- જ્ઞાનવાપી કેસમાં ASIએ સરવે રિપોર્ટ ફાઇલ ન કર્યો
- વધુ સમય માટે કોર્ટ પાસે કરી માંગ
- અધિકારીની તબિયત ખરાબ થતા એક સપ્તાહનો સમય માગ્યો
જ્ઞાનવાપી કેસમાં ASIએ ફરી એકવાર સર્વે રિપોર્ટ ફાઈલ ન કર્યો અને કોર્ટ પાસે વધારે સમયની માગ કરી છે. જિલ્લા જજ ડૉ. કૃષ્ણ વિશ્વેષે અદાલતમાં સુનાવણી થાય તે પહેલા જ એએસઆઇએ વધુ સમય આપવા માટેની અરજી કરી છે. પહેલા પણ ASI સર્વે રિપોર્ટની સમયમર્યાદા ત્રણ વખત લંબાવવામાં આવી હતી.. ત્યાર બાદ ASIએ રિપોર્ટ તૈયાર ન હોવાનું ટાંક્યું હતું, પરંતુ આ વખતે સંબંધિત અધિકારીની તબિયત સારી ન હોવાનું ટાંકીને વધુ એક સપ્તાહનો સમય આપવાની માંગણી કરવામાં આવી હતી. કોર્ટે ASIની અરજી સ્વીકારી છે અને આગામી તારીખ 18મી ડિસેમ્બર આપી છે.
અધિકારીની તબિયત બગડી
ASI વતી કેન્દ્રના સ્થાયી સરકારી વકીલ અમિત શ્રીવાસ્તવે કોર્ટમાં અરજી દાખલ કરી હતી. જેમાં તેમણે કહ્યું કે સારનાથના અધિક્ષક પુરાતત્વવિદ્ અવિનાશ મોહંતીનું બ્લડ પ્રેશર અચાનક વધી ગયું છે અને તેઓ બીમાર થઈ ગયા છે, તેથી તેઓ કોર્ટમાં હાજર થઈને રિપોર્ટ દાખલ કરવામાં અસમર્થ છે. આ પહેલા 30 નવેમ્બરે કોર્ટે રિપોર્ટ દાખલ કરવા માટે 10 દિવસનો સમય આપ્યો હતો. આપેલ મુદતમાં રિપોર્ટ દાખલ કરી દેવાનું પણ જણાવાયું હતું.
28 નવેમ્બરે પણ ASIએ અરજી કરી હતી
મહત્વનું છે કે 28 નવેમ્બરના રોજ સ્થાયી સરકારી વકીલે ASIની અરજી દાખલ કરી હતી, જેમાં જ્ઞાનવાપી મસ્જિદના વૈજ્ઞાનિક સર્વેક્ષણ પર અહેવાલ રજૂ કરવા માટે ત્રણ અઠવાડિયાનો સમય માંગ્યો હતો. એવું કહેવામાં આવ્યું હતું કે ASI નિષ્ણાતો ડેટાનું વિશ્લેષણ કરવા માટે સખત મહેનત કરી રહ્યા છે. વિવિધ નિષ્ણાંતો અને નિષ્ણાતોના કાર્યના આધારે તારણો તપાસવા, સહસંબંધિત કરવા અને સંકલિત કરવા માટે ઘણી મહેનત કરવામાં આવી છે પરંતુ વિગતવાર સર્વેક્ષણ અહેવાલ પૂર્ણ કરવામાં અને તૈયાર કરવામાં થોડો વધુ સમય લાગશે. ત્યારબાદ સુનાવણી દરમિયાન જ્ઞાનવાપી મસ્જિદનું સંચાલન કરતી અંજુમન ઈન્તેઝામિયા મસ્જિદ કમિટીના વકીલ અખલાક અહેમદે ASIની અરજી સામે સખત વાંધો વ્યક્ત કર્યો હતો. તેણે કહ્યું હતું કે ASI કોઈ નક્કર કારણ વગર વારંવાર સમય માંગી રહ્યા છે.


