પત્નીની હત્યા નિપજાવ્યા બાદ પતિએ પણ ઝેરી દવા ગટગટાવી આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું
હળવદમાં સાવકી બહેનને ત્યાં બે દિવસ રોકાવા આવેલ મહિલા કે જે મોરબી વીસીપરા વિસ્તારમાં તેના પતિ સાથે રહેતી હોય, ત્યારે હળવદમાં ભવાનીનગર ઢોરા વિસ્તારમાં રહેતી બહેનના ઘરે વહેલી સવારના મહિલાને તેના પતિ દ્વારા ચારિત્ર્ય અંગે શંકા કુશંકા રાખી ગળાના ભાગે તથા પેટમાં છરીના ઘા મારી હત્યા નિપજાવ્યાનો બનાવ સામે આવ્યો છે. હત્યારા પતિએ પણ કોઈ ઝેરી દવા ગટગટાવી આપઘાત કરી લીધાની માહિતી મળેલ હોય જે બાબતે હજુ ફરિયાદ થઇ હોવાની વિગત સામે આવી નથી. હાલ હત્યાના આ બનાવની મૃતક મહિલાના ભાઈની ફરિયાદના આધારે હળવદ પોલીસે હત્યારા આરોપી વિરુદ્ધ આઇપીસી કલમ ૩૦૨ હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
હત્યાના બનાવની પ્રાપ્ત માહિતી અનુસાર મોરબીના વીસીપરા વિસ્તારમાં આવેલ વિજયનગરમાં રહેતા નિઝામભાઇ ફકીરમહમદભાઈ રફાઈએ હળવદ પોલીસ મથકમાં આરોપી યુનુસભાઇ અભરામભાઇ સંધી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી જાહેર કર્યું કે ફરિયાદી નિઝામભાઈના બહેન બનેવી પોતાના મકાનના બીજા માળે રહેતા હોય ત્યારે ગત તા.૧૦/૬ ના રોજ નિઝામભાઈના સાવકા બહેન મનીષાબેન કે જેઓ હળવદ સાસરે હોય તેઓ મોરબી આવ્યા હતા. ત્યારે નિઝામભાઈના બહેન મદીનાબેન તેમના પતિ આરોપી યુનુસભાઇ સાથે હળવદ બે દિવસ રોકાવા ગયા હતા. જ્યાં તા. ૧૧/૦૬ના રોજ વહેલી સવારના છ વાગ્યાની આસપાસ આરોપી યુનુસભાઈએ તેમની પત્ની મદીનાબેનને ચારિત્ર્ય અંગેની શંકા કરી છરીના ગળા ઉપર તથા પેટમાં ઘા મારી હત્યા કરી નાખી હતી. ત્યારે હત્યા અંગેના બનાવ બાબતે નિઝામભાઈને તેમના સાવકા બહેન મનીષાબેને ફોન કરી જાણ કરી હતી, જેથી નિઝામભાઇ મોરબીથી હળવદ સરકારી હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા. જ્યાંથી તેઓએ હત્યાના બનાવ અંગે ફરિયાદ નોંધાવી હતી.
વધુમાં સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર મદીનાબેનની છરીના ઘા મારી હત્યા નિપજાવનાર તેમના પતિ આરોપી યુનુસભાઈએ પણ ઝેરી દવા પી લઇ આપઘાત કરી લીધાની વિગતો સામે આવી છે જે બાબતે હજુ ફરિયાદ કે અ.મોતની નોંધ સામે આવી નથી.