ગોસ્વામી તુલસીદાસજી કહે છે. સદ્ગુરુનાં વચનોમાં તેઓ જે બોલ્યા હોય, એ શબ્દોમાં આશ્રિતોએ વિશ્વાસ રાખવો જોઈએ. સદ્ગુરુનાં એ જ વચન પકડી રાખો. એમાં આમતેમ ન કરો. મેં જોયું છે કે જીવનમાં કેટલાક લોકો થોડું ભણી લે છે, પછી ગુરુજનો સામે પણ પોતાના દ્વારા સુધારા વ્યક્ત કરવા લાગે છે! એ ગુરુનિષ્ઠાનો અપરાધ છે, જે માનસિક રોગ છે – કામ, ક્રોધ, લોભ, ઈષ્યા. આપણે એ બધી બીમારીથી ગ્રસ્ત છીએ. `રામાયણ’માં તો લખ્યું છે કે આ બીમારીથી મુક્ત થવા માટે આઠ ઔષધ છે. આમ તો ઘણાં ઔષધ છે, પરંતુ મુખ્ય આઠ ઔષધી છે. જપ છે, તપ છે, યજ્ઞ છે, આચાર છે, ધર્મ છે, નેમ છે.
કાગભુશુંડિ કહે છે કે ઘણા ઉપાય છે, પરંતુ રોગ જતો નથી. યાદ રાખજો, યજ્ઞ કરવાથી પણ માનસિક બીમારીનો નાશ નહીં થાય. જપ કરવાથી પણ માનસિક બીમારીનો નાશ નહીં થાય. ઘણી આચારશુદ્ધિ કરવાથી, પાંચ-પાંચ વાર સ્નાન કરવું ને એવા બધા આચારથી પણ મનોરોગનો નાશ નથી થતો. ઘણા નિયમો લઈ લઈએ, ઉપવાસ કરીએ, આમ કરીએ, તેમ કરીએ, એનાથી પણ મનોરોગનો નાશ નહીં થાય. ઘણાં બધાં વ્રત ધારણ કરવાથી પણ મનોબીમારીનો નાશ નહીં થાય. એવું કાગભુશુંડિજી કહે છે, એક બુદ્ધપુરુષ કહે છે. યોગસાધનાથી પણ પ્રાથમિકરૂપે શારીરિક બીમારીનો નાશ થશે, મનોબીમારીનો નાશ થવો બહુ જ મુશ્કેલ છે. એનો મતલબ એ બધું ન કરવું એવી કોઈ વાત નથી; ધ્યાન દેજો, કોઈ ખોટો મેસેજ ન જાય. કોઈ રોગ થાય છે ત્યારે આપણે એક ઔષધી લઈએ છીએ તો રોગ મટતો નથી, દબાઈ જાય છે.
જપ અને ભજનમાં અંતર છે. જપ સાધન છે, ભજન સાધુનો સ્વભાવ છે. કોઈ વ્યક્તિમાં ઘણો લોભ છે, તો એ લોભરૂપી રોગને મિટાવવાની ઔષધી છે દાન. તમે દાન કરી રહ્યા છો એનો મતલબ એ કે તમારો થોડો લોભ છૂટે જ છે, રોગ મટ્યો નથી. કેટલીક ઔષધી એવી હોય છે કે એક રોગને કદાચ નષ્ટ પણ કરી દે, પરંતુ ઔષધી જ એવી હોય છે કે એની એક બીજી ઈફેક્ટ થરૂ થાય છે. એ બીજો એક રોગ પેદા કરી દે છે. લોભરૂપી રોગનો નાશ દાનથી થશે, પરંતુ દાન કર્યા બાદ અહંકારનો રોગ પેદા થાય છે કે મેં દાન કર્યું. લોભ તો દબાય છે. મટતો નથી. જપ કરનારા થોડા શાંત થવા લાગે છે. એની અશાંતિની બીમારી થોડી દબાઈ જાય છે, પરંતુ જપ કરનારા પછી એમ કહે કે હું શાંત છું, બીજા જપ નથી કરતા એટલે અશાંત છે, તો એને કોઈ સાઈડ ઈફેક્ટ શરૂ થઈ જશે! ખોટું રિએક્શન પેદા થઈ જશે! મને એ બહુ સારું લાગે છે કે ગરુડને કહી દીધું, રોગ મટતો નથી અને મટશે પણ નહીં. એનો એક જ ઉપાય છે, એકમાત્ર ઔષધી છે. એ અષ્ટ ઔષધી ફેંકી દે. એનાથી રોગ દબાશે, મટશે નહીં. એનો તો એક જ ઉપાય છે –
સદ્ગુર બૈદ બચન બિસ્વાસા,
સંજમ યહ ન બિપય કે આસા
તારા સદ્ગુરુના વચનમાં તું પૂરો ભરોસો રાખ. એમણે `મરા’ કહ્યું હોય તો `મરા’ પકડી રાખ, `રામ’ કહ્યું હોય તો `રામ’ પકડી રાખ. `કૃષ્ણ’ કહ્યું હોય તો `કૃષ્ણ’ પકડી રાખ, `ક્રિષ્ના’ કહ્યું હોય તો `ક્રિષ્ના’ પકડી રાખ. ગુરુ પાસે સાક્ષર થવાની જરૂર નથી. જે બધા બહુ સાક્ષર થઈ ગયા છે, એમને મેં મારી આંખે જોયા છે કે અંતિમ સમયમાં એ બધા સંતુલન ગુમાવી બેઠા છે! એમને વિસ્મૃતિ થઈ જાય છે! કંઈનું કંઈ બોલે છે? શાસ્ત્રએ એમને ડિસ્ટર્બ કરી નાખ્યા છે.
મેં મારો અનુભવ ઘણી વાર કહ્યો છે કે હું જ્યારે દાદા પાસે `રામાયણ’ ભણતો હતો, શીખતો હતો ત્યારે `રામાયણ’નું એ જૂનું સંસ્કરણ હતું. આજના `ગીતાપ્રેસ’ના `રામચરિત માનસ’માં અને જૂના સંસ્કરણમાં ઘણો પાઠભેદ છે. ઘણી ચોપાઈઓ છે, ઘણી નથી. પાઠાંતર ખૂબ જ છે, પરંતુ હું જ્યારે શીખતો હતો ત્યારે જે પાઠ મારી સામે આવેલો એ પાઠ હું એમ જ રાખું છું. આજે `રામાયણ’નો પાઠ કરનારાઓને કદાચ એમ પણ લાગે કે બાપુ આ શબ્દને બદલે આ શબ્દ કેમ બોલે છે? એ મારું ગુરુમુખ વચન છે. મારે કોઈ પંડિત નથી થવું, મારે કોઈ શાસ્ત્રી નથી થવું. જેવા હોય તેવા ગુરુના બોલને પકડી રાખો. સમસ્ત મનોબીમારીનો એ એકમાત્ર ઉપાય છે. બાકી બધાં સાધન છે. મારી એવી શ્રદ્ધા છે એટલા માટે કહું છું, બાકી તો તમારી સૌની પોતાની માન્યતા. `ગુરુ’ શબ્દ છે, એમ અહીં શબ્દ છે `સદ્ગુરુ’. ગુરુ અને સદ્ગુરુમાં ફરક છે. ગુરુ એક વર્ગના હોય છે, સદ્ગુરુ બધાના હોય છે. ગુરુ એક વર્ગના હોય છે. જેમ કે, આ રામાનુજ સંપ્રદાયના ગુરુ છે; આ જૈન ગુરુ છે; આ બૌદ્ધ ગુરુ છે; આ સૂફી ગુરુ છે; આ ઈસાઈ ગુરુ છે; આ શીખ ગુરુ છે. ગુરુ એક વર્ગના હોય છે. જોકે, ગુરુ વિશાળ હોય છે, છતાં પણ `ગુરુ’ શબ્દનો બહુધા ઉપયોગ એ જેમને કવર કરી રહ્યા છે. એમને અનુલક્ષીને કરવામાં આવે છે. સદ્ગુરુ કોઈ ગ્રૂપના નથી હોતા. મતલબ કે ગુરુ એક વર્ગના હોય છે જ્યારે સદ્ગુરુ સમગ્ર વિશ્વના હોય છે.
ભગવાન રામ જનકપુરમાં-મિથિલામાં `સુંદરસદન’માં નિવાસ કરી રહ્યા છે. ભગવાન રામે જોયું તો જે ભવનમાં રામ ઊતર્યાં છે એની નીચે દ્વાર પર મિથિલાના દસ-પંદર વર્ષના કેટલાક યુવાન છોકરાઓ જોવાની કોશિશ કરી રહ્યા છે કે આ રાજકુમાર આવ્યા છે એ કોણ છે? રાજકીય સન્માન સાથે રામને નિવાસ અપાયો છે એટલે એ બાળકો અંદર તો નહીં આવી શકે, પરંતુ ઠાકુરે વિચાર્યું કે હું તો બહાર જઈ શકીશ અને રામે યોજના બનાવી. ધર્માત્મા જુદાં-જુદાં ક્ષેત્રોમાં જેમને મહત્તા આપે એ લોકોએ એવો સંકલ્પ કરવો જોઈએ કે છેવાડાના લોકો જે આપણી પાસે નથી આવી શકતા, પરંતુ આપણે તો સ્વતંત્ર છીએ, કમ સે કમ આપણે એની પાસે જઈએ. એ રામનો મંત્ર છે. સમજદાર માણસે યોજના કરીને સમાજના અંતિમ વ્યક્તિ પાસે પહોંચવું જોઈએ. તો ભગવાન રામે યોજના બનાવી.
ભગવાન રામ વિશ્વામિત્રજીને કહે છે કે હે નાથ, લક્ષ્મણ નગર જોવા માગે છે. તો વિશ્વામિત્રજીએ કહ્યું કે, લક્ષ્મણની ઈચ્છા હોય તો લક્ષ્મણ જોઈ આવે. રામજીએ કહ્યું, ભગવન, એ એકલો જશે તો આટલી મોટી નગરીમાં ક્યાંક રસ્તો ભૂલી જશે, એટલે હું જાઉં અને એને નગર બતાવીને લઈ આવું. તો ભગવાનની એ પણ કરુણા છે કે જીવ પરમાત્માની આંખે સંસાર જોશે તો ક્યારેય ભૂલ નહીં કરે. આ સંસાર જોવાલાયક છે, આ જગત સુંદર છે, પરંતુ કોઈ બુદ્ધપુરુષની આખેથી જોવામાં આવે તો અને બુદ્ધપુરુષનું એક લક્ષણ છે, સદ્ગુરુનું એક લક્ષણ છે, એ દૃષ્ટિ આપે છે કે આવી રીતે જુઓ.
સ્વામી રામતીર્થ બેઠા હતા અને એક અંધ માણસ ત્યાંથી નીકળ્યો. એણે કહ્યું, બાબા, મને રસ્તો બતાવો; મારે રેલવે સ્ટેશન જવું છે. સ્વામીજીએ જોયું જ નહીં. બીજી વાર પૂછ્યું, હું અંધ છું, મારે રેલવે સ્ટેશન પહોંચવું છે; મને રસ્તો બતાવો. સ્વામીજી કંઈ ન બોલ્યા. એ વખતે એક તોફાની યુવાન નીકળ્યો. એણે કહ્યું, મહાત્મા થઈને જગતની રોટી ખાઓ છો, આટલું કામ પણ નથી કરતા? આ બિચારો અંધ કહી રહ્યો છે કે મને રસ્તો બતાવો અને તમે રસ્તો નથી બતાવતા? સાધુનું કામ તો માર્ગદર્શન કરવાનું છે.
સ્વામીજીએ કહ્યું, હું રસ્તો નથી બતાવતો, હું દૃષ્ટિ આપું છું કે જિંદગીમાં બીજી વાર એને પૂછવું જ ન પડે: એ પોતાની આંખે રસ્તો શોધી લે. ગુરુ-સદ્ગુરુનું કામ છે દૃષ્ટિ આપવાનું, આંખ આપવાનું.