મહિલાઓની સુંદરતમાં ચહેરાની સાથે જ વાળ પણ એટલા જ મહત્વના છે. એકરીતે કહી શકાય કે વ્યક્તિત્વની ઓળખમાં વાળ મહત્વપૂર્ણ છે. આજે ફરી પાછા યુવતીઓમાં લાંબા વાળની ફેશન ફરી ટ્રે્ન્ડમાં જોવા મળી છે. લાંબા વાળ કરવા મોટાભાગની યુવતીઓ વાળ માટે નારિયેળ તેલનો ઉપયોગ કરે છે. પરંતુ કયારેક બહુ પ્રયાસ બાદ પણ સારું પરિણામ મળતું નથી. ત્યારે વર્ષો જૂનો દાદી-નાનીનો નુસખો વધુ અસરકાર સાબિત થાય છે.
શિકાકાઈમાં અનેક પોષકતત્ત્વો
ભારતમાં વર્ષો પહેલા લોકો વાળ માટે શિકાકાઈ સાબુ અને શિકાકાઈ તેલનો ઉપયોગ કરતા હતા. આ શિકાકાઈ એક ઔષધિ છે વાળની સાથે ત્વચા માટે પણ ફાયદાકારક છે. શિકાકાઈનું ઝાડ નાના કાંટાથી ભરેલું છે અને મધ્ય અને દક્ષિણ ભારતમાં જોવા મળે છે. શિકાકાઈમાં અનેક પોષક તત્વો રહેલા છે. તેમાં એન્ટીઑકિસડન્ટ અને વિટામિન A, વિટામિન C, વિટામિન K અને વિટામિન D જેવા પોષકતત્વો હોવાના કારણે વાળના વિકાસમાં અને ખોડા જેવી સમસ્યામાં વધુ ફાયદાકારક સાબિત થાય છે.
શિકાકાઈ તેલ અને શેમ્પૂ બંને વાળની સમસ્યાઓ દૂર કરવામાં અસરકારક માનવામાં આવે છે
શિકાકાઈ તેલના ફાયદા
- શિકાકાઈમાં પોષકતત્વો હોવાના કારણે વાળના વિકાસ કરવામાં મદદરૂપ બને છે. એટલે જ જ્યારે માથાના સ્કાલ્પમાં શિકાકાઈનું તેલ લગાવવામાં આવે વાળનો ગ્રોથ સારો થાય છે. તેમાં એન્ટીઑકિસડન્ટ હોય છે, જે તમારા વાળ અને ખોપરી ઉપરની ચામડીને નુકસાન પહોંચાડતા મુક્ત રેડિકલ સામે લડવામાં મદદ કરે છે.
- એન્ટિફંગલ ગુણધર્મો રહેલા હોવાના કારણે શિકાકાઈનું તેલ વાળમાં ખોડાની સમસ્યા દૂર કરશે.આ તેલ શુષ્ક વાળ અને વારંવાર થતી ખંજવાળ ઘટાડશે. તેમજ વાળના ફોલિકલ્સમાં અવરોધ જેવી સમસ્યાઓને અટકાવશે અને વાળનો વિકાસ કરશે.
- માથામાં તમને વારંવાર ચામડી ઉપર ખંજવાળ આવતી હોય છે. ત્યારે શિકાકાઈનો ઉપયોગ ફાયદાકારક રહેશે. તેમાં એન્ટી-બેક્ટેરિયલ અને એન્ટિફંગલ ગુણધર્મો છે, જે ખોપરી ઉપરની ચામડીમાં બળતરા ઘટાડીને સ્વાસ્થ્યને સુધારે છે.
આ રીતે કરો શિકાકાઈ તેલનો ઉપયોગ
વાળને મજબૂત અને ગ્રોથ કરવા તેમજ સ્વસ્થ રાખવા તમે શિકાકાઈનો આ રીતે ઉપયોગ કરો. તેનો હેર માસ્ક બનાવવાની વાળમાં લગાવી શકો છો. હેર માસ્ક બનાવવા શિકાકાઈ પાવડરમાં આમળા પાવડર અને અરીઠા પાવડરનું મિશ્રણ કરો. પછી આ મિશ્રણમાં 2 ઈંડા, 2-3 ચમચી લીંબુનો રસ અને થોડું હૂંફાળું પાણી મિક્સ કરો. ત્યારબાદ આ મિશ્રણ એટલે હેર માસ્કને વાળ અને વાળના છેડા પર લગાવો. લગભગ 30 મિનિટ પછી, જ્યારે તે સુકાઈ જાય, ત્યારે તેને ધોઈ લો. આ પછી, વાળને કન્ડિશનર કરો.
Disclaimer: આ માહિતી માત્ર જાણકારી માટે છે, સંદેશ તેની પુષ્ટિ કરતું નથી. કોઈપણ ઉપચાર કરતા પહેલા નિષ્ણાંતની મદદ લેવી જરૂરી છે.