- ઘરધણી ગામડે વેકેશન કરવા ગયા અને તસ્કર ટોળકીનો હાથફેરો
- ચડ્ડી-બનિયાનધારી બે તસ્કરો રહીશો જાગી જતા અને બંનેને પડકારતા નાસી છુટયા હતા
- અને રાત્રિના સમયે પોલીસ દ્વારા આ વિસ્તારમાં પેટ્રોલિંગ કરવામાં આવે તેવી માંગ કરી હતી.
હળવદ શહેરમાં અગાઉ થયેલી ઘરફેડ ચોરીના ભેદ સ્થાનિક પોલીસ આજદિન સુધી ઉકેલી શકી નથી. ત્યારે ગુરુવારે રાત્રે રાણેકપર રોડ પર આવેલ રામવિલા બંગ્લોઝમાં બનિયાનધારી ટોળકી ત્રાટકી હતી. અને બે મકાનના તાળા તોડયા હતા.જેમાં એક ઘરમાંથી રૂ. 1.20 લાખની રોકડ રકમ, સોનાની ત્રણ વીંટી, ચેઈન, કાંડીયા અને ચાંદીના સાકરા લઈ ગયા છે. જ્યારે અન્ય એક ઘરમાં કાંઈ ગયું ન હોવાનું સામે આવ્યું છે. બીજી તરફ્ આ તસ્કર ટોળકી અન્ય મકાનોને નિશાન બનાવે તે પહેલાં જ સોસાયટીના રહીશો જાગી જતા તસ્કરો નાસી છૂટયા હતા.
ચોરીના બનાવની વધુમાં મળતી વિગતો મુજબ રામવિલા બંગલોઝ-1 અને 2માં ગુરુવારે રાત્રિના સુમારે ચડ્ડી બનિયાનધારી ગેંગના બે શખ્સો ત્રાટક્યા હતા અને રામવિલા બંગ્લોઝ એકમાં રહેતા રવિરાજસિંહ નરેન્દ્રસિંહ જાડેજા કે જેઓ હાલ ગામડે વેકેશન કરવા પરિવાર સાથે ગયા હોય ઘરે કોઈ ન હોય તેઓના ઘરનું તાળું તોડી ઘરમાં રહેલ રૂ. 1.20 લાખ રોકડ અને ત્રણ સોનાની વીંટી, કાંડિયા,તેમજ એક ચેનઈ મળી ત્રણેક તોલા જેટલું સોનું અને ચાંદીના સાંકરા તસ્કરો લઈ ગયા છે. જ્યારે રામલીલા બંગ્લોઝ-2માં રહેતા શિવદાન ગોવિંદભાઈ ટાપરિયાના ઘરનું પણ તાળું તોડી તસ્કરોએ અંદર પ્રવેશ કર્યો હતો. જોકે આ ઘરેથી કાંઈ જ હાથ લાગ્યું ન હતું. બીજી તરફ્ તસ્કરો અન્ય મકાનોને નિશાન બનાવે તે પહેલાં સોસાયટીમાં રહેતા લોકો જાગી જતા ચડ્ડી અને ગંજી પહેરેલા બે શખ્સોને પડકારતા ત્યાંથી ભાગી છુટયા હતા. બનાવને પગલે ટાઉનબીટ જમાદાર સતિષભાઈ ભરવાડ, સર્વેલન્સ સ્કોવડના અજીતસિંહ સિસોદિયા, બિપીનભાઈ પરમાર સહિતના પોલીસ જવાનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને તસ્કરોનુ પગેરું મેળવવા જુદી જુદી દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે. બીજી તરફ્ સોસાયટીના રહીશો જણાવી રહ્યા છે કે અહીં 85 પરિવારો રહેતા હોય જેથી હોમગાર્ડ જવાનોનો પોઇન્ટ ફળવવામાં આવે અને રાત્રિના સમયે પોલીસ દ્વારા આ વિસ્તારમાં પેટ્રોલિંગ કરવામાં આવે તેવી માંગ કરી હતી.


