- હમાસ ચીફે પાકિસ્તાનને બહાદુર દેશ ગણાવ્યો
- તુર્કી-ઈરાને હમાસથી જાળવ્યું અંતર
- ઈસ્માઈલ હાનિયેએ પાકિસ્તાનથી મદદ માગી
ઈસ્માઈલ હાનિયેએ કહ્યું છે કે પાકિસ્તાન ઈઝરાયેલને ચેતવણી આપશે તો જ ગાઝામાં ક્રૂર નરસંહાર બંધ થશે. ઈસ્માઈલ હાનિયેએ કહ્યું હતું કે પાકિસ્તાન એક બહાદુર દેશ છે અને તેણે વધુમાં કહ્યું કે ઈઝરાયેલ પાકિસ્તાનથી ડરે છે.
ઈઝરાયેલના હુમલાથી તબાહ થઈ ગયેલું હમાસ હવે પોતાની મદદ માટે દુનિયાભરના મુસ્લિમ દેશોનો દાણો ચાંપી રહ્યું છે. ઈરાન-તુર્કીએ હાથ ઊંચા કરી દીધા પછી હવે હમાસને પાકિસ્તાનમાં પોતાનો તારણહાર દેખાયો છે. તે પાકિસ્તાનને મદદ માટે વિનંતી કરી રહ્યું છે. પેલેસ્ટિનિયન આતંકવાદી જૂથ હમાસના વરિષ્ઠ નેતા ઈસ્માઈલ હાનિયેએ ઈઝરાયેલ સાથે બે મહિનાથી ચાલેલા યુદ્ધને રોકવા માટે પાકિસ્તાન પાસે મદદ માંગી છે. તેમણે પાકિસ્તાનને “બહાદુર” દેશ અને “મુજાહિદ્દીન લેન્ડ (ઇસ્લામ માટે લડતા લોકોની ભૂમિ) ” પણ ગણાવ્યું હતી. અહેવાલો અનુસાર, હાનિયે ઈસ્લામાબાદમાં આયોજિત ‘અલ-અક્સા મસ્જિદની પવિત્રતા અને મુસ્લિમ ઉમ્માની જવાબદારી’ વિષય પર એક ડાયલોગમાં સંબોધન કરી રહ્યા હતા. આ દરમિયાન તેમણે એમ પણ કહ્યું, “જો ઈઝરાયેલને પાકિસ્તાન તરફથી પ્રતિકારનો સામનો કરવો પડે છે, તો ગાઝામાં ક્રૂર નરસંહાર અટકી શકે તેમ છે.”
પાકિસ્તાનની ન્યૂઝ ચેનલ એઆરવાય અનુસાર, ઈસ્માઈલ હાનિયેએ કહ્યું છે કે ગાઝામાં ક્રૂર ગુનાઓ ત્યારે જ બંધ થશે જ્યારે પાકિસ્તાન ઈઝરાયલને ચેતવણી આપશે. ઈસ્માઈલ હાનિયેએ પાકિસ્તાનને બહાદુર દેશ ગણાવતા કહ્યું કે ઈઝરાયેલ પાકિસ્તાનથી ડરે છે. આ સિવાય ઈઝરાયેલ પર આરોપ લગાવતા ઈસ્માઈલ હાનિયેએ કહ્યું કે તે ઓસ્લો સમજૂતીનું ઉલ્લંઘન કરી રહ્યું છે. હાનિયેએ કહ્યું કે લગભગ 18,000 પેલેસ્ટિનિયનોના મોત અને ઇઝરાયેલની કાર્યવાહી દરમિયાન પવિત્ર સ્થળોની અપવિત્રતા આંતરરાષ્ટ્રીય ધોરણોનું ઉલ્લંઘન છે. હાનિયેએ કહ્યું કે આખી દુનિયામાં મુસ્લિમોના સૌથી મોટા દુશ્મન યહૂદીઓ છે.
પેલેસ્ટાઈનના સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર આ વિસ્તારમાં અત્યાર સુધીમાં 17,177 લોકોના મોત થયા છે. તે જ સમયે, અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેને ફરી એકવાર જોર્ડનના કિંગ અબ્દુલ્લા સાથે નાગરિકો માટે માનવીય મદદ માટે વાત કરી છે. હાનિયેએ કહ્યું, પેલેસ્ટાઈનીઓને પાકિસ્તાન પાસેથી ઘણી અપેક્ષાઓ છે અને તેઓ આ દેશની તાકાત પર વિશ્વાસ ધરાવે છે. હાનિયેએ આશા વ્યક્ત કરી હતી કે પાકિસ્તાન સંભવિતપણે ઇઝરાયેલને પીછેહઠ કરવા દબાણ કરી શકે છે. હાનિયેએ કહ્યું, પાકિસ્તાનની શક્તિ વર્તમાન સંઘર્ષને રોકી શકે છે.


