- CM ભુપેન્દ્ર પટેલે સિદ્ધી માટે અભિનંદન પાઠવ્યા
- દિલ્હીમાં ગુજરાતને બેસ્ટ પર્ફોર્મર સ્ટેટનો એવોર્ડ એનાયત
- કેન્દ્રીય ઉદ્યોગ-વાણિજ્ય મંત્રીના હસ્તે ગુજરાતને એવોર્ડ
દેશમાં સ્ટાર્ટઅપની બોલબાલા વધી રહી છે ત્યારે ગુજરાતનો તેમાં પણ મહત્વનો રોલ જોવા મળી રહ્યો છે. ‘સ્ટાર્ટઅપ ઇન્ડિયા’ અન્વયે ગુજરાતે સતત ચોથી વાર સ્ટાર્ટઅપ રેન્કિંગમાં બેસ્ટ પર્ફોર્મર સ્ટેટનું ગૌરવ પ્રાપ્ત કર્યું છે. જેની સાથે જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ ગૌરવ સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે રાજ્ય સરકારના ઉદ્યોગ વિભાગ અને સ્ટાર્ટઅપ ઇકો સિસ્ટમ સાથે સંકળાયેલા ઉદ્યોગ સાહસિકોને અભિનંદન પાઠવ્યા છે.
દેશભરમાં 16 જાન્યુઆરીને નેશનલ સ્ટાર્ટઅપ-ડે તરીકે ઉજવવામાં આવે છે. આ અવસરે નવી દિલ્હીમાં સ્ટાર્ટઅપ રેન્કિંગ-2022ના પરિણામોનું અનાવરણ કેન્દ્રીય ઉદ્યોગ અને વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલે કર્યું હતું. વડાપ્રધાને આત્મનિર્ભર ભારતના ધ્યેયને પાર પાડવા દેશમાં મજબૂત ઉદ્યોગ સાહસિક ઇકોસિસ્ટમને પ્રોત્સાહન આપવા આ ‘સ્ટાર્ટઅપ ઇન્ડિયા’ પહેલ શરૂ કરાવેલી છે. આના પરિણામ સ્વરૂપે ભારત આજે વિશ્વમાં 1 લાખ 17 હજાર જેટલા માન્ય સ્ટાર્ટઅપ અને 111 યુનિકોર્ન સ્ટાર્ટઅપ ધરાવતું સૌથી મોટું સ્ટાર્ટઅપ હબ બન્યું છે.
33 રાજ્યો-કેન્દ્રશાસિત પ્રદેશોમાં મેળવ્યું સ્થાન
આ ફ્રેમવર્ક અન્વયે તાજેતરમાં 2022ના વર્ષના રેન્કિંગ માટે DPIIT અને સ્ટાર્ટઅપ ઇન્ડિયાએ 33 રાજ્યો-કેન્દ્રશાસિત પ્રદેશોનું 25 એક્શન પોઇન્ટ્સ આધારીત 7 નિર્ણાયક સુધારાઓના ક્ષેત્રોમાં મૂલ્યાંકન-એસેસમેન્ટ કર્યું હતું. આ મૂલ્યાંકનના જાહેર થયેલા પરિણામોમાં ગુજરાતે સતત ચોથી વાર બેસ્ટ પર્ફોર્મર સ્ટેટનો એવોર્ડ મેળવ્યો છે. નવી દિલ્હીમાં આ એવોર્ડ ઉદ્યોગ વિભાગના વરિષ્ઠ અધિકારીઓ અને ટીમ ગુજરાતે સ્વીકાર્યો હતો.
ગુજરાતમાં 9200થી વધુ સ્ટાર્ટઅપ
રાજ્યમાં સ્ટાર્ટઅપ કલ્ચરને વેગ આપવા ગુજરાતે પહેલરૂપ એવી સ્ટાર્ટઅપ પોલિસી 2015 લોન્ચ કરેલી છે. હાલ રાજ્યમાં 9200થી વધુ માન્યતા પ્રાપ્ત સ્ટાર્ટઅપ્સ છે. એટલું જ નહીં, રાજ્ય સરકારે યુવા ઉદ્યોગ સાહસિકોને પ્રારંભિક સ્તરે સહાય માટે રૂ. 1 હજાર કરોડના ભંડોળ સાથે ‘ગુજરાત યંગ એન્ટરપ્રેન્યોર્સ વેન્ચર ફંડ’ શરૂ કરીને પ્રોત્સાહન પણ પૂરું પાડ્યું છે. આ ઉપરાંત સસ્ટેઇનન્સ એલાઉન્સ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર આસિસ્ટન્સ, મોનિટરીંગ આસિસ્ટન્સ અને માર્કેટીંગ એલાઉન્સ જેવી સુવિધા સહાય પણ આપવામાં આવે છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્યમાં સ્ટાર્ટઅપને વધુ વ્યાપક અને વેગવાન બનાવવા રાજ્ય સરકારે મહત્વ આપ્યું છે. તાજેતરમાં સંપન્ન થયેલી વાઈબ્રન્ટ ગુજરાત સમિટ-2024ની પ્રિ-વાઈબ્રન્ટ ઈવેન્ટરૂપે સ્ટાર્ટઅપ કોન્ક્લેવ તથા વાઈબ્રન્ટ સમિટ દરમિયાન સ્ટાર્ટઅપ એન્ડ ઈનોવેશન સેમિનારનું પણ સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું.


