તમે સુખનો શો અર્થ કરો છો? કોઈ કહેશે કે સુખ એટલે તમે જે ઈચ્છો તે મેળવવું. તમારે મોટરગાડી જોઈએ છે અને તમને તે મળે છે એટલે તમે ખુશ થાઓ છો. હું યુરોપ જવા ઈચ્છું છું અને જો હું જઈ શકું તો હું ખુશ થાઉં છું. હું કંઈક બનવા માંગું છું અને જો હું તે બની જાઉં તો હું ખુશ થાઉં છું. જો હું તે ન બની શકું તો હું દુ:ખી થાઉં છું. આમ, તમે જેને સુખ કહો છો તે ઈચ્છા મુજબ મેળવવાની વાત છે. જો તમે કંઈ ઈચ્છો અને તે મેળવી શકો તો તમે ખરેખર ખૂબ ખુશ થાઓ છો, ત્યારે તમે હતાશ નથી થતા, પરંતુ જો તમે તમારી ઈચ્છા મુજબની વસ્તુ મેળવી ન શકો તો દુ:ખની શરૂઆત થાય છે. માત્ર ગરીબો કે શ્રીમંતો જ નહીં, ધનવાન હોય કે નિર્ધન, સહુ પોતાને માટે, પોતાનાં કુટુંબો માટે, સમાજ માટે કંઈક મેળવવા ઈચ્છે છે અને જો તેમને અટકવું પડે કે તેમને રોકવામાં આવે તો તેઓ દુ:ખી થઈ જાય છે. આપણે એમ નથી કરી રહ્યા કે ગરીબો જે ઈચ્છે તે તેમને મળતું નથી. તે સમસ્યાની વાત આપણે અહીં નથી કરી રહ્યા. આપણે એ શોધવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ કે સુખ શું છે અને શું સુખ એવી કોઈ વસ્તુ છે કે જેનાથી તમે સભાન છો. જે ક્ષણે તમે સભાન બનો છો કે તમે સુખી છો, કે તમને ઘણું મળ્યું છે, શું તે સુખ છે? જે ક્ષણે તમે સભાન બનો છો કે તમે સુખી છો, તે સુખ નથી, શું તે સુખ છે? સુખનો પીછો થઈ શકતો નથી. તમે સુખની પાછળ ન પડી શકો. જે ક્ષણે તમે એ બાબતથી સભાન બનો છો કે તમે નમ્ર છો ત્યારે તમે નમ્ર નથી રહેતા. આમ, સુખ પીછો કરવાની બાબત નથી, તે આવે છે, પરંતુ જો તમે તેને શોધો તો તે તમારા હાથમાંથી છટકી જાય છે.
આપણે શું શોધીએ છીએ? આપણે દરેક ઈચ્છીએ છીએ તે શું છે? ખાસ કરીને આ અશાંત વિશ્વમાં, જ્યાં દરેક વ્યક્તિ કોઈ પ્રકારની શાંતિ, કોઈ પ્રકારનું સુખ, આશરો મેળવવાનો પ્રયત્ન કરી રહ્યું છે, ત્યારે આપણે જે શોધીએ છીએ તે શું છે? ચોક્કસપણે એ શોધી કાઢવું મહત્ત્વનું છે, શું તે નથી. તે શું છે જે આપણે શોધી કાઢવા માટે પ્રયત્ન કરીએ છીએ? કદાચ આપણામાંના મોટાભાગના લોકો કોઈક પ્રકારનું સુખ, કોઈક પ્રકારની શાંતિ શોધી રહ્યા છે. જે આટલી ધાંધલ-ધમાલ, આટલાં યુદ્ધો, ઝઘડા, સંઘર્ષથી ઘેરાયેલું છે તે વિશ્વમાં આપણે એવું આશ્રયસ્થાન જોઈએ છે કે જ્યાં થોડી શાંતિ મળી શકે. મને લાગે છે કે મોટા ભાગના લોકો આ જ ઈચ્છે છે. તો આપણે તેની શોધ કરીએ છીએ. તે માટે આપણે એક નેતા પાસેથી બીજા નેતા પાસે જઈએ છીએ, એક ધાર્મિક સંસ્થામાંથી બીજી ધાર્મિક સંસ્થામાં જઈએ છીએ અને એક ગુરુ પાસેથી બીજા ગુરુ પાસે જઈએ છીએ.
હવે શું એવું છે કે આપણે સુખ શોધી રહ્યા છીએ અથવા એવું છે કે આપણે કોઈક પ્રકારનો સંતોષ શોધી રહ્યા છીએ કે જેમાંથી આપણને સુખ મળે? સુખ અને સંતોષ વચ્ચે તફાવત છે. શું તમે સુખ શોધી શકો? કદાચ તમે સંતોષ મેળવી શકો, પરંતુ તે ચોક્કસ છે કે તમે સુખને શોધી ન શકો. સુખ બીજી કોઈ વસ્તુમાંથી મળે છે, તે બીજી કોઈ વસ્તુની આડપેદાશ છે. તેથી એ બાબત ખૂબ ઉત્સાહ, અવધાન, વિચાર અને કાળજી માગી લે એવી છે અને તેના પર આપણે ધ્યાન આપીએ એ પહેલાં શું આપણે એ ન શોધી કાઢવું જોઈએ કે આપણે જે શોધીએ છીએ તે શું છે? તે સુખ છે કે સંતોષ છે?