- શ્રી હનુમાન જન્મની કથા શિવપુરાણ, રામાયણ ઉપરાંત બીજાં પુરાણોમાં અલગ અલગ રીતે લખાયેલી છે
અંજનિપુત્ર વીર હનુમાનજી સંકટ હરનારા અને મંગલ કલ્યાણ કરનારા ચિરંજીવી હાજરાહજૂર કળિયુગના આરાધ્ય દેવ છે. ભગવાન શ્રીરામના અનન્ય ભક્ત, પરમ પરાક્રમી, જિતેન્દ્રિય અને જ્ઞાનીઓમાં અગ્રણી એવા વીર હનુમાનજી દૂતધર્મ અને સેવાધર્મના પ્રેરણાસ્ત્રોતસમા છે.
શ્રી હનુમાન જન્મની કથા શિવપુરાણ, રામાયણ ઉપરાંત બીજાં પુરાણોમાં અલગ અલગ રીતે લખાયેલી છે. મહર્ષિ વાલ્મીકિકૃત રામાયણ કિષ્કિન્ધાકાંડના છાસઠમા સર્ગમાં હનુમાનજીની જન્મગાથાનું વિશદ્ વર્ણન કરવામાં આવ્યું છે કે સ્વર્ગની સર્વે અપ્સરાઓમાં શ્રેષ્ઠ એવી પુંજકસ્થલી નામની અપ્સરા કોઈ ઋષિના શાપથી મહાત્મા કુંજરકપિને ત્યાં વાનરી તરીકે જન્મી હતી. અપ્સરા વાનરીપણાને પામી હોવા છતાં પણ તે ઇચ્છાનુસાર રૂપ ધારણ કરવામાં શક્તિમાન હતી. તેનું નામ અંજના હતું અને તેનાં લગ્ન વાનરશ્રેષ્ઠ કેસરી સાથે થયાં હતાં. એક દિવસ અંજનાએ પોતાની ઇચ્છાનુસાર સુંદર સ્ત્રીનો દેહ ધારણ કર્યો. પૂર્ણ સ્ત્રીત્વ સાથે તે સુંદર પુષ્પોની માળા, અલંકારો અને સૌમ્ય વસ્ત્ર ધારણ કરીને વર્ષાઋતુમાં પર્વતના શિખર પર વિચરવા લાગી. આ સમયે પર્વતની ટોચ ઉપર વાયુ સડસડાટ વાતો હતો. સર્વાંગ સુંદર એવી યશસ્વિની અંજના ઉપર વાયુદેવ તત્કાળ કામવશ થઈ ગયા. તેમણે અદૃશ્ય સ્વરૂપે પોતાની લાંબી ભુજાઓ પ્રસારી અંજનાને ગાઢ આલિંગન કર્યું. આથી વાયુદેવનું આત્મતેજ તરત જ અંજનાના ગર્ભની અંદર પ્રવિષ્ટ થઇ ગયું. જ્યારે અંજનાને ભાન થયું કે પોતાને કોઈએ ગાઢ આલિંગન કર્યું છે, પરંતુ દૃષ્ટિએ કોઈ પુરુષ જોવામાં આવતો નથી, ત્યારે ગભરાયેલી અંજના એકદમ ક્રોધિત અવસ્થામાં બોલી ઊઠી કેઃ હે દુષ્ટ! મારા પતિવ્રતા ધર્મને કલંક લગાડનાર તમે કોણ છો. આ સાંભળી વાયુદેવ તરત જ પ્રત્યક્ષ થયા અને અંજનાને સાંત્વના આપતાં બોલ્યા. હે દેવી! તમે ભય ન પામશો. હું તમારા પતિવ્રતા ધર્મનો નાશ નહીં કરું. હે મહાયશસ્વિની, તારા પર મારું મન અત્યંત આસક્ત થવાથી જો તને માત્ર આલિંગન જ કર્યું છે, પરંતુ તેથી તને મારા અંશ રૂપે સૂર્ય-અગ્નિ અને સુવર્ણસમાન તેજસ્વી તથા પવન જેવો મહાપરાક્રમી પુત્ર પ્રાપ્ત થશે. થયું પણ તેવું જ! સમયાંતરે પરમ રામભક્ત હનુમાનજીનો જન્મ થયો.
અંજના દેવીની કૂખે ઉત્પન્ન થયેલા રક્તવર્ણના ચમત્કારિક ગર્ભને જન્મના બે પ્રહર પછી સૂર્યોદય સમયે ભૂખ લાગી. આકાશમાં ઉદય થયેલા સૂર્યને લાલ ફળ સમજીને તેની તરફ અંજનિપુત્રે છલાંગ લગાવી. તે દિવસે અમાસ હોવાથી સૂર્યનો ગ્રાસ કરવા રાહુ પણ આવ્યો હતો. સૂર્ય તેમને બીજો રાહુ સમજીને ભાગવા લાગ્યા. તે સમયે ઇન્દ્રએ અંજનિપુત્ર ઉપર વજ્રનો પ્રહાર કર્યો, જેનાથી તેમના નાભિ ક્ષેત્રને હાનિ પહોંચી અને વજ્ર પ્રહારથી મારુતિની હનુ (હડપચી) વાંકી થઈ ગઈ. ત્યારથી તેઓ હનુમાન કહેવાયા.
પોતાના પુત્ર ઉપર ઇન્દ્રએ કરેલા વજ્ર પ્રહારથી વાયુદેવ ક્રોધિત થયા. તેમણે આખા બ્રહ્માંડમાંથી પોતાનું અસ્તિત્વ શૂન્ય કરી નાખ્યું. સૃષ્ટિમાં વાયુ વગર હાહાકાર મચી ગયો ત્યારે દેવતાઓએ સ્તુતિગાન કરીને વાયુદેવને પ્રસન્ન કર્યા. પ્રસન્ન થયેલા વાયુદેવે દેવતાઓને પોતાના પુત્રને વરદાન આપવા કહ્યું ત્યારે બ્રહ્માજીએ ચિરંજીવ રહેવાનું, ઇન્દ્રએ વજ્રની હાનિ ન પહોંચવાનું, સૂર્યએ શતાંશુ તેજ અને શાસ્ત્ર પંડિત બનવાનું, વરુણે બંધન અને જળથી ભયમુક્ત રહેવાનું, યમરાજાએ યમદંડથી રક્ષવાનું, કુબેરે ગદાથી હત્ ન થવાનું, શંકરે વિજયી બનવાનું અને વિશ્વકર્માએ મયાસુરે બનાવેલાં અસ્ત્ર-શસ્ત્રથી અભય રહેવાનાં વરદાન આપ્યાં. આ પ્રકારે વરદાન પ્રાપ્ત થવાથી હનુમાનજી અતુલિત બળવાન બન્યા. જગતના સાત ચિરંજીવીઓ પૈકી તેઓ શ્રેષ્ઠ સ્થાન પામ્યા.
હનુમાનજીએ માત્ર માતા સીતાનું જ રક્ષણ નહીં, પરંતુ ભગવાન શ્રીરામ, લક્ષ્મણ, સુગ્રીવ, વિભિષણનું અનેક વખત સંકટ દૂર કર્યું. આથી વીર હનુમાન સંકટમોચન કહેવાયા. પરમ રામભક્ત આજીવન બ્રહ્મચારી રહ્યા છે.
એક વાર સીતાજી માથામાં સિંદૂર ભરી રહ્યાં હતાં ત્યારે હનુમાનજીએ પૂછ્યું, `માતા, માથામાં આ શું નાખો છો?’ સીતાજી બોલ્યાં, `આ સિંદૂર માથામાં નાખવાથી મારા સ્વામીનું આયુષ્ય વધે છે. આ એક પતિવ્રતાનો ધર્મ છે. આ જોઈને તુરત જ હનુમાનજી આખા શરીર પર સિંદૂર લગાડીને બોલ્યા, `માતા, હવે મારા રામજીનું પણ આયુષ્ય વધશેને?’ ત્યારથી આજે પણ હનુમાનજીને સિંદૂર અને વરખ ચઢે છે. રામચંદ્રજીના રાજ્યાભિષેકના આનંદમાં સીતાજીએ તેમને શ્રેષ્ઠ મણિઓની માળા ભેટ આપી તો તેના મણિ દાંતથી તોડી તોડીને હનુમાનજી જોવા લાગ્યા ત્યારે સીતાજીએ પૂછ્યું: વત્સ્ય, આપ આ શું કરો છો ત્યારે હનુમાનજી બોલ્યાઃ મૈયા, આમાં મારા રામ ક્યાં છે? હું તેમને શોધું છું જેમાં રામ નથી તેનું મારે કામ નથી. જ્યારે ભરી સભામાં હનુમાનજીને પૂછવામાં આવ્યું કે શું તમે સીતા-રામનાં દર્શન કરાવી શકો છો ? ત્યારે હનુમાનજીએ સૌના આશ્ચર્ય વચ્ચે પોતાની છાતી ચીરીને સીતા-રામનાં દર્શન કરાવ્યાં હતાં.
પવનવેગે જઈને જડીબુટ્ટી સહિત આખો દ્રોણ પર્વત ઉપાડી લાવી લક્ષ્મણના પ્રાણ બચાવ્યા હતા. શ્રીરામ-લક્ષ્મણને ખભે બેસાડીને પાતાળમાં જઈ રાજા અહિરાવણનો તેના સૈન્ય સહિત સંહાર કર્યો હતો. રાવણપુત્ર અક્ષયકુમારનો નાશ કર્યો. સૂક્ષ્મ રૂપ ધરી લંકામાં અશોકવાટિકામાં સીતાજીને દર્શન આપી રામના સમાચાર આપ્યા હતા. રાવણના રાજમહેલ અને પછી આખી લંકાનગરીમાં આગ લગાડી ને સોનાની લંકાને રાખમાં ફેરવી નાખી હતી.
વાલ્મીકિ રામાયણમાં લખાયું છે કે શ્રીરામ સુરાજ્ય કરી જ્યારે નિજધામમાં જતા હતા ત્યારે હનુમાનજીએ પ્રાર્થના કરી, હે પ્રભુ! આપના વગર હું પૃથ્વી પર નહીં રહી શકું. કૃપા કરી મને આપની સાથે લઈ જાઓ! શ્રીરામે આશ્વાસન આપતાં કહ્યું કેઃ હે પ્રિયભક્ત હનુમાન હું તમને એક વરદાન આપું છું કે મારી કીર્તિ સાથે તમારી પણ કીર્તિ જગતમાં અમર થશે. સ્વામીની આજ્ઞાને શિરોમાન્ય રાખીને હનુમાનજીએ હિમાલય પર્વતના ગંધમાદન શિખર પર વાસ કર્યો. ચિરંજીવીનું વરદાન પામેલા રામભક્ત હનુમાન આજે પણ પૃથ્વી પર સદેહે વસે છે અને રામભક્તોનું રક્ષણ અને કલ્યાણ કરે છે. મારુતિનંદનના પ્રાગટ્ય દિને તેમની કૃપા પ્રાપ્ત કરવા પૂજન-અર્ચન, સુંદરકાંડ, હનુમાન ચાલીસા, બજરંગબાણ, હનુમાનકવચ અને રામભજન કરીને સંકટમુક્ત થઈએ.
રાશિ મુજબ નામ જાપ
આનંદ રામાયણમાં હનુમાનજીના બાર નામોનું વર્ણન કરાયું છે. રાશિ મુજબ સ્મરણ કરવાથી સંસારના સમસ્ત સુખ મળે છે.
મેષ : ૐ હનુમાન
વૃષભ : ૐ અંજની સૂત
મિથુન : ૐ વાયુપુત્ર
કર્ક : ૐ મહાબલ
સિંહ : ૐ રામેષ્ઠ
કન્યા : ૐ ફાલ્ગુણ સખા
તુલા : ૐ પિંગાક્ષ
વૃશ્ચિક : ૐ અમિત વિક્રમ
ધન : ૐ ઉદધિક્રમણ
મકર : ૐ સીતા શોક વિનાશન
કુંભ : ૐ લક્ષ્મણ પ્રાણદાતા
મીન : ૐ દશગ્રીવ દર્પહા