સમગ્ર દેશમાં સાયબર ફ્રોડના ગુનાઓ વધી રહ્યાં છે. આ ગુનાઓ અટકાવવા માટે તમામ રાજ્યોની પોલીસ સક્રિય થઈ ગઈ છે. તેવી જ રીતે ગુજરાત પોલીસ પણ સક્રિય થઈ ગઈ છે. ત્યારે સાયબર ગુનેગારોને પોતાના એકાઉન્ટ ભાડે આપનારા લોકો સામે તવાઈ બોલાવવામાં આવી છે. ગુજરાત પોલીસે આવા એકાઉન્ટ સામે ઓપરેશન મ્યૂલ હન્ટ શરૂ કર્યું છે. આ ઓપરેશન અંતર્ગત કરવામાં આવેલી કાર્યવાહીમાં એક જ અઠવાડિયામાં 365 ફરિયાદ નોંધાઈ છે.
ગુજરાત પોલીસ કડક કાર્યવાહી કરવા તત્પર
રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે એકસ પર પોસ્ટ કરીને કહ્યું હતું કે, અનેક લોકો પોતાનું બેંક એકાઉન્ટ સાયબર આરોપીઓને પૈસાની લાલચમાં ભાડે આપી રહ્યાં છે. આ એક ગંભીર અપરાધ છે. આવા મ્યૂલ એકાઉન્ટ ધારકો વિરૂદ્ધ ગુજરાત પોલીસે ઓપરેશન મ્યૂલ હન્ટ શરૂ કરવામાં આવ્યું છે. છેલ્લા છ દિવસમાં અત્યાર સુધીમાં આ મુદ્દે 365 એફઆઈઆર કરવામાં આવી છે. જેમાં 215 લોકોની ધરપકડ કરવામાં આવી છે. સાયબર ક્રાઈમને રોકવા માટે ગુજરાત પોલીસ કડક કાર્યવાહી કરવા તત્પર છે. રાજ્યમા હજુ પણ ઓપરેશન ચાલુ રહેશે.


