- જેમની પાસેથી પ્રેરણા મેળવી હોય, જેમની પાસેથી માર્ગ મળ્યો હોય, જેમને કારણે જયજયકાર થયો હોય, એ વ્યક્તિનું નામ છુપાવવું એ અપરાધ છે
ગુરુનો ગમ કોણ જાણી શકે? દાદાનો એક પ્રસંગ છે. એ સમયે હું `રામાયણ’ વાંચતો હતો અને નાઈ દાદાના પગ દબાવતા હતા. હું પણ રાતે પગ દબાવવા જતો હતો. દાદાના પગ દબાવવાની મારી ડ્યૂટી રહેતી; અને બીજી ડ્યૂટી હતી મા રસોઈ બનાવીને દાદાને ભોજન કરવા બેસાડે ત્યારે દાદાને પીરસવાની. પછી જૂઠન લેતો અને થાળી લઈ જતો.
અને ત્રીજું કામ હતું ચાના સમયે દાદાને ચા આપવા જવાનું. અમારા ગામના મુખી પટેલ હતા, જેને અમે બાલુઆતા કહેતા’તા. અને અમારા ગામનું, અમારા પરિવારનું એક ગુરુદ્વાર હતું. ઘણા લોકો કંઠી લઈ જતા હતા. એ બધી દેહાતી વ્યવસ્થા હતી. ત્યાં બધાની આસ્થા હતી. ખીમાભાઈ નામના એક મહેમાન આવતા હતા. એ થોડા `રામાયણ’ના જાણકાર હતા, એવું લોકો કહેતા હતા અને બીજા એક કાનાભાઈ હતા. તો દાદાની બેસવાની જગ્યા તો રામજી મંદિરનો ઓટલો હતી, બહુ જ એકાંતથી ભર્યું એમનું જીવન હતું. ન કોઈ વાતચીત; બસ, માત્ર હરિસ્મરણ. એવી અસંગતા મેં ક્યાંય જોઈ નથી.
સૌને પોતાના ગુરુ પ્રિય હોય છે. આજે લોકો નકલ કરે છે, નામના પ્રાપ્ત કરે છે, પરંતુ નામ પણ નથી લેતા! જેમની પાસેથી પ્રેરણા મેળવી હોય, જેમની પાસેથી માર્ગ મળ્યો હોય, જેમને કારણે જયજયકાર થયો હોય, એ વ્યક્તિનું નામ છુપાવવું એ અપરાધ છે. અપરાધમાં બે ભાગ હોય છે. એક તો યોજનાબદ્ધ ચતુરાઈથી તમે છુપાવો કે મેં ત્યાંથી નથી મેળવ્યું; તો નેટવર્ક બનાવીને અપરાધ કર્યો! અને બીજો અપરાધનો એક ભાગ છે કે જેણે અપરાધ કર્યો ન હોય એવી વ્યક્તિ પર અપરાધ ઠોકી બેસાડવામાં આવે! એને પણ અપરાધ કહે છે અને બહુધા અધ્યાત્મજગતમાં આવા અપરાધ લાદવામાં આવે છે! જેણે અપરાધ નથી કર્યો એના પર અપરાધ લાદવામાં આવતો હોય છે! આ બધી જીવન જીવવાની કૂંચીઓ છે. મારું સૌથી મોટું આશ્ચર્ય એ છે અને છેલ્લાં કેટલાંક વર્ષોમાં તો એ વધારે અનુભવાય છે કે હું જે કંઈ પણ વાંચું છું એમાંથી એ જ વાત નીકળે છે, જે દાદાએ ઓલરેડી મને કહી હતી! આ શું ચમત્કાર છે? હું કંઈ કહી શકું તેમ નથી. સદ્ગુરુના મુખેથી નીકળેલા બોલને પીઓ. `ભાગવતજી’માં ગોપિકા કહે છે, ગોવિંદ, તારી `ગીતા’ સંભળાવ; એ તારા હોઠોનું અમૃત છે, પરંતુ ગુરુનાં વચનામૃતોને પીનારાને કહેવાય છે કે આ તો શરાબી છે! નશાખોર છે! જમાનાનો એ નિયમ છે! મીરાં પાગલ! તુલસી પાગલ! બદનામ કરે છે લોકો, પરંતુ જેમણે પીધું હોય એને ખબર હોય છે કે શું પીધું છે? ગુરુના મુખેથી બોલ નીકળે તો બસ, એને મુબારક સમજો.
ગુરુનાં વચન અણમોલ છે, એને પીઓ. તો મારી એ ડ્યૂટી રહેતી હતી. એક વખત બધા લોકો આવ્યા. એમાં જે ખીમાભાઈ હતા એ પુસ્તકો બહુ વાંચતા હતા. એમણે બાલુઆતાને કહ્યું કે બાપુ-દાદા ક્યાં છે? તો કહ્યું, બેઠા છે મંદિરને ઓટલે. રામકથાના કોઈ પણ જાણકાર આવે, પરંતુ દાદા તો કોઈ સાથે વાત જ નહોતા કરતા. પિતાજીએ મને ચા લઈ જવાનું કહ્યું, તો હું ગયો ને ઓટલા પર બેઠો. ત્યાં બધા મર્મજ્ઞ બેઠા હતા.
રાકા સસિ રઘુપતિ પુર સિંધુ દેખિ હરષાન,
બઢ્યો કોલાહલ કરત જનુ નારિ તરંગ સમાન.
`ઉત્તરકાંડ’નો દોહો. ભગવાન રામ અયોધ્યા આવ્યા અને તુલસીદાસજીએ `માનસ’માં એક રૂપક બનાવ્યું. રઘુપતિ રામચંદ્ર છે અને અયોધ્યા નગર સિંધુ છે, સમુદ્ર છે. જેવી રીતે ચંદ્રને જોઈને સમુદ્રની લહેરો ઊછળવા લાગે છે; સાગર ઉછાળા ભરે છે, અવાજ કરે છે; એવું જ કંઈક છે. રામ આવ્યા છે, તો અયોધ્યાની મહિલાઓ સજી-ધજીને અટારીઓમાં ઝૂકી રહી છે. તો ત્રિભુવનદાદાને એ લોકોએ પૂછ્યું કે દાદા, આનો અર્થ સમજાવો. દાદા એક શબ્દ ન બોલ્યા! પાંચ-દસ મિનિટ હું પણ જોઈ રહ્યો! મને થયું કે મારે પણ સમજવું પડશે કે દાદાને પૂછવામાં આવ્યું છે, તો મારા માટે તો એ રહસ્ય ખૂલશે. દસ-પંદર મિનિટ થઈ ગઈ. એ લોકો થાકી ગયા! બીજે દિવસે દાદાનાં ચરણોમાં મારો `રામાયણ’નો પાઠ થતો હતો ત્યારે મેં કહ્યું કે દાદા, એ લોકોએ જે પૂછ્યું હતું, એનો અર્થ આપે કેમ ન બતાવ્યો?
યહ ન કહિઅ સઠહી હઠસીલહિ,
જો મન લાઈ ન સુન હરિ લીલહિ.
દાદાએ કહ્યું કે જે હઠપૂર્વક શઠતાને પકડી રાખે એમને ક્યારેય રામકથા સંભળાવવી નહીં. બેટા, જે મન લગાવીને રામરસને પીએ નહીં એવા તાર્કિક લોકોને સંભળાવવાની કાંઈ જરૂર નથી. આપણી રામનામની ઊર્જા ખતમ થઈ જાય. એમને તો શું? કદાચ હું એમને સમજાવી દેત તો એ બીજા સાધુને હેરાન કરત! એટલા માટે હું ન બોલ્યો. મેં કહ્યું, `દાદા, એ દોહાનો અર્થ એને તો આપે ન કહ્યો; મને તો બતાવો.’ દાદાએ સમજાવ્યું, `સાંભળ બેટા, આ ક્યારનો દોહો છે? રામનું પુષ્પક વિમાન આકાશમાં આવી ગયું છે. ચંદ્ર ક્યાં હોય છે? આકાશમાં રામનું વિમાન ક્યાં છે? આકાશમાં. એટલા માટે તુલસીએ રઘુપતિને રાકેશ કહ્યા, ચંદ્ર કહ્યા; અને ચંદ્ર સાથે કોણ હોય છે? બુધ અને રોહિણી હોય છે. વિમાનમાં જાનકી પણ હોય છે, લક્ષ્મણ પણ છે, રામચંદ્ર પણ છે; બુધ, ચંદ્ર અને રોહિણી છે અને બેટા, ચંદ્રમા પૂર્ણ ક્યારે થાય છે? શુક્લ પક્ષની ચૌદમી તિથિ પૂરી થઈ જાય પછી પૂર્ણિમા આવે છે. રામનાં ચૌદ વર્ષનો વનવાસ પૂરો થયો. હવે પૂર્ણ ચંદ્ર આવી રહ્યો છે અને ભરતને મળશે ત્યારે પૂર્ણિમા થશે અને આ રામચંદ્રરૂપી પૂર્ણિમાનો ચંદ્ર હોય છે, તો પછી એને રાહુ ગ્રસી નથી શકતો. તો શુભ વસ્તુ તો ગમે ત્યાં પ્રગટ થઈ શકે છે, એને આદર આપવો જોઈએ.’
એ જ વાત મને કોઈ સંતના મુખે સાંભળવા મળે છે, કોઈ પુસ્તકનાં પાનાંમાં મળે છે, `રામાયણ’નો કોઈ સત્સંગ ચાલતો હોય તો એમાંથી મળે છે, શાસ્ત્રમાંથી મળી જાય છે, ત્યારે હું ચોંકી જાઉં છું કે આ વાત તો ઓલરેડી મને કહેવામાં આવી હતી! ગુરુ સનાતન હોય છે, ગુરુ પુરાતન નથી થતા. એમની સત્તા શાશ્વત હોય છે. એટલે ગ્રંથોમાંથી ઈન્ફર્મેશન તો ઘણી મળશે, પરંતુ અંડરસ્ટેન્ડિંગ તો કેવળ ગુરુ પાસેથી જ પ્રાપ્ત થશે. ઈન્ફર્મેશન એ તો ઉપરની સત્તા છે, તરંગો છે. અંડરસ્ટેન્ડિંગ ઊંડાઈ છે.