- સૌરાષ્ટ્ર માટે શેલ્ડન જેક્સને પણ સદી નોંધાવી
- ગ્રૂપ-ડી : મધ્ય પ્રદેશના 454 રનની સામે બરોડા 6/104
- ગુજરાતનો પ્રથમ દાવ 339 રનના સ્કોરે સમેટાયો હતો
મોહાલી : પ્રિયજીતસિંહ જાડેજાએ 60 રનમાં પાંચ તથા સુકાની ચિંતન ગજાએ 71 રનમાં ત્રણ વિકેટ ઝડપતા ગુજરાતે રણજી ટ્રોફીના ગ્રૂપ-સીની મેચમાં પંજાબને 219 રનના સ્કોરે ઓલઆઉટ કરીને 120 રનની મજબૂત લીડ મેળવી હતી. ગુજરાતનો પ્રથમ દાવ 339 રનના સ્કોરે સમેટાયો હતો. પંજાબ માટે સુકાની મનદીપસિંહે 110 બોલમાં નવ બાઉન્ડ્રી તથા ત્રણ સિક્સર વડે અણનમ 76 રન બનાવ્યા હતા. આ ઉપરાંત અનમોલપ્રીતે 30 રનનું તથા 11મા ક્રમના બેટ્સમેન બલતેજસિંઘે 43 બોલમાં 42 રનનું યોગદાન આપ્યું હતું. ગુજરાતની ઇનિંગમાં સિનિયર બેટ્સમેન પ્રિયાંક પંચાલના 77 તથા આદિત્ય પટેલના 58 રન મુખ્ય રહ્યા હતા.
જયુપર : ચેતેશ્વર પૂજારા બાદ શેલ્ડન જેક્સને પણ સદી નોંધાવતા સૌરાષ્ટ્રની ટીમે ગ્રૂપ-એની મેચમાં 328 રન નોંધાવ્યા બાદ બીજા દિવસની રમતના અંતે રાજસ્થાનની 159 રનમાં છ વિકેટ ઝડપીને પોતાની સ્થિતિ મજબૂત કરી લીધી હતી. રમતના અંતે સમરપ્રીત જોશી 20 તથા માનવ સુથાર 10 રન બનાવીને રમી રહ્યા હતા. સુકાની દીપક હૂડાએ 36 તથા મહિપાલ લોમરોરે 30 રન બનાવ્યા હતા. સૌરાષ્ટ્ર માટે પૂજારાએ 110 રનની ઇનિંગ રમ્યા બાદ જેક્સને 249 બોલમાં આઠ બાઉન્ડ્રી અને ચાર સિક્સર વડે 116 રન બનાવ્યા હતા. રાજસ્થાન માટે અજયસિંઘે 120 રનમાં પાંચ તથા અનિકેત ચૌધરીએ 33 રનમાં ચાર વિકેટ હાંસલ કરી હતી.


