- અમૃતકાળમાં વિશ્વને દિશા આપવામાં ભારત મહત્ત્વનો ભાગ ભજવશે
- US કાઉન્સેલ જનરલ માઇક હેંકી
- સેમિ કન્ડક્ટર અને AI ક્ષેત્રે પ્રગતિથી વાઈબ્રન્ટ ગુજરાતનું સ્લોગન ગેટ વે ટુ ધ ફ્યૂચર ચરિતાર્થ થશે
વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં યુ. એસ. ઇન્ડિયા બિઝનેસ કાઉન્સિલ (USIBC)કન્ટ્રી સેમિનારમાં US કાઉન્સેલ જનરલ માઇક હેંકીએ જણાવ્યું કે, અત્યારે ભારત અને અમેરિકા વચ્ચે જેટલા ઉચ્ચસ્તરીય અને ઉષ્માસભર સંબંધો છે, એવા મે ક્યારેય નથી જોયા. વ્યાપાર તેમજ સામાજીક ક્ષેત્રે ભારત જે કરવા જઈ રહ્યું છે, તે આવનારા અમૃતકાળમાં વિશ્વને દિશા આપવામાં મહત્વનો ભાગ ભજવશે. ડિફેન્સ, સ્પેસ, સેમિ કન્ડકટર ક્ષેત્રે વિકાસ ઉપરાંત બંને દેશોના પ્રબુદ્ધ નાગરિકો વચ્ચેના સંબંધોને મજબૂત બનાવવા માટે ભારત અને USની ભાગીદારી મહત્વપૂર્ણ બની રહી છે.
હેંકીએ કહ્યું કે, ભારત અને US વચ્ચે ઘનિષ્ઠ વ્યાપારી સંબંધ છે. ભારતના સ્પેસ ક્ષેત્રે થઈ રહેલા વિકાસમાં અમેરિકા ભાગીદાર થવા ઉત્સુક છે. અભ્યાસ અને સંશોધન માટે અમેરિકાએ વિઝાના નિયમોમાં ફેરફર કર્યા છે. જેના પરિણામે અમેરિકામાં 2.5 લાખથી વધુ ભારતીય વિદ્યાર્થીઓ અભ્યાસ કરી પોતાની ઉજ્જવળ કારકીર્દી બનાવી રહ્યા છે. સેમિનારમાં અદાણી ગ્રીન એનર્જીના CEO અમિત સિંધે રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે કચ્છના ખાવડા ખાતે નવીનત્તમ ટેકનોલોજીનો ઉપયોગ કરી બની રહેલા વિશ્વના સૌથી મોટા રિન્યુએબલ એનર્જી પાર્ક વિશે માહિતી આપી હતી.
માઈક્રોન ઈન્ડિયાના વાઈસ પ્રેસિડેન્ટ અને મેનેજિંગ ડિરેક્ટર આનંદ રામામુર્થીએ ભારતમાં સેમિ કન્ડક્ટર ક્ષેત્રના વિકાસ અને દેશમાં ઉપલબ્ધ કૌશલ્ય થકી દેશની વિકાસયાત્રા સંદર્ભે વિગતે ચર્ચા કરી હતી. આગામી સમયમાં ભારતની સેમિ કન્ડક્ટર અને આર્ટિફ્શિીયલ ઇન્ટેલિજન્સી ક્ષેત્રે પ્રગતિ દ્વારા વાયબ્રન્ટ ગુજરાત 2024નું સ્લોગન ગેટ વે ટુ ધ ફ્યુચર સાચા અર્થમાં ચરિતાર્થ થશે. જે આગામી સમયમાં ગુજરાત સેમી કન્ડક્ટર ઉત્પાદનના હબ તરીકે ઉભરી આવવાની સંભાવના જોવામાં આવી રહી છે.
આ પરિસંવાદમાં USIBCના MD એલેક્ઝાન્ડર સ્લેટરે ભારત અને અમેરિકા વચ્ચે વિકસી રહેલા સંબંધો વિશે માહિતગાર કર્યા હતા.


