- નાના વેપારીઓને હટાવીને પાલિકાએ જાણે સફાયો કર્યો હોય તેવો ઘાટ
- શહેરમાં કેટલાક ગેરકાયદે પાકા દબાણો જૈસે થે છતાંય હટાવવાની ફૂરસદ નથી
- દબાણોમાં માત્રને માત્ર નાના વેપારીઓ ના દૂર કરવામાં આવતા
હળવદ નગરપાલિકા દ્વારા શહેરમાં ગેરકાયદેસર દબાણ હટાવવા જાણે આળસ મરડી હોય તેમ શહેરની સરા ચોકડીએ દબાણ હટાવવાની કામગીરી પોલીસ બંદોબસ્ત સાથે હાથ ધરી હતી. પરંતુ આ દબાણોમાં માત્રને માત્ર નાના વેપારીઓ ના દૂર કરવામાં આવતા રોષ ફેલાયો હતો. સાથે શહેરના અમુક મોટા ગજાના માણસોના ગેરકાયદે દબાણો હટાવ્યા નહીં હોવાનો આક્ષેપ લોકો કરી રહ્યા છે.
હળવદ નગરપાલિકા ટીમ દ્વારા ગેરકાયદેસર દબાણકારોને અલ્ટીમેટમ આપવામાં આવ્યું હતું. પરંતુ તેમ છતાં દબાણ દૂર નહીં થતા આખરે જેસીબી જેવા મશીન સાથે નગરપાલિકા દ્વારા દબાણ દૂર કરવામાં આવ્યા છે. પરંતુ નગરપાલિકા માત્ર નાના વેપારીઓના જ લારી ગલ્લા ઉપાડયા હોવાનો ગણગણાટ પણ શરૂ થઈ ગયો છે અને નગરપાલિકા સામે વેપારીઓમાં અસંતોષ પણ જોવા મળી રહ્યો છે. જોકે નગરપાલિકાની ટીમ ચંદ્રપાર્ક પાસેથી જ પાછી વળી જતા નગરપાલિકાની કામગીરી સામે પણ સવાલો ઉઠી રહ્યાં છે. મહત્વનું છે કે, સરા ચોકડી પાસે આવેલી ચંદ્રપાર્ક સોસાયટીના ગેટ પાસે જ ગેરકાયદેસર બિલ્ડીંગ ઉભુ કરી દેવામાં આવ્યું હોવાનો ચંદ્રપાર્ક સોસાયટીના રહીશો દ્વારા આરોપ લગાવવામાં આવ્યો છે અને તે માટે રહીશોએ વારંવાર નગરપાલિકામાં લેખિત અને મૌખિક રજૂઆત પણ કરી હોવાનું આ વિસ્તારના લોકો જણાવી રહ્યા છે.આ અંગે હળવદ નગરપાલિકાના ચીફ્ ઓફ્સિર તુષાર ઝાલરિયા જણાવ્યું હતું કે ગેરકાયદે દબાણ કરનાર કોઈપણ વ્યક્તિઓને છોડવામાં નહીં આવે અને ગેરકાયદેસર બાંધકામો દૂર કરવામાં આવશે.


