વાળ સિલ્કી અને લાંબા હોય તેવું દરેક યુવતીઓ ઇચ્છે છે. છોકરીઓ હોય કે છોકરા પોતાના દેખાવને વધુ સુંદર બનાવવા વાળ માટે વધુ પઝેસિવ હોય છે. યુવતીઓમાં વાળ ખરવા અને ખોડાની વારંવાર ફરિયાદ રહેતી હોય છે. વાળની સંભાળ માટે બ્રાન્ડેડ શેમ્પુ અને હેર ઓઈલનો ઉપયોગ કરે છે. છતાં પણ વાળ તૂટવા લાગે છે અને રેશમી વાળ શુષ્ક થવા લાગે છે. હેર એક્સપર્ટે કહ્યું કે કયારેક નાની બાબતોની અવગણના અને આપણી કેટલીક ભૂલો વાળ સંબંધિત આ સમસ્યાનું કારણ બને છે.
વાળ સંબંધિત સમસ્યાનું કારણ
યુવતીઓ વાળનો ગ્રોથ વધારવા અને વાળ રેશમી બનાવવા જાતજાતના નુસખા કરે છે. સોશિયલ મીડિયામાં આવતી ખોટી જાહેરાતોથી પ્રેરાઈને વાળની કાળજી લેવા મોંઘી પ્રોડકટનો ઉપયોગ કરે છે. તો કયારેક ઘરેલુ નુસખામાં ગરમ પાણીથી વાળ ધોવા અને હોટ ટોવેલ ટ્રીટમેન્ટ કરે છે. આ વસ્તુઓ વાળને વધુ નુકસાન પહોંચાડે છે. તીવ્ર સૂર્યપ્રકાશના સંપર્કમાં આવવા અને પ્રોટીનની ઉણપને કારણે પણ વાળ ખરવા, નિર્જીવ અને ફાટેલા છેડા જેવી સમસ્યા થઈ શકે છે. આ સિવાય રાત્રે સૂતી વખતે વાળ સંબંધિત કેટલીક બાબતોનું ધ્યાન રાખવું પણ મહત્વપૂર્ણ છે, નહીં તો વાળ ખરવા જ નહીં, પણ તૂટવાનું કારણ પણ બની શકે છે.
વાળની સંભાળ માટે આ બાબતનું રાખો ધ્યાન
રાત્રે સૂતી વખતે કરાતા કેટલાક કામો વાળની સમસ્યાનું કારણ બને છે. તમે જે ઓશિકા પર માથું રાખો છો તે સુતરાઉ કાપડથી બનેલું હોય પરંતુ તેનું કવર ફેબ્રિકનું હોય તો વાળ માટે હાનિકારક છે. કારણ કે ફેબ્રિકમાં લિન્ટ હોય છે જેના કારણે વાળમાં ગૂંચ પડે છે અને તે દૂર કરવા જતા વાળ તૂટવા લાગે છે. દરરોજ તમે ટાઈટ હેરસ્ટાઈલ કરીને સૂઇ જવાથી તણાવ વધે છે અને વાળ નબળા પડે છે. વાળ ટૂંકા હોય ખુલ્લા રાખીને સૂઈ શકો છો પરંતુ લાંબા વાળ હોય તો ખુલ્લા રાખીને સૂવાથી વાળ ગૂંચવાઈ જશે. રાત્રે સૂતા પહેલા સ્નાન કરતા હોવ અને ભીના વાળ રાખી સૂઈ જશો તો માથામાં ઠંડી ઘૂસી જતા શરદીની સંભાવના વધે છે. વાળની સંભાળ રાખવા રાત્રે સૂતી વખતે ચોક્કસ કપડાની ટોપી પહેરો. રેશમી ટોપી પર પહેરવાથી વાળને ફાયદો થશે.