- આ લાઈબ્રેરી ખરા અર્થમાં લોકો માટે નોલેજ હબ બનશે
- જ્ઞાનપિપાસુ માટે હિન્દી, ગુજરાતી, અંગ્રેજીમાં 65 હજાર પુસ્તકોનો ખજાનો
- 50ની ક્ષમતાવાળો ઓડિટેરીયમ હોલ, મિટીંગ હોલ આવેલો છે
સેક્ટર-21માં 20 કરોડના ખર્ચે અદ્યતન લાયબ્રેરી તૈયાર થઈ જવા પામી છે. ગુજરાતની સૌ પ્રથમ છ માળની આ સરકારી અદ્યતન લાયબ્રેરીનું 27મીના મંગળવારે અમીત શાહના હસ્તે લોકાર્પણ થવા જઈ રહ્યું છે. માત્ર વાર્ષિક બે રૂપિયા સભ્ય ફીમાં નગરજનો માટે 65 હજાર જેટલા પુસ્તકોનો ખજાનો વાંચવા માટે ઉપલબ્ધ કરવામાં આવ્યો છે. આટલી અદ્યતન કોઈ સરકારી લાયબ્રેરી હોઈ શકે ખરી, તેવો વિચાર ચોક્કસથી આવે, પરંતુ 27મીએ જ્યારે આ લાયબ્રેરીના દરવાજા લોકો માટે ખૂલશે ત્યારે અંદરની સુવિધા સૌનું ધ્યાન ખેંચી લેશે.
સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા યુવા વર્ગ માટે એક સુંદર અને સુવિધાયુક્ત વાંચનની જગ્યા ઉપલબ્ધ થશે. જ્ઞાનપિપાષુઓની ભૂખ સંતોષાશે. મહિલા અને બાળકો તથા સિનીયર સિટીઝનોનેને પણ મહત્વ અપાયું હોય તેવી આ એક લાયબ્રેરી છે. ઉત્તમ ટેક્નોલોજી તથા અદ્યતન સુવિધાઓનો અહીં ઉપયોગ કરાયો છે. ખાનગી લાયબ્રેરી પણ આવી કદાચ નહી જોવા મળે તેવી ઉત્તમ સુવિધાવાળી સરકારી લાયબ્રેરીમાં ઉભી કરાઈ છે. ગાંધીનગર નોલેજ હબ ગણાય છે. આ લાયબ્રેરી નોલેજ હબની આગવી ઓળખ બની રહેશે.
સેક્ટર-21ની સરકારી લાયબ્રેરીનું જુનું મકાન તોડી પાડીને નવેસરથી આખું બિલ્ડીંગ બનાવવામાં આવ્યું છે. ગ્રાઉન્ડફ્લોર ઉપરાંત પાંચ આમ કુલ છ માળની આ લાયબ્રેરી ગુજરાતની સૌથી મોટી સરકારી લાયબ્રેરી ગણાશે. જ્યાં વિવિધ પ્રકારના હિન્દી, અંગ્રેજી અને ગુજરાતી ભાષામાં 65 હજાર પુસ્તકોનો ખજાનો વાંચકો માટે ઉપલબ્ધ કરવામાં આવ્યો છે.
દરેક વિષયોના રસપ્રદ પુસ્તકોનો સાગર અહીં સમાવવામાં આવ્યો છે. લોકોની વાંચનની ભૂખ અહીં ચોક્કસથી સંતોશાષે. અહીં 800 થી પણ વધુ લોકો બેસી શકે તેવી બેઠક વ્યવસ્થા ઉભી કરાઈ છે. મહિલાઓ, પુરુષો તથા બાળકો, વૃધ્ધો અને દિવ્યાંગોનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે. લાયબ્રેરીમા અંધજન વિભાગ ખાસ ઉભો કરાયો છે. જ્યાં બ્રેઈન લિપિમાં સાહિત્ય મુકવામાં આવ્યા છે. તેમના માટે ઓડિયોની સુવિધા રાખવામાં આવી છે. અંધજનો કોમ્પ્યુટરમાં વિશેષ ઈન્સ્ટ્રુમેન્ટ દ્વારા પુસ્તકને સાંભળી શકશે.
અદ્યતન લાઈબ્રેરીમાં શું શું સુવિધા છે
છ માળની લાયબ્રેરીમાં ગ્રાઉન્ડફ્લોર પર ગ્રંથાપલ તથા મદદનીશ ગ્રંથાપલના કાર્યાલય તથા વિવિધ કચેરીઓ, સર્વર રૂમ, સિનીયર સિટીઝન રૂમ, ઈ-લાયબ્રેરી, અંધજન વિભાગ, રિસેપ્શન તથા પ્રતીક્ષા ખંડ આવેલો છે. પહેલા માળે બાળકો-મહિલા વિભાગ, કેન્ટીન, બીજામાળે પુસ્તક પ્રોસેસ વિભાગ, રેફરન્સ વિભાગ, સ્પર્ધાત્મક પરીક્ષા તથા સંશોધન ખંડ આવેલા છે. ત્રીજા માળે મહિલા વાંચન ખંડ, ઓનલાઈન પરીક્ષા ખંડ, ચોથા માળે વાંચન વિભાગ, પાંચમા માળે 200ની ક્ષમતાવાળો કોન્ફરન્સ હોલ તથા એક 50ની ક્ષમતાવાળો ઓડિટેરીયમ હોલ, મિટીંગ હોલ આવેલો છે.


