- સાઉદી અરેબિયા ગયેલા 550 શ્રદ્ધાળુઓના મોતના સમાચાર
- માર્યા ગયેલા લોકોમાં 323 નાગરિકો ઇજિપ્તના અને 60 જોર્ડનના છે
- મક્કાની ગ્રાન્ડ મસ્જિદના શેડમાં તાપમાન 51.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું
હજ માટે સાઉદી અરેબિયા ગયેલા 550 શ્રદ્ધાળુઓના મોતના સમાચાર છે જેનું કારણ ભીષણ ગરમી હોવાનું કહેવાય છે. સાથે જ ગરમીના કારણે હજારો યાત્રાળુઓ બિમાર છે. એવું નથી કે સાઉદીમાં ગરમીના કારણે મોતના આ પ્રથમ સમાચાર છે. ગત વર્ષે પણ ગરમીના કારણે 240 હજ યાત્રીઓએ જીવ ગુમાવ્યા હતા પરંતુ આ વર્ષે મૃત્યુઆંક ઘણો વધારે છે. અહેવાલના અનુસાર, માર્યા ગયેલા લોકોમાં 323 નાગરિકો ઇજિપ્તના અને 60 જોર્ડનના છે. સાથે જ સાઉદીમાં સતત ગરમી વધી રહી છે અને જેના કારણે હજ કરવી ખૂબ જ મુશ્કેલ બની રહી છે.
હજ અશક્ય બની જશે
સાઉદી અહેવાલ મુજબ, મક્કાની ગ્રાન્ડ મસ્જિદના શેડમાં સોમવારે તાપમાન 51.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. ટ્રાવેલ એન્ડ મેડિસિન જર્નલના 2024ના સંશોધન મુજબ, વધતું વૈશ્વિક તાપમાન ગરમીનો સામનો કરવા માટે સમગ્ર વિશ્વમાં બનાવવામાં આવી રહેલી વ્યૂહરચનાઓથી આગળ નીકળી શકે છે. તેની સીધી અસર સાઉદી જેવા દેશો પર વધુ પડશે. જીઓફિઝિકલ રિસર્ચ લેટર્સમાં 2019ના અભ્યાસમાં જણાવાયું છે કે સાઉદી અરેબિયામાં હવામાન પરિવર્તનને કારણે તાપમાનમાં વધારો થતાં યાત્રાળુઓને વધુ જોખમનો સામનો કરવો પડશે. વર્તમાન પરિસ્થિતિને જોતા કેટલાક નિષ્ણાતો એવો પણ દાવો કરી રહ્યા છે કે હવે ઓછામાં ઓછા વૃદ્ધો માટે હજ કરવી અશક્ય બની જશે.
આ વર્ષે હજ પર જનારા લોકોની સંખ્યા 20 લાખને વટાવી ગઈ છે. દર વર્ષે લાખો લોકો ત્યાં જાય છે પરંતુ વધતા તાપમાને હાજીઓની મુશ્કેલીમાં વધારો કર્યો છે. 50થી ઉપરના તાપમાને વૃદ્ધો માટે મુશ્કેલી સર્જી છે. જો કે, સાઉદી પ્રશાસને આ અંગે પહેલાથી જ એડવાઈઝરી જારી કરી દીધી હતી. તમામ હાજીઓને છત્રીનો ઉપયોગ કરવા અને સતત પાણી પીવાની સલાહ આપવામાં આવી હતી. આ પછી પણ મોટી સંખ્યામાં હાજીઓ બીમાર પડ્યા હતા.


