- ફેબ્રુઆરીમાં ચારેયની આતંકી ટ્રેનિંગ ચાલુ થઇ હતી
- 4 પૈકી બે આતંકીઓ 8 વખત ભારત આવી ચુક્યા છે
- ATSની તપાસમાં શ્રીલંકાની પોલીસ પણ જોડાઇ
અમદાવાદ એરપોર્ટ પરથી ISISના આતંકીઓ પકડવા મામલે ગુજરાત ATS દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. જેમાં આજે ATS દ્વારા ચોંકાવનારા ખુલાસા કરવામાં આવ્યા છે. ATSની તપાસમાં અનેક ચોંકાવનારી વિગતો સામે આવી છે. આતંકીઓની તપાસમાં સામે આવ્યું છે કે દેશમાં અને ગુજરાતમાં ISISના સ્લીપર સેલ સક્રિય છે. તેમજ પકડાયેલ આતંકીઓ દેશમાં મોટો આતંકી હુમલો કરવાની ફિરાકમાં હતા.
આતંકીઓ પહેલા પણ આવી ચૂક્યા હતા ભારત
મહત્વનું છે કે, ગુજરાત ATS દ્વારા સ્થાનિક લોકોની તપાસ શરૂ કરવામાં આવી છે. ATSને તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે ઝડપાયેલા 4 આતંકીઓ પૈકી 2 આતંકીઓ 8 વાર ભારત આવી ચૂક્યા છે. આતંકી મોહમ્મદ નુસરથ સોનાની સમગ્લિંગ કરે છે. મોહમ્મદ ફારીસ ડ્રગ્સની હેરાફેરી કરતો હોવાનું પણ સામે આવ્યું છે. તો સાથે સાથે, આતંકી મોહમ્મદ રસદીન સામે શ્રીલંકામાં 5 કેસ પણ નોંધાઈ ચૂક્યા છે. ચારેય આતંકીઓની ફેબ્રુઆરી મહિનાથી આતંકી ટ્રેનિંગ ચાલી રહી હતી. ચાર મહિના સુધી ટ્રેનિંગ લીધા બાદ આત્મઘાતી હુમલો કરવા ચારેને ભારત મોકલવામાં આવ્યા હતા. હુમલો કરવો એ ટ્રેનિંગનો છેલ્લો ભાગ હતો.
તપાસમાં શ્રીલંકા પોલીસ પણ જોડાઈ
વધુમાં ગુજરાત ATS દ્વારા જણાવવામાં આવ્યું છે કે ગુજરાત ATS એ ચારેય આતંકીઓની ધરપકડ બાદ તેમના પરિવારોને જાણ કરી દીધી છે. તો સાથે સાથે ATSની તપાસમાં શ્રીલંકાની પોલીસ પણ જોડાઈ છે. ATS ને આરોપીઓના મોબાઇલમાંથી શપથ લેતો વિડીયો અને અબુ પાકિસ્તાનીનો ફોટો પણ મળી આવ્યો છે.
ઇઝરાયલ હમાસ યુદ્ધનું કનેક્શન
તો ગુજરાત ATSની તપાસમાં ઇઝરાયલ હમાસ યુદ્ધનું કનેક્શન પણ સામે આવ્યું છે. ISISના આતંકીઓ હમાસ અને પેલેસ્ટાઇનની ઘટના બાદ વધુ સક્રીય થયા હતા. આતંકીઓને કહેવામાં આવ્યું હતું કે ભારત અને અમેરિકા હમાસને મદદ કરી રહ્યું છે. નાના ચિલોડા ખાતે અંદાજે 3 થી 4 દિવસ પહેલા જ હથિયારો મૂકવામાં આવ્યા હતા. નાના ચિલોડા આસપાસના CCTV ફુટેજની તપાસ પણ શરૂ કરી દેવામાં આવી છે. ગુજરાત અને અન્ય રાજ્યોમાં પણ ATS દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.
પ્રોટોન મેલ દ્વારા કરતાં હતા ચેટ
ગુજરાત ATS દ્વારા જણાવવામાં આવ્યું છે કે પ્રોટોન મેલ માંથી ચેટ હિસ્ટ્રી મેળવી થોડી મુશ્કેલ છે. ATS એ ફોન માંથી હિસ્ટ્રી રિકવર કરવા FSLમાં મોકલ્યો છે. બંને નવા ફોન લોયને અબુએ આપ્યા હતા. એક ફોનમાં પ્રોટોન મેઈલ તો બીજામાં સિગ્નલ એપ્લિકેશન હતી. જેનો ઉપયોગ વાત કરવા માટે કરતા હતા. બે મોબાઇલ ફોનથી ચેન્નાઈ એરપોર્ટેનું Wifi ઉપયોગમાં લીધું હતું. ગુજરાત ATS એ ચેન્નાઇ એરપોર્ટ અને અમદાવાદ એરપોર્ટ પાસેથી Wifi ડેટા મંગાવ્યા છે.
તમિલનાડુ ATS ગુજરાત ATS ઓફિસ પહોંચી
ATS એ 6 દુભાષિયા સાથે રાખીને આતંકીઓની પૂછપરછ શરૂ કરી છે. તો ગુજરાત ATSની તપાસમાં કેન્દ્રીય એજન્સીઓ પણ જોડાઈ છે. ATSને આરોપીઓના ફોનમાંથી અન્ય લોકોના ફોટો પણ મળી આવ્યા જે ટાર્ગેટના હોવાની સંભાવના છે. ગુજરાત ATS દ્વારા ચારેય આઓપીઓને અલગ-અલગ રાખીને પૂછપરછ કરવામાં આવી રહી છે. તમિલનાડુ પોલીસ ATSની એક ટીમ ગુજરાત ATS પહોંચી ગઈ છે. તેમજ અન્ય રાજ્યોની પોલીસે પણ તપાસ કરશે.


