- ગીર સોમનાથનાં વેરાવળમાં 2 કલાકમાં 4, બ.કાં.ના ભાભરમાં 3.40 ઈંચ
- રાજ્યનાં 138 તાલુકામાં વરસાદી માહોલ 40થી વધુ તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ
- મધ્ય અને દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રમાં આજે ભારે વરસાદ પડવાની આગાહી
મંગળવારના રોજ ગુજરાતનાં કુલ 138 તાલુકામાં વરસાદી માહોલ સર્જાયો હતો, જેમા 40થી વધુ તાલુકા એવા હતાં કે જ્યાં 1 ઈંચ કરતા વધુ વરસાદ વરસ્યો હતો. એ સિવાયના તાલુકાઓમાં ઝરમરથી હળવો વરસાદી માહોલ રહ્યો હતો.
સૌથી વધુ રાજકોટના લોધીકામાં માત્ર 4 જ કલાકમાં 5.20 ઈંચ વરસાદ ખાબક્યો હતો. એ સિવાય ગીર સોમનાથના વેરાવળમાં માત્ર 2 કલાકમાં 4 ઈંચ અને બનાસકાંઠાનાં ભાભરમાં 3.40 ઈંચ વરસાદ ખાબક્યો હતો. બીજી તરફ જામનગરમાં વિજળી પડતાં 1 મહિલા સહિત કુલ ત્રણ જણના મોત નિપજ્યાં હતાં.
મંગળવારે બપોરનાં 2 વાગ્યા પછી રાજ્યના જુદા જુદા તાલુકાઓમાં ભારે વરસાદ પડવાનો શરૂ થયો હતો. સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો, રાજકોટના લોધીકા તાલુકામાં બપોરના 2 થી સાંજના 4 વાગ્યા સુધીના બે કલાકમાં 4 ઈંચ અને કુલ 4 કલાકમાં 5.20 ઈંચ વરસાદ પડયો હતો. એ સિવાય ધોરાજીમાં 3.20 ઈંચ, જામકંડોરણામાં 2.20 ઈંચ, ગોંડલમાં 1.64 ઈંચ વરસાદ વરસ્યો હતો. એ સિવાય ગીર સોમનાથના વેરાવળમાં 4 ઈંચ, તાલાલામાં 1.60 ઈંચ વરસાદ નોંધાયો હતો. અમરેલીના લાઠીમાં 3.48 ઈંચ, બગસરામાં 2.76 ઈંચ, જુનાગઢનાં વિસાવદરમાં 2.12, મેંદરડામાં 2.10 ઈંચ વરસાદ વરસ્યો હતો. ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠાનાં ભાભરમાં 2 કલાકમાં 3.40 ઈંચ, પાટણના રાધનપુરમાં 1.68 ઈંચ તેમજ કચ્છનાં નખત્રણામાં 2.56 ઈંચ, અબડાસામાં 2 ઈંચ અને ભચાઉમાં 1.52 ઈંચ વરસાદ પડયો હતો.
SG હાઈવે, બોપલ, સરખેજમાં અડધો ઈંચ વરસાદ
શહેરના સરખેજ, મકરબા, બોપલ, એસ. જી. હાઈવે સહિત નવા પશ્ચિમ ઝોનમાં સરેરાશ અડધો ઈંચ વરસાદ વરસ્યો હતો. છેલ્લાં કેટલાંક દિવસથી અસહ્ય ઉકળાટ અને બફારાનો અનુભવાયા પછી મંગળવારે બપોરે અચાનક અંધારપટ છવાયો હતો અને સરખેજ, મકરબા, મક્તમપુરા, એસ. જી. હાઈવે, બોપલ, જોધપુર, પ્રહલાદનગર, શિવરંજની, ચાંદખેડા, મેમનગર, ગુરૂકુળ, બોડકદેવ, સહિતના વિસ્તારોમાં વરસાદ તૂટી પડતાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાં હતાં.


