- રાજકોટમાં પડેલા અડધા ઈંચ વરસાદે તંત્રની પોલ ખોલી
- પ્રિ-મૉન્સૂનની કામગીરી અને અધિકારીઓની બેઠકોના દાવા પોકળ સાબિત થયા
- રવિવારે વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોને રાહત થઈ હતી
રાજ્યના બે મહાનગર રાજકોટ અને જૂનાગઢમાં પહેલા વરસાદે જ તંત્રની પોલ ખુલ્લી પડી ગઈ છે. હજી તો એક જ વરસાદ થયો તેમાં રાજકોટ શહેરના નાના મવા સર્કલના ઓવરબ્રિજમાં પાણી ભરાઈ ગયા હતા. જેથી મહાનગરના પ્રિ-મૉન્સૂનની કામગીરી અને અધિકારીઓની બેઠકોના દાવા માત્ર અડધા ઈંચ વરસાદમાં ખુલ્લી પડી ગયા હતા. રવિવારે વરસાદ આવતા વાતાવરણમાં ઠંડક તો પ્રસરી પરંતુ તંત્રની કામગીરી પર મોટા સવાલ પણ ખડા કરી દીધા હતા.
જ્યારે જૂનાગઢ શહેરની ગંગાનગર, ગોકુલધામ, જોશીપરા વોર્ડના વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ જતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો. હજી તો ગુજરાતમાં સત્તાવાર વરસાદનું આગમન થયું નથી ત્યારે રાજ્યના બે મોટા મહાનગરમાં પહેલા વરસાદ બાદ સ્થિતિ સાવ બદતર જોવા મળી હતી. જૂનાગઢ અને રાજકોટ શહેરના મોટાભાગના વિસ્તારોમાં પાણી ભરાઈ જતા તંત્રની કામગીરી શું થઈ રહી છે તેની ચર્ચા થવા લાગી હતી.
વરસાદની લોકોએ મજા પણ માણી
આટલું ઓછું હોય એમ રાજકોટમાં માત્ર એક ઈંચ વરસાદને લીધે નાના મવા સર્કલના બ્રિજમાં વરસાદી પાણી ભરાઈ જતા બે ઈલેકટ્રિક બીઆરટીએસ બંધ થઈ હતી. જેના લીધે બસના મુસાફરો પરેશાન થયા હતા. તો વરસાદ બંધ થઈ જતા બાદ પણ પાણી ભરાયેલા રહ્યા હતા. આ તરફ જૂનાગઢના જોશીપરા વોર્ડમાં કચરો ઉપાડવા દરખાસ્ત થઈ હતી તે જગ્યાએ વરસાદી પાણી ભરાઈ જતા લોકોને હાલાકીનો સામનો કરવો પડયો હતો. રવિવારે વરસાદ થતા લોકોએ વરસાદની મજા માણી હતી.


