વિદ્યાર્થીઓ માનસિક અને વ્યવસાયિક વિકાસમાં ફાયદો મળશે
અગ્ર ગુજરાત, રાજકોટ
રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અને દિવ્યાંગજન અધિકાર અધિનિયમના અમલીકરણના ભાગરૂપે ગુજરાત સરકારે શૈક્ષણિક વર્ષ 2026-27 થી ધોરણ 9 અને 10ના અભ્યાસક્રમમાં ‘ઇન્ડિયન સાઇન લેંગ્વેજ’ (ISL) ને વૈકલ્પિક વિષય તરીકે સમાવવાની જાહેરાત કરી છે. હવે વિદ્યાર્થીઓ સંસ્કૃત, ઉર્દૂ, ફારસી કે અરબી જેવી ભાષાઓના વિકલ્પમાં સાઇન લેંગ્વેજ પસંદ કરી શકશે.
શિક્ષણવિદ પરેશ શાહે આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, સાઇન લેંગ્વેજ વિશેની પ્રચલિત માન્યતા ખોટી છે. તે માત્ર હાથના ઈશારા નથી, પરંતુ ગુજરાતી કે અંગ્રેજીની જેમ જ પોતાનું ચોક્કસ વ્યાકરણ અને વિપુલ શબ્દભંડોળ ધરાવતી એક સંપૂર્ણ કુદરતી ભાષા છે. જેમાં અવાજને બદલે હાથના આકારો, ચહેરાના હાવભાવ અને શરીરની મુદ્રાઓના સંયોજનથી સંવાદ સાધવામાં આવે છે.
ગુજરાત સરકારના આ નિર્ણયથી બધિર સમુદાયને સમાજની મુખ્યધારામાં લાવવામાં મોટી મદદ મળશે અને નવી પેઢી વધુ સંવેદનશીલ બનશે. આ વિષય માત્ર માર્કસ મેળવવા માટે નહીં, પણ માનવતાના જોડાણ માટેનો એક મહત્વનો સેતુ સાબિત થશે.
વિદ્યાર્થીઓને થનારા બહુવિધ ફાયદા
આ વિષય શીખવાથી વિદ્યાર્થીઓના માનસિક અને વ્યાવસાયિક વિકાસમાં મોટો ફાયદો થશે:
- મગજની કાર્યક્ષમતા: સાઇન લેંગ્વેજ શીખવાથી મગજના બંને ભાગો સક્રિય થાય છે, જેનાથી વિદ્યાર્થીઓની એકાગ્રતા અને વિઝ્યુઅલ મેમરી (દ્રશ્ય યાદશક્તિ) માં વધારો થાય છે.
- સંવેદનશીલતા: વિદ્યાર્થીઓ સમાજના બધિર વર્ગ સાથે સીધો સંવાદ કરી શકશે, જેનાથી તેમનામાં સામાજિક સંવેદના અને સમાવેશી ભાવના કેળવાશે.
- કમ્યુનિકેશન સ્કિલ્સ: આ ભાષા શીખવાથી વિદ્યાર્થીઓનો બોડી લેંગ્વેજ અને ફેસિયલ એક્સપ્રેશન પર કાબૂ વધે છે, જે તેમને સારા સંવાદદાતા બનાવે છે.
ભવિષ્યમાં પ્રોફેશનલ તકો માત્ર શિક્ષણ પૂરતું જ નહીં, સાઇન લેંગ્વેજના નિષ્ણાતો માટે ભવિષ્યમાં રોજગારીની વિશાળ તકો રહેલી છે:
- 1) ઇન્ટરપ્રિટર (દુભાષિયા): કોર્ટ, હોસ્પિટલ, કોર્પોરેટ ઓફિસ અને ન્યૂઝ ચેનલોમાં સાઇન લેંગ્વેજ ઇન્ટરપ્રિટરની ભારે માંગ છે.
- 2) સ્પેશિયલ એજ્યુકેટર: વિશેષ જરૂરિયાત ધરાવતા બાળકોને ભણાવવા માટે આ વિષયનું જ્ઞાન ધરાવતા શિક્ષકોની જરૂરિયાત વધશે.


