાં આવે છે.
ગુડી પડવાનું પ્રતીકાત્મક મૂલ્ય
આપણી ભારતીય સંસ્કૃતિનું ઊજળું પાસું એ છે કે દરેક પર્વ પાછળનો ઉદ્દેશ જીવનને સુખદ ભવિષ્ય તરફ લઈ જવાનો હોય છે. પર્વ પાછળનાં વિધિવિધાન અને કર્મકાંડનું પ્રતીકાત્મક મૂલ્ય સમજવામાં આવે તો પર્વની ઉજવણી વધુ અર્થપૂર્ણ રીતે કરી શકાય. ગુડી પડવાનું પણ એક પ્રતીકાત્મક મૂલ્ય છે. ગુડી જે સુંદર સાડીમાં લપેટીને રાખવામાં આવે છે તે વિજયનું પ્રતીક છે. ભૂતકાળમાં થયેલી હાર, ઉદાસીનતાને ત્યજીને નૂતન વર્ષમાં વિજયની કામના સાથે આગળ વધવાની પ્રેરણા ગુડી આપે છે. ગુડીને લીમડાની ડાળખી અને હારડો અર્પણ કરવામાં આવે છે. લીમડાનાં પાન કડવાં હોય છે અને તે નકારાત્મક આવેગોનું પ્રતીક છે. મનમાંથી વેરઝેર, દ્વેષને દૂર કરીને હારડા જેવા મીઠામધુરા બનવાની પ્રેરણા પણ ગુડી પડવામાંથી લેવામાં આવે છે.
ગુડી કેવી રીતે બનાવાય છે?
ગુડી બનાવવા માટે એક લાકડીને તેલ લગાવી તેને ચોખ્ખા પાણીથી ધોઈ લેવામાં આવે છે. તેને હળદર-કંકુ ચડાવવામાં આવે છે. ગુડી માટે પિત્તળનો કે ચાંદીનો લોટો, કડવા લીમડાની ડાળી, હારડા, નાનું કાપડ (મોટા ભાગે લીલા રંગનું), ફૂલનો હાર વગેરે સામગ્રી લેવામાં આવે છે. લાકડીના એક છેડે નાના રંગીન કપડાને ફિટ બાંધી દેવામાં આવે છે અને ત્યારબાદ તેના પર લોટાને ઊંધો મૂકી દેવામાં આવે છે. આ ઊંધા મૂકેલા લોટામાં કડવા લીમડાની ડાળી લગાવીને હારડાનો હાર પહેરાવવામાં આવે છે. જે રીતે સાડી પહેરાય છે તે જ રીતે લાકડીને સાડી પહેરાવવામાં આવે છે.