- ગયા વર્ષે સાતમી ઑક્ટોબરે ઈઝરાયલમાં આતંકી હુમલાનો મુખ્ય કાવતરાખોર યાહ્યા સિનવાર
- છેલ્લા 10 મહિનાથી ઈઝરાયલ અને હમાસ વચ્ચે ભીષણ યુદ્ધ યથાવત્
- ગયા બુધવારે સવારે હમાસના વડા ઈસ્માઈલ હાનિયાને ઈઝરાયલે મોતને ઘાટ ઉતાર્યો હતો
મિડલ ઈસ્ટમાં ગમે ત્યારે ભીષણ યુદ્ધ ફાટી નીકળે તો નવાઈ નહિ. આ આશંકા વચ્ચે હમાસ જૂથે પોતાના નવા વડાની પસંદગી કરી લીધી છે. પેલેસ્ટાઈન આતંકી જૂથ હમાસે યાદ્યા સિનવારને પોતાના ચીફ તરીકે સિલેક્ટ કરી લીધા છે. સિનવારની ગત વર્ષે ઈઝરાયલમાં સાતમી ઑક્ટોબરે થયેલા આતંકી હુમલાના મુખ્ય કાવતરાખોર તરીકે ગણવામાં આવે છે. હમાસે એક નિવેદનમાં જણાવ્ચું કે યાહ્યા સિનવારને પોતાના રાજકીય બ્યૂરોના નવા પ્રમુખ તરીકે નિયુક્ત કર્યા છે. સિનવાર ઈસ્માઈલ હાનિયાનું સ્થાન લેશે. હાનિયા ગત બુધવારે પરોઢિયે ઈરાનની રાજધાની તહેરાનમાં મોતને ઘાટ ઉતારાયો હતો. જો કે સિનવાર ગત વર્ષે થયેલા ઈઝરાયલમાં આતંકવાદી હુમલા બાદ જાહેરમાં કદી નથી દેખાયો.
સિનવાર કોણ છે
યાહ્યા સિનવારનો જન્મ-1962માં ઈજિપ્તના શાસિત ગાઝામાં ખાન યુનિસ શરણાર્થી શિબિરમાં થયો હતો. સિનવારે ગાઝાની ઈસ્લામિક યુનિવર્સિટીમાં અભ્યાસ પૂર્ણ કર્યો, જ્યાં તેઓએ અરબી અભ્યાસમાં સ્નાતકની ડિગ્રી મેળવી. સિનવારના પરિવારને વર્ષ-1948ના આરબ-ઈઝરાયેલ યુદ્ધ દરમિયાન અલ-મજદલ અસ્કલાનમાંથી હાંકી કાઢવામાં આવ્યો હતો, જે હવે એશકેલોન તરીકે ઓળખાય છે. સિનવાર હમાસ સુરક્ષા ઉપકરણના સહ-સ્થાપકોમાંના એક છે.
ઈઝરાયેલ પર હુમલાનો માસ્ટરમાઈન્ડ છે
ગયા વર્ષે 7 ઓક્ટોબરે ઈઝરાયેલ પર હમાસના નેતૃત્વ હેઠળના આતંકવાદી હુમલા પાછળ સિનવારને માસ્ટરમાઇન્ડ માનવામાં આવે છે. ઈઝરાયેલના ઈતિહાસમાં આ સૌથી ઘાતક આતંકવાદી હુમલો હતો. આ હુમલામાં લગભગ 1,200 લોકો માર્યા ગયા હતા અને લગભગ 250 લોકોને બંધક બનાવવામાં આવ્યા હતા. આ હુમલા બાદ ઈઝરાયેલે ગાઝા પર સૈન્ય કાર્યવાહી શરૂ કરી હતી. સપ્ટેમ્બર 2015માં યુનાઇટેડ સ્ટેટ્સ સરકારે સિનવારને આતંકવાદી જાહેર કર્યો હતો.


