હળવદ નજીક નર્મદા કેનાલમાં બે યુવાન ડૂબ્યા
એક યુવાન ડૂબવા લાગતાં બચાવવા જતાં બીજો યુવક પણ ડૂબ્યો
અગ્ર ગુજરાત, હળવદ
હળવદ શહેર નજીકથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલમાં ગઇકાલે બપોરે એક કરુણ ઘટના ઘટી છે. કચ્છ ફ્રુટ માર્કેટમાં મજૂરી કામ કરતા 10 જેટલા યુવાનોના ટોળા પૈકી બે યુવાન કેનાલના ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા છે. ઘટનાને પગલે ફાયર વિભાગ, પોલીસ અને 108ની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી.
પ્રાપ્ત વિગતો અનુસાર, હળવદની બાજુમાં આવેલી કચ્છ ફ્રુટ માર્કેટમાં મજૂરી કરતા શ્રમિકો ગઇકાલે બપોરના સમયે ગરમીથી રાહત મેળવવા કેનાલમાં નહાવા માટે ગયા હતા. નહાતી વખતે અચાનક એક યુવાન પાણીમાં ડૂબવા લાગ્યો હતો. તેને બચાવવાના પ્રયાસમાં બીજો મિત્ર પણ પાણીના પ્રવાહમાં ખેંચાઈ ગયો હતો અને જોતજોતામાં બંને યુવાન ગુમ થઈ ગયા હતા.
સ્થાનિક લોકો અને સાથે રહેલા મિત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ડૂબનાર બંને યુવાન પરાશરામ દમારામ જાટ (ઉંમર 20 વર્ષ) અને રાજુરામ જાટ (ઉંમર 27 વર્ષ) રાજસ્થાનના વતની હોવાનું અનુમાન છે. બનાવની જાણ થતા જ હળવદ નગરપાલિકાની ફાયર ફાઈટરની ટીમ અને હળવદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. કેનાલમાં ડૂબેલા યુવાનોને શોધવા માટે તરવૈયાઓની મદદ લેવામાં આવી રહી છે. હાલ ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા છે અને પોલીસ દ્વારા આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મોડી સાંજ સુધી હજુ પણ બંને યુવાનનો કોઈ પત્તો લાગ્યો નથી. કેનાલમાં પાણીનો પ્રવાહ વધુ હોવાને કારણે સર્ચ ઓપરેશનમાં મુશ્કેલી પડી રહી છે, છતાં ફાયરની ટીમ સતત શોધખોળ કરી રહી છે.


