- હમાસના આતંકવાદીઓએ ઈઝરાયલની ટેન્કને વિસ્ફોટથી ઉડાવી દીધી
- ગત સાત ઓક્ટોબરે હમાસે ઈઝરાયલમાં ઘુસી હુમલો કરી 250 લોકોને બંધક બનાવ્યા હતા
- હમાસ અને ઈઝરાયલ વચ્ચે આઠ મહિનાથી યુદ્ધ યથાવત્
હમાસ અને ઈઝરાયલ વચ્ચે આઠ મહિના કરતાં વધુ સમયથી ભીષણ યુદ્ધ યથાવત્ છે. એવામાં ફરી એકવાર હમાસ બેઠું થયું છે. હમાસે એકવાર ફરી ઈઝરાયલી સૈન્ય દળો પર ભીષણ હુમલો કર્યો હતો. જેમાં ઈઝરાયલના આઠ સૈનિકો મોતને ભેટયા છે. ઈટાલીમાં જી-7 ચાલી રહી છે અને હમાસ-ઈઝરાયલ યુદ્ધવિરામ થાય તેમજ રશિયા અને યુક્રેન યુદ્ધ સમાપ્ત થાય તેની પર વિશ્વ નેતાઓ ચર્ચા કરી રહ્યા છે તેવામાં એકવાર ફરીથી હમાસે માથું ઉચકયું છે. હમાસે ઈઝરાયલી સૈન્ય દળો પર હુમલો કરી યુદ્ધવિરામનો માર્ગ બંધ કરી દીધો છે.
ઈઝરાયેલની સેનાએ શનિવારે જણાવ્યું હતું કે રફાહ સરહદ નજીક દક્ષિણ ગાઝામાં તેના દળો પર થયેલા સૌથી ઘાતક હુમલામાં આઠ સૈનિકો માર્યા ગયા હતા. આ હુમલા સાથે હમાસ સામે લડતા માર્યા ગયેલા ઈઝરાયેલ સૈનિકોની કુલ સંખ્યા 307 થઈ ગઈ છે. સેનાએ તેના એક સૈનિકની ઓળખ 23 વર્ષીય કેપ્ટન વસીમ મહમૂદ તરીકે કરી છે, જે કોમ્બેટ એન્જિનિયરિંગ કોર્પ્સમાં ડેપ્યુટી કંપની કમાન્ડર હતા. બાકીની પુષ્ટિ થઈ નથી.
ઈઝરાયેલી સૈન્યના જણાવ્યા અનુસાર, તમામ સૈનિકો એક સશસ્ત્ર કોમ્બેટ એન્જિનિયરિંગ વાહન (સીઇવી)ની અંદર માર્યા ગયા હતા. તેઓ રાતભરના ઓપરેશન પછી સૈનિકો આરામ કરવા માટે કબજે કરેલી ઈમારતો તરફ જઈ રહ્યા હતા. મળતી માહિતી મુજબ કાફલો આગળ વધતા જ જોરદાર વિસ્ફોટ થયો હતો અને અંદર રહેલા સૈનિકો મોતને ભેટયા હતા.
હમાસે અગાઉ જાહેરાત કરી હતી કે તેના લડવૈયાઓએ રફાહના પશ્ચિમમાં તેલ અલ-સુલતાન વિસ્તારમાં સશસ્ત્ર વાહન પર હુમલો કર્યો, જેમાં ઘણા ઇઝરાયેલી સૈનિકો માર્યા ગયા અને કેટલાક ઘાયલ થયા.
ઈઝરાયલી દળો ઘણા અઠવાડિયાથી રફાહ વિસ્તાર પર આગળ વધી રહ્યા છે અને આજે તેમના હુમલામાં ઓછામાં ઓછા 19 પેલેસ્ટિનિયન માર્યા ગયા. ઈઝરાયલી સેનાએ એમ પણ કહ્યું કે રફાહમાં તેના સુરક્ષા દળોએ જમીન ઉપર અને હમાસ દ્વારા બાંધવામાં આવેલા ટનલ નેટવર્કમાં છુપાયેલા હથિયારોનો મોટો જથ્થો જપ્ત કર્યો છે. સૈનિકનું મોત એવા સમયે થયું છે જ્યારે યુદ્ધવિરામ માટે વાતચીત ચાલી રહી છે. ઑક્ટોબર 7, 2023ના રોજ હમાસ ઈઝરાયેલમાં પ્રવેશ્યા પછી ઈઝરાયેલે લશ્કરી હુમલો શરૂ કર્યો, જેમાં લગભગ 1,200 લોકો માર્યા ગયા, જેમાં મોટાભાગે નાગરિકો હતા અને લગભગ 250 નાગરિકોને બંધક બનાવી લીધા હતા.


