દેશમાં પ્રથમ ટોપ-૧૦૦માં ગુજરાતના ચાર ઉમેદવાર : ૨૫ સિલેકટ થયા
ગુજરાત હવે યુપીએસસીમાં પણ અગ્ર થઇ રહ્યું છે. તાજેતરમાં જાહેર થયેલા યુનિયન પબ્લિક સર્વિસના પરિણામોમા દેશના ટોપ-૧૦૦માં ચાર ઉમેદવારો ગુજરાતના પસંદગી પામ્યા છે. કુલ ૨૫ ગુજરાતી ઉમેદવારોએ યુપીએસસી ક્રેક કરી છે. આગામી દિવસોમાં આ તમામ સનદી અધિકારી તરીકે ગુજરાત અને અન્ય રાજયોમાં સેવા આપશે.
યુપીએસસી (યુનિયન પબ્લિક સર્વિસ કમિશન) દ્વારા આજે આઇએએસ, આઇપીએસ અને આઇએફએસ સહિતની ૧૧૦૦થી વધુ પોસ્ટ માટેની ૨૦૨3ની સિવિલ સર્વિસીઝ એકઝામિનેશનનું ફાઇનલ પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં સ્પીપાના તેમજ અન્ય કોચિંગ ઇન્સ્ટિટયુટના મળીને અંદાજે રેકોર્ડબ્રેક કહી શકાય તેટલા ૨૫થી વધુ ઉમેદવારો ગુજરાતમાંથી યુપીએસસી ફાઇનલમાં સિલેકટ થયા છે. કવોલિફાઇ ઉમેદવારોની મળેલી માહિતી મુજબ હાલ ૨૬ ઉમેદવારો ગુજરાતમાંથી છે અને જેમાં ૨૦ યુવકો છે અને ૬ યુવતીઓ છે. આ આ વર્ષે ગુજરાતમાંથી સિવિલ સર્વિસીસ માટે સિલેકટ થનારા ઉમેદવારોની સંખ્યામાં વધારો થયો છે. ગત વર્ષે ૧૬ ઉમેદવાર સિલેકટ થયા હતા.
ગુજરાતમાંથી આ વર્ષે સ્પીપા અને અન્ય કોચિંગ ઇન્સ્ટિટયુટમાંથી તાલીમ મેળવનારા અંદાજે ૨૬ જેટલા ઉમેદવારોએ યુપીએસસી ફાઇનલ પરીક્ષા પાસ કરીને સિવિલ સર્વિસીઝ માટે સિલેકટ થયા છે. આ વર્ષે પણ પ્રથમવાર દેશના ટોપ ૧૦૦ રેન્કમાં ગુજરાતના ચાર ઉમેદવારો છે. જેમાં 3૧,૪3,૬૨ અને ૮૦મો રેન્ક ગુજરાતમાંથી છે. ૨૦૨3ની પરીક્ષા પ્રક્રિયામાં સ્પીપાના ૨૧૯ ઉમેદવારો પ્રિલિમ પરીક્ષામાં પાસ થયા હતા અને જેમાંથી ૬૦ ઉમેદવારો મેઇન પરીક્ષા પાસ થયા હતા. જેઓએ પર્સનાલિટી ટેસ્ટ આપી હતી અને આ ૬૦ ઉમેદવારોમાંથી ૨૫ ઉમેદવારો કવોલિફાઇ થયા છે. જે અત્યાર સુધીના સૌથી વધુ છે. જયારે અમદાવાદની એક યુવતી ગરીમા મુંદ્રા સેલ્ફ સ્ટડી દ્વારા દેશના ટોપ ૧૦૦ રેન્કમાં આવી છે અને ૮૦મો રેન્ક મેળવ્યો છે. આ વર્ષે ગુજરાતના ૨૬ સિલેકટેડ ઉમેદવારોમાં ૬ યુવતીઓ અને ૨૦ યુવકો છે. આ વર્ષે પાસ થનારા ઉમેદવારોમાં સૌથી વધુ સોશિયોલોજી વિષય ધરાવતા છે.


