- બે મહિના કરતાં વધુ સમય થયો છતાં ફી કમિટીના સભ્યોની નિમણૂક નહીં
- FRCના ત્રણ સભ્યોની મુદત પૂર્ણ થઈ, નવા સભ્યો વિના પ્રક્રિયા જ સ્થગિત
- કુલ 71 ખાનગી સ્કૂલોની ફાઈનલ ફી હજુ સુધી નક્કી જ થઈ નથી
અમદાવાદ ઝોનની ફી નિર્ધારણ કમિટીના ત્રણ સભ્યોની મુદત પૂર્ણ થયાને 2 મહિના કરતાં વધુ સમય થઈ ગયો હોવા છતાં નવા સભ્યોની નિમણુક કરવામાં આવી નથી. નવા સભ્યોની નિમણુક ન થતાં ખાનગી સ્કૂલોની ફી નક્કી કરવાની પ્રક્રિયા જ સ્થગિત થઈ ગઈ હોવાનું સુત્રો પાસેથી જાણવા મળ્યું છે. સુત્રો પાસેથી મળતી વિગતો મુજબ ચાલુ શૈક્ષણિક વર્ષ કે જેનું એક સત્ર પૂર્ણ થઈ ગયુ છે અને બીજા સત્રનો પણ પ્રારંભ થઈ ગયો છે, જેની કુલ 71 ખાનગી સ્કૂલોની ફાઈનલ ફી હજુ સુધી નક્કી જ થઈ નથી. જેમાં 16 ખાનગી સ્કૂલો એવી જે કે જેમણે દરખાસ્ત કરેલી છે જ્યારે 55 સ્કૂલો એફિડેવિટવાળી હોવાનું જાણવા મળ્યું છે.
ખાનગી સ્કૂલોની ફી નક્કી કરવા માટે અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ એમ કુલ ચાર ઝોનની ફી નિર્ધારણ કમિટીઓ નિમવામાં આવેલી છે. અમદાવાદ ઝોનની ફી નિર્ધારણ કમિટીમાં અમદાવાદ શહેર અને ગ્રામ્ય, ગાંધીનગર, મહેસાણા, પાટણ, સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી, બોટાદ અને કચ્છનો સમાવેશ થાય છે. જે ખાનગી સ્કૂલોએ કાયદામાં નક્કી કરેલા ફીના સ્લેબ કરતાં વધુ ફી વસુલવી હોય તેમણે દરખાસ્ત કરવાની હોય છે જ્યારે સ્લેબ કરતાં ઓછી ફી વસૂલનારી સ્કૂલોએ એફિડેવીટ કરવાની હોય છે. હાલમાં 16 સ્કૂલોએ કે જેમણે શૈક્ષણિક વર્ષ-2023-24 માટે ફી વધારો કરવાની દરખાસ્ત કરેલી છે. આ સ્કૂલોની હજુ સુધી ફાઈનલ ફી મંજુર થઈ નથી અને બીજી તરફ અડધુ વર્ષ પૂર્ણ થઈ ગયુ છે. જેથી આ સ્કૂલોએ અત્યો મનફાવે તેટલી ફી વસુલી હોવાના આક્ષેપો થયાં છે. બીજી તરફ 55 સ્કૂલોએ એફિડેવિટ કરેલ છે. જોકે હાલમાં ત્રણ સભ્યોની મૂદત પૂર્ણ થયાને 2 મહિના કરતાં વધુ સમય થયો હોવા છતાં નવા સભ્યોની નિયુક્તિ થઈ નથી. એવી પણ માહિતી મળે છે કે, જૂના સભ્યો રિપીટ થવા માટે હવાતીયા મારી રહ્યાં છે.
ફી નિર્ધારણનો કાયદો બન્યાના એક વર્ષ સુધી ખાનગી સ્કૂલો પર ફી બાબતે સરકારનો અંકુશ જણાયો હતો. પરંતુ તે પછી FRC અને સરકાર બંનેએ ઢીલું છોડતાં સંચાલકોની મનમાની બેફામ બની ગઈ હતી.


