અનંત આકાશમાં અસંખ્ય જ્યોતિર્પિંડો નજરે પડે છે. પૃથ્વીના પરિઘમાં આવતા તા૨કસમૂહનો એક પ્રકાશ પટલ કલ્પવામાં આવ્યો છે. તેને `ભચક્ર’ કહે છે. એના સત્તાવીશ ભાગ પાડી સત્તાવીશ નક્ષત્રો નક્કી કરવામાં આવ્યાં છે.
દેશમાં વરસાદ, વાવણી, લણણી અને અન્ય શુભાશુભ યોગોના સમયની ગણતરી તથા સામાન્ય જનસમાજ પોતાના રોજિંદા જીવનમાં-વ્યવહારમાં રાશિ તેમજ નક્ષત્રનો ઉપયોગ અને ગણતરી મહદંશે કરે છે. આકાશમાં ચંદ્ર જે માર્ગે ફરે છે તે માર્ગમાં વચ્ચે આવેલા કે પછી તેની નજીકમાં આવેલા તારક ઝૂમખાને `નક્ષત્ર’ કહેવામાં આવે છે. નક્ષત્રનો અર્થ થાય છે. `ન-ક્ષત્ર’ ઇતિ નક્ષત્ર અર્થાત્ જેનો નાશ થતો નથી. ચંદ્રની ગતિ અમાસથી અમાસ અથવા બીજી રીતે જોઇએ તો પૂર્ણિમાથી પૂર્ણિમાપર્યંત 27 નક્ષત્રોમાંથી પસાર થાય છે કે પછી તેમની નજીકથી પસાર થાય છે.
કેટલાંક નક્ષત્રો સૂર્યના આભાસી આકાશી માર્ગ, ક્રાંતિવૃત્ત ઉપર જ આવેલાં છે. મહદંશે ક્રાંતિવૃત્તના આભાસી 12 અંશ પહોળા પટમાં જ 27 નક્ષત્રો આવેલાં દેખાય છે. નક્ષત્રો એકસરખા આકારમાં નથી. એકબીજાથી સરખે અંતરે પણ આવેલાં નથી. દરેક રાશિ સવા બે નક્ષત્રની બનેલી છે અને 27 નક્ષત્રનું રાશિચક્ર અથવા 12 રાશિઓ બનેલી છે. સત્તાવીશ નક્ષત્રો પૈકી જ્યેષ્ઠા, મૂળ, આશ્લેષા જેવાં નક્ષત્રોને અશુભ, જ્યારે અન્ય નક્ષત્રોને પ્રમાણસ૨ શુભ અને `પુષ્ય નક્ષત્ર’ને અધિકાંશ શ્રેષ્ઠ માનવામાં આવેલાં છે.
નક્ષત્રની જેમ યોગો પણ સત્તાવીશ છે. જે પૈકી વ્યતિપાત, વૈધૃત જેવા યોગને અશુભ, અન્ય યોગોને પ્રમાણસર શુભ અને સિદ્ધયોગને અધિકાંશ શ્રેષ્ઠ માનવામાં આવે છે. અશુભ યોગ કે નક્ષત્રમાં જન્મેલાં બાળકો માટે તેનું શાંતિ વિધાન પણ શાસ્ત્રસૂચિત માનવામાં આવેલ છે. ગુરુવારે જો ચંદ્ર પુષ્ય નક્ષત્રમાં હોય તો તે પૈકી થતા યોગને `ગુરુપુષ્યામૃતયોગ’ કહેવામાં આવે છે. તે જ રીતે જો કોઇપણ રવિવારે પુષ્ય નક્ષત્ર સાથેનો યોગ બનતો હોય તો તેને `રવિપુષ્યામૃત’ યોગ કહે છે. આ બંને યોગોને વ્યવહારમાં આવકારદાયક માનવામાં આવ્યા છે. શાસ્ત્રોક્ત દૃષ્ટિએ પુષ્ય નક્ષત્ર ઉચ્ચ પદ અને શ્રેષ્ઠ અધિકાર આપનાર મનાય છે. આ નક્ષત્રમાં કરેલું કાર્ય કે કાર્યો વિશેષ સફળ અને સાર્થક થાય છે. એટલા માટે જ આ નક્ષત્રમાં અને ખાસ કરીને `ગુરુપુષ્યામૃત’ કે `રવિપુષ્યામૃત’ શ્રેષ્ઠ યોગમાં પ્રતિ વર્ષે દીપાવલીના મંગલમય પર્વમાં સોનું, ચાંદી, ઝવેરાત, ચોપડા, નવું વાહન વગેરે ખરીદવા માટેનો શ્રેષ્ઠ સમય માનવામાં આવે છે. નદી પોતાના સ્વચ્છ વહેણ દ્વારા ગામડાંઓને ફળદ્રુપ બનાવે છે તેમ પુષ્ય નક્ષત્રમાં જન્મેલા માનવીઓ બીજાના જીવનમાં આનંદનાં પુષ્પો ઉગાડે છે. તે પરોપકારના ભાવ સાથે જીવન જીવે છે અને જનહિત હૈયે વસેલું હોય તેમ સાચા જનસેવક બની જીવે છે.
પુષ્ય નક્ષત્રમાં પણ દેવોનો વાસ હોવાથી તેના પ્રભાવમાં બધા જ ગ્રહો વત્તાઓછા પ્રમાણમાં શુભ ફળ અવશ્ય આપે છે. પુષ્ય નક્ષત્રને નક્ષત્રોના રાજા તરીકે માનવામાં આવે છે. આ નક્ષત્રનો રાશિપતિ ચંદ્ર, નક્ષત્રપતિ શશિન અને દેવ બૃહસ્પતિ (ગુરુ) મનાય છે. જે આધારે મુત્સદ્દીપણું, નિયંત્રણશક્તિ અને કલાપ્રિયતા તથા ઉદારતા અને ન્યાયપરાયણ જેવા ઉમદા ગુણોનો સમન્વય વ્યક્તિમાં થતો જોવા મળે છે. આ નક્ષત્ર શુભ ગુણવાળું, અંધલોચન, અગ્નિ તત્ત્વયુક્ત, ઊર્ધ્વમુખી તથા સત્ત્વગુણ સંપન્ન માનવામાં આવે છે. આ નક્ષત્રમાં જન્મનારનું શારીરિક બંધારણ જોઇએ તો પ્રમાણસ૨, ભરાવદાર બાંધો, માંસલ-પુષ્ટ અવયવો, પ્રસન્નતાભર્યો સુંદર ચહેરો રહેવા પામે છે. તે વ્યક્તિ સુખ-સંપત્તિયુક્ત હોય છે. વિશેષમાં આ નક્ષત્રમાં જન્મ ધારણ કરનાર વ્યક્તિ મહત્ત્વાકાંક્ષી, ઉચ્ચ આચારવિચાર ધરાવનાર, સત્યપ્રિય, નમ્ર, ન્યાયી, પરમાર્થી, કાયદાને માન આપનાર, નીતિ, ધર્મ અને સદાચારમાં માનનાર, સમયસૂચકતા પરખનાર, વિશેષ રોગપ્રતિકારશક્તિ ધરાવનાર, હોશિયાર અને બુદ્ધિમાન હોય છે.
આ નક્ષત્રનો રાશિપતિ ચંદ્ર હોવાથી તે વ્યક્તિ વિશેષ દયાળુ, મમતાપૂર્ણ, શાંત, પ્રસન્નચિત્ત, રસિક છતાં ન્યાયપ્રિય તેમજ કઠોર અને કોમળ એમ મિશ્ર પ્રકૃતિ ધરાવનાર બને છે. પુષ્ય નક્ષત્રમાં સૂર્ય વ્યક્તિને સારું શરીર સૌષ્ઠવ અને સામાજિક દૃષ્ટિએ પ્રસિદ્ધિ આપે છે. મંગળ કમજોર શરીર, ગર્વ અને લડાયક મિજાજ આપે છે. જ્યારે બુધ વિદ્વત્તા અને ભક્તિભાવના આપે છે. ગુરુ અધિકાર, માન-સન્માન, વિદ્યા અને સુસ્વાસ્થ્ય આપે છે. શુક્ર વિલાસિતા, આળસ, પ્રમાદની સાથે વાહનસુખનો યોગ પણ કરે છે. શનિદેવ પુષ્ય નક્ષત્રવાળી વ્યક્તિને કુટુંબવત્સલ, સહનશીલ અને મુત્સદ્દી બનાવે છે. રાહુ અહંકાર સાથે પેટના વિકારો અને કેતુ મહારાજ શારીરિક તેમજ શૈક્ષણિક ક્ષેત્રમાં પીછેહઠ દર્શાવે છે.
ટૂંકમાં આ નક્ષત્ર અધિકાર, શિક્ષણ, વિદ્યા, સાંપત્તિક સુખ અને ગુણવાન તથા સદાચારી જીવન આ બધા માટે શ્રેષ્ઠ ગણાય છે. પુષ્યનો અર્થ જ થાય છે ભરવું-પુષ્ટ કરવું. આ નક્ષત્ર સાથેનો `રવિપુષ્યામૃત’ યોગ પણ `ગુરુપુષ્યામૃત યોગ’ જેટલો જ શ્રેષ્ઠ અને શાસ્ત્રસૂચિત માનવામાં આવે છે. આ શુભ અને મંગલકારી યોગમાં વિભિન્ન યંત્રો જેવાં કે શ્રી નવાર્ણયંત્ર, શ્રી-લક્ષ્મીમંત્ર, શ્રીમેરુ-લક્ષ્મીમંત્ર, શ્રી રિદ્ધિ-સિદ્ધિ ગણેશ યંત્ર, શ્રી સર્વકાર્યસિદ્ધિ યંત્ર, શ્રી ગાયત્રી યંત્ર, ઘોડાની નાળ, એકાક્ષી શ્રીફળ, શ્રી બગલામુખી યંત્ર જેવાં અન્ય શાસ્ત્ર આધારિત અસંખ્ય અગણિત યંત્રો સાથે માંત્રિક તાંત્રિક ઉપાસના અને દૈવી પ્રતિષ્ઠા કર્મ વિશેષ સાર્થક અને સિદ્ધ થાય છે.
કારતક મહિનાના કૃષ્ણ પક્ષની આઠમની તિથિ એટલે પુષ્ય નક્ષત્ર રહેશે. ગુરુવાર હોવાથી એ ગુરુપુષ્ય નક્ષત્ર કહેવાશે.
તા. 24/10/2024 ને ગુરુવારના રોજ સવારે : 11-38થી તા. 25/10/2024 ને શુક્રવારના રોજ બપોરે : 12-35 સુધી પુષ્ય નક્ષત્રનો યોગ રહેશે.
સોનું, ચાંદી, ઝવેરાત, વાહન, ચોપડા, માલમિલકત, ઓટોમોબાઇલ, ઇલેક્ટ્રોનિક સાધનો ખરીદવા માટે આ ઉત્તમ અને શ્રેષ્ઠ દિવસ છે.
પુષ્ય નક્ષત્ર શા માટે વધુ ફળદાયી છે?
શનિને કાળપુરુષની ઊર્જા અને પુરુષાર્થની પ્રેરણાના કારક ગણવામાં આવે છે. બૃહસ્પતિને આધ્યાત્મક, શિક્ષણ, જ્ઞાન અને ત્યાગના કારક ગણાવાય છે. પુષ્ય નક્ષત્રના દિવસે સર્વાર્થસિદ્ધિયોગ પણ છે. એ યોગમાં કરાયેલા સૌ પ્રકારનાં કાર્ય સિદ્ધ થયેલ ગણવામાં આવે છે એટલે સુખ-સુવિધાને ધ્યાનમાં રાખીને ખરીદી કરવાની માન્યતા છે.
લક્ષ્મી-નારાયણની પૂજાથી સમૃદ્ધિ
ગુરુપુષ્ય યોગમાં માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની પૂજાનું વિશેષ મહત્ત્વ ગણાવાયું છે. આ દિવસે માતા લક્ષ્મીને ખીર, દૂધની મીઠાઈ અને ભગવાન વિષ્ણુને તુલસીદલ, પંચામૃત, ગોળ વગેરેનો ભોગ ધરાવવાનું વિધિવિધાન છે. આ દિવસે જરૂરથી કનકધારા સ્તોત્રનો પાઠ કરવો જોઈએ. આમ, લક્ષ્મી-નારાયણની કૃપાથી ધન-સંપત્તિમાં અવશ્ય વૃદ્ધિ થાય છે.