- સોવેરિન ગોલ્ડ બોન્ડની ચોથી સિરીઝમાં ગુજરાતમાંથી 39.115 કિલો સોનું બુક થયું
- દક્ષિણ ગુજરાતમાંથી સૌથી વધુ 19.180 કિલો અને ઉત્તર ગુજરાતમાંથી 11.702 કિલોનું ભરણું
- નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે ફિઝિકલ ગોલ્ડની સરખામણીએ ગોલ્ડ બોન્ડમાં વધુ વળતર મળી રહ્યું છે
રીઝર્વ બેંક ઓફ્ ઇન્ડિયા (RBI) દ્વારા નાણાકીય વર્ષ 2023-24ની સોવેરિન ગોલ્ડ બોન્ડની ચોથી સિરીઝનો ઈશ્યુ બહાર પાડવામાં આવ્યો હતો. ગુજરાતમાંથી આ ગોલ્ડ બોન્ડને સારો પ્રતિસાદ મળ્યો હતો. ગત 12 ફેબ્રુઆરીએ ખુલેલા સોવેરિન ગોલ્ડ બોન્ડ ઈશ્યૂમાં છેલ્લા દિવસ સુધીમાં ગુજરાતમાંથી 39.115 કિલો માટે રૂ. રૂ. 24.52 કરોડથી વધુનું રોકાણ આવ્યું છે. સૌથી વધુ દક્ષીણ ગુજરાતમાંથી 19.180 કિલો માટે રૂ. 12 કરોડથી વધુનું ઇન્વેસ્ટમેન્ટ થયું છે. આ ઉપરાંત ઉત્તર ગુજરાતમાંથી 11.702 કિલો માટે રૂ. 7.33 કરોડનું રોકાણ કરવામાં આવ્યું છે. સૌરાષ્ટ્ર ઝોનમાંથી 8.272 કિલો માટે રૂ. રૂ. 5.18 કરોડનું રોકાણ આવ્યું છે. પોસ્ટ વિભાગે આપેલા આંકડા પ્રમાણે સુરત, અમદાવાદ, વડોદરા, રાજકોટ જેવા મોટા શહેરોની સાથે સાથે આણંદ, મહેસાણા, ભાવનગર, સુરેન્દ્રનગર, ખેડા અને વલસાડ જેવા નાના શહેરોમાંથી સોવેરિન ગોલ્ડ બોન્ડમાં નોંધપાત્ર રોકાણ થયું છે. બોન્ડના છેલ્લા દિવસે 16 ફેબ્રુઆરીએ રૂ. 9.53 કરોડના બોન્ડ ભરાયા હતા. નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે ફિઝિકલ ગોલ્ડની સરખામણીએ ગોલ્ડ બોન્ડમાં વધુ વળતર મળી રહ્યું છે. સાથે જ સોવેરિન બોન્ડમાં પાકતી મુદ્દતે આવતું વળતર ટેક્સ ફ્રી હોય છે. નાણાકીય વર્ષ 2023-24 માટે સોવેરિન ગોલ્ડ બોન્ડ સ્કીમના ચોથા અને છેલ્લા તબક્કાનું સબસ્ક્રિપ્શન 16 ફેબ્રુઆરીએ પૂરું થયું હતું. આ ઈશ્યૂની પ્રતિ ગ્રામ રૂ. 6,263 કીમત નક્કી કરવામાં આવી હતી. આ ઉપરાંત જે રોકાણકારો બોન્ડની ઓનલાઈન ખરીદી કરે છે તેમને ગ્રામ દીઠ રૂ. 50નું ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે. રિઝર્વ બેંક ઓફ્ ઈન્ડિયાના જણાવ્યા મુજબ મુજબ 21 ફેબ્રુઆરીના રોજ સોવેરિન ગોલ્ડ બોન્ડ ઈશ્યૂ કરવામાં આવશે.
બાળકીઓ માટે ગોલ્ડ બોન્ડ વધુ લેવાય છે
ઓસિયન ફ્નિવેસ્ટના ફાઉન્ડર સમીર વોરાએ જણાવ્યું કે, ઊંચું અને સલામત વળતર હોવાથી ગોલ્ડ બોન્ડમાં રોકાણ વધી રહ્યું છે. ખાસ કરીને બાળકીના માતા-પિતા ભવિષ્યની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને સરકારના ગોલ્ડ બોન્ડમાં રોકાણ વધુ કરે છે. 5-10 વર્ષની ઉમરના બાળકોના નામે ફિઝિકલ સોનું લેવાના બદલે હવે લોકો ગોલ્ડ બોન્ડ લેતા થયા છે. પહેલી સિરીઝમાં લોકોને 13% જેવું વળતર મળ્યું હતું તેની સામે ફિઝીકલ સોનામાં રોકાણ ઉપર 10% જેવું રિટર્ન મળ્યું હતું.


