સાવરકુંડલા-રાજકોટના 3૨ હજયાત્રીઓ સાથે રૂ.૨૧.૭૯ લાખની ઠગાઈ કરતો ટૂર અજન્ટ
રમઝાન માસમાં મક્કા-મદીના લઈ જવાની લાલચ આપી મુંબઈની ટૂર કંપનીની છેતરપીંડી
અગ્ર ગુજરાત, સાવરકુંડલા
સાવરકુંડલા શહેરમાં પવિત્ર રમઝાન માસ દરમિયાન ઉમરા જ્યારત માટે મક્કા-મદીના લઈ જવાની લાલચ આપી લાખો રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી હોવાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. મુંબઈ સ્થિત ટૂર કંપની દ્વારા આ ટૂરનું આયોજન બતાવી સાવરકુંડલા અને રાજકોટના કુલ 32 હાજીઓ પાસેથી રૂપિયા 21.79 લાખ વસૂલ કરી આરોપીઓ ફરાર થઈ ગયા હોવાનું બહાર આવ્યું છે.
મળતી માહિતી મુજબ સાવરકુંડલાના આસીફભાઈ ઇબ્રાહિમભાઈ ચૌહાણ (ઉ.વ.35)ને મુંબઈની VOCO TRIPS LLP ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ દ્વારા રમઝાન માસ દરમિયાન સાઉદી અરેબિયાના મક્કા-મદીના ખાતે ઉમરા જ્યારત માટે વિશેષ ટૂર પેકેજ અંગે માહિતી આપવામાં આવી હતી. કંપની દ્વારા પ્રતિ વ્યક્તિ આશરે રૂ.1.20 લાખથી રૂ.1.50 લાખ સુધીના ખર્ચે ટૂર કરાવવામાં આવશે તેવી લોભામણી સ્કીમ રજૂ કરવામાં આવી હતી.
આ સ્કીમથી પ્રભાવિત થઈ આસીફભાઈએ સાવરકુંડલા તેમજ રાજકોટના લોકોને આ અંગે જાણ કરી હતી. ત્યારબાદ ઉમરા જ્યારત માટે 23 સાવરકુંડલાના અને 9 રાજકોટના એમ કુલ 32 લોકોએ નોંધણી કરાવવાનું નક્કી કર્યું હતું. હાજીઓએ ટિકિટ અને પ્રવાસ ખર્ચ તરીકે રૂ.1.20 લાખથી રૂ.1.50 લાખ સુધીની રકમ આસીફભાઈને જમા કરાવી હતી, જે રકમ તેમણે ઓનલાઇન ટૂર આયોજકોના ખાતામાં ટ્રાન્સફર કરી હતી. આમ કુલ રૂ.21.79,910 જેટલી રકમ કંપનીને ચુકવવામાં આવી હતી.
જો કે, પ્રવાસની તારીખ નજીક આવતાં તમામ પ્રવાસીઓ દ્વારા ટિકિટ અને વિઝા અંગે પૂછપરછ કરવામાં આવતા આયોજકો દ્વારા વારંવાર વિઝા પ્રક્રિયા ચાલુ હોવાનું કહી સમય પસાર કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ટૂર શરૂ થવાની તારીખના એક દિવસ અગાઉ આસીફભાઈ મુંબઈ સ્થિત કંપનીની ઓફિસે પહોંચ્યા હતા, પરંતુ ત્યાં ઓફિસ બંધ મળી આવી હતી. આસપાસ તપાસ કરતાં કંપનીના સંચાલકો ઓફિસ બંધ કરી ફરાર થઈ ગયા હોવાનું જાણવા મળ્યું હતું.
આ ઘટના બાદ આસીફભાઈને પોતે તથા અન્ય હાજીઓ સાથે છેતરપિંડી થઈ હોવાની ખાતરી થતાં તેઓ સાવરકુંડલા પરત ફર્યા અને સમગ્ર મામલે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે આરોપી જાહીદ ઇશ્તીઆક અહમદ તથા મલીક અમજદ ઇશ્તીઆક અહમદ (રહે. મલવાણી, મલાડ પશ્ચિમ, મુંબઈ) વિરુદ્ધ વિશ્વાસઘાત અને છેતરપિંડીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ દ્વારા આરોપીઓની શોધખોળ શરૂ કરવામાં આવી છે અને પીડિત યાત્રીઓને ન્યાય મળે તે માટે કાનૂની કાર્યવાહી આગળ વધારવામાં આવી રહી છે.
મુંબઈના બન્ને શખ્સોએ અમરેલી જિલ્લામાંથી અને રાજકોટ જિલ્લામાંથી યાત્રીઓને શોધવા માટે સાવરકુંડલાના આસિફભાઈ ઇબ્રાહીમભાઇ ચૌહાણની નિમણૂક કરી હતી. તેઓ યાત્રાના બે દિવસ અગાઉ મુંબઈની ઓફિસે પહોંચ્યા ત્યારે ત્યાં તાળા લાગેલા હતા. આરોપી અમજલ મલિક. લોકો મુંબઇ સ્થિત ઓફીસે ગયા તો ઓફિસને તાળા લાગ્યા હતાં.


