- ચ-3, ચ-2 સર્કલ સહિત ત્રણ સ્થળેથી બોલાર્ડ કાઢવાની કામગીરી
- ટ્રાફિકની સરળતા માટે નાખેલા બોલાર્ડે મુશ્કેલી વધારતા કાઢી દેવાયા
- બોલાર્ડ ટ્રાફિક સમયે નડતરરૂપ બનતા હોવાથી કઢાયા છે
વાઈબ્રન્ટ ગુજરાત સમિટને લઈને એક મહિના પહેલાં જ શહેરમાં નાખવામાં આવેલા ટ્રાફિક બોલાર્ડ ઘણી જગ્યાએથી કાઢી લેવાની નોબત આવી છે. શહેરના મુખ્ય માર્ગ ચ-રોડ પર ચ-3 સર્કલ, ચ-2 સર્કલ સહિત ત્રણ ચાર સ્થળેથી ટ્રાફિક બોલાર્ડ કાઢી લેવાયા છે. મળેલી માહિતી મુજબ ટ્રાફિકમાં સુગમતા માટે ડાબી સાઈડ વળતા વાહનો માટે નાખવામાં આવેલા બોલાર્ડ ટ્રાફિક સમયે નડતરરૂપ બનતા હોવાથી કઢાયા છે.
વાઈબ્રન્ટ સમિટ સમયે શહેરની સુંદરતા વધારવાની સાથે ટ્રાફિકમાં સરળતાં રહે તે માટે રોડ ફર્નિચરના કામ કરવામાં આવ્યા હતા. જેમાં શહેરના મોટાભાગના સર્કલ પર ફ્લેક્સિબલ ટ્રાફિક બોલાર્ડ નાખવામાં આવ્યા હતા. શહેરમાં આમ તો એકાદ દાયકાથી ટ્રાફિક સિગ્નલો કાર્યરત કરવામાં આવ્યા છે. આમ છતાં હજુ પણ અનેક વાહન ચાલકો સિગ્નલ પર ડાબી સાઈડ ખુલ્લી રાખતા નથી. જેને પગલે ડાબી સાઈડ વળતા માંગતા વાહનોને પણ થોભી જવાની ફરજ પડે છે. વાઈબ્રન્ટ ટાણે આ પ્રકારની કોઈ સમસ્યા ન પડે તે માટે શહેરના મોટાભાગના જંક્શન પર ટ્રાફિક બોલાર્ડ લગાવી દેવાયા હતા. જોકે અનેક સ્થળે વાહનોને પગલે બોલાર્ડ તૂટી ગયા છે. જ્યારે ચ-3 સર્કલ સહિત ત્રણ-ચાર સ્થળે બોલાર્ડ ટ્રાફિકને સુગમ કરવાની બદલે દુર્ગમ બનાવતા હતા. ચ-3 સર્કલ ઉપરાંત
ચ-2 સર્કલ ઉપર પણ આ જ સમસ્યા સામે આવતી હતી. જેને પગલે બંને સ્થળેથી ગુરુવારે જ ટ્રાફિક બોલાર્ડ કાઢવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. બીજી તરફ ચ-5 તરફથી આવતા ચ-3 સર્કલ પહેલાં જ આવતા કૃષિભવન પાસેના કટ પાસે પણ અંદર તરફના રસ્તા પર કારણ વગરના ટ્રાફિક બોલાર્ડ ફીટ કરી દેવાયા હતા. પહેલાં જ સાંકડા રસ્તામાં વચ્ચે બોલાર્ડ ફીટ કરેલા હોવાથી ત્યાં પણ સમસ્યા નડતી હતી. જેને પગલે અહીં પણ બોલાર્ડ કાઢી નાખવાની ફરજ પડી છે. જેને પગલે અહી ટ્રાફિક બોલાર્ડ માટે કરાયેલો ખર્ચો માથે પડયો છે.


