- અમેરિકા 2024માં વિવિધ કેટેગરીઓમાં વિઝા ફી વધારી શકે છે
- H1-B પ્રિ-રજિસ્ટ્રેશન ફી હાલના 10 ડોલરથી વધીને 215 ડોલર
- ગ્રીન કાર્ડની ફી 640થી 760 ડોલર કરવા પ્રસ્તાવ
2024ના વર્ષમાં અમેરિકા માટેની ઇમિગ્રેશન ફીમાં વધારો થઇ શકે છે. આ વર્ષની શરૂઆતમાં, યુનાઇટેડ સ્ટેટ્સ સિટિઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસીસે (USCIS) ઇમિગ્રેશન સેવાઓની ફી અને અમુક અન્ય ઇમિગ્રેશન લાભોમાં ફેરફાર અંગેની દરખાસ્ત રજૂ કરી હતી. દરખાસ્તમાં યુએસ ઇમિગ્રેશન સત્તાવાળાઓ દ્વારા વસૂલવામાં આવતી ફીમાં અનેકગણો વધારો કરવા પણ ભલામણ કરાઇ છે. USCISએ જાન્યુઆરી, 2023 માં ઇમિગ્રેશન ફાઇલિંગ ફીમાં નોંધપાત્ર વધારાની દરખાસ્ત કરી હતી, જે માટે પબ્લિક કમેન્ટ પિરિયડ 13 માર્ચ, 2023ના રોજ પૂરો થતો હતો. ભારે ટીકા વચ્ચે ઇમિગ્રેશન ફાઇલિંગ ફીમાં વધારાનો અમલ મુલતવી રખાયો હતો સ્થગિત કરવામાં આવ્યો છે, જે હવે 2024ની શરૂઆતમાં થવાની ધારણા છે. જો તેનો અમલ થશે તો ઘણી ઇમિગ્રેશન કેટેગરીઓ પર મોટી અસર થશે. H-1B પ્રિ-રજિસ્ટ્રેશન ફીમાં 2050%નો તોતિંગ વધારો થઇ શકે છે. આ ફી 10 ડોલરથી વધીને 215 ડોલર થઇ શકે છે જ્યારે H-1B વિઝા અરજી ફી 460 ડોલરથી 70% વધીને 780 ડોલર થઇ શકે છે. ઇમિગ્રેશન ફીમાં વધારાની અસર ગ્રીન કાર્ડ માટેની અરજીઓ પર પણ થશે. ગ્રીન કાર્ડની અરજી માટેની ફી 640 ડોલરથી 19% વધારીને 760 ડોલર કરવાનો પ્રસ્તાવ છે. આ પ્રકારના વધારાથી ભારતીય વિઝા વાંચ્છુઓ અને આ વિઝાને સ્પોન્સર કરનારા એમ્પ્લોયર્સ પર નાણાકીય અસરો પડશે. ઊંચી ફી વિઝા અરજી પ્રક્રિયાના એકંદર ખર્ચમાં વધારો કરી શકે છે, જે વ્યક્તિઓ અને કંપનીઓ બંનેને અસર કરે છે. તેમાં પ્રારંભિક અરજી, એક્ષ્ટેન્શન તથા અન્ય સંબંધિત પ્રક્રિયાઓ સાથે સંકળાયેલા ખર્ચનો પણ સામેલ હોઇ શકે છે.
વાર્ષિક 4.5 અબજ ડોલરની ફી રેવન્યૂ જનરેટ થઈ શકે
USCISના જણાવ્યાનુસાર તેનું વર્તમાન ફી શેડયૂલ નાણાવર્ષ 2022 અને 2023 (પ્રીમિયમ પ્રોસેસિંગ સહિત)માં વાર્ષિક સરેરાશ 3.28 અબજ ડોલર રહ્યાના અંદાજ સામે વાર્ષિક સરેરાશ 4.5 અબજ ડોલરની ટોટલ ફી રેવન્યૂ જનરેટ કરે તેવી ધારણા છે. જોકે પ્રસ્તાવિત ફી રુલનો ઉદ્દેશ વર્તમાન બેઝલાઇનની સરખામણીમાં દર વર્ષે વધારાના 1.9 અબજ ડોલર જનરેટ કરવાનો છે.


