જ્યારે તમે દુનિયામાં પગ મૂકો છો, ત્યારે ઘણી ગંદકી હોય છે. ચારેબાજુ ભ્રષ્ટાચાર અને ઘણી બધી બકવાસ ચાલતી હોય છે. કેટલાક લોકોને આ ગંદકીથી એલર્જી થઈ જાય છે. તેઓ એને સહન નથી કરી શકતા. તેઓ સામાન્ય રીતે હિમાલય તરફ ભાગે છે.
જો તમે બધું શુદ્ધ હોય તેવું ઈચ્છો છો, તો એ શક્ય નથી, કેમ કે દુનિયાની ગંદકી કોઈ ને કોઈ રીતે આપણા મનમાં પ્રવેશી ચૂકી છે. એટલે ગંદકીથી એલર્જી ધરાવતા લોકો ભાગવાનો પ્રયત્ન કરે છે, પણ તેઓ ભાગી શકતા નથી. આપણે ગંદકીને ટાળી શકતા નથી, એ તો ત્યાં છે જ. દુર્ભાગ્યે લોકોનો બીજો એક મોટો વર્ગ એવું માનવા લાગ્યો છે કે `આમેય આખી દુનિયા ગંદકીથી ભરેલી છે, તો હું પણ ગંદકી બની જાઉં.’ એટલે તેઓ ગંદકીમાં ભળી જાય છે.
જોકે, જેને આપણે ગંદકી કહીએ છીએ તે એક સારું ખાતર પણ બની શકે છે. ભારતીય આધ્યાત્મિકતા ઘણી વાર કમળના પ્રતીકનો ઉપયોગ કરે છે. કમળનું ફૂલ જ્યાં ગંદકી વધારે હોય ત્યાં સૌથી સારી રીતે ખીલે છે. આપણી પાસે પણ આપણા જીવનની દરેક ક્ષણે આ વિકલ્પ ઉપલબ્ધ છે. જો આપણે જેમાં રહીએ છીએ તે વાતાવરણ આપણને બનાવે, તો આપણે પોતાને મેનેજર ન કહી શકીએ. જો જેમાં રહીએ છીએ તે વાતાવરણને આપણે બનાવીએ, તો જ આપણે પોતાને મેનેજર કહી શકીએ. મેનેજર હોવાનો અર્થ એ છે કે આપણે જે સૌથી સુંદર વસ્તુ અત્યારે થતી જોવા માંગીએ છીએ આપણે તે બનાવવાના છીએ. પરિસ્થિતિઓને તમને બનાવવા દેવા એ બિલકુલ મેનેજમેન્ટ નથી; તમે જે પરિસ્થિતિઓ ઈચ્છો છો તે બનાવવી એ મેનેજમેન્ટ છે.
ધારો કે કોઈને નોકરી મળી. તેના કામના પહેલા દિવસે તેનું ઓફિસ ટેબલ દુનિયાની સૌથી શાનદાર જગ્યા છે, પણ થોડા વર્ષોમાં એ જ ટેબલ પાછળ જે બને છે તે છે બ્લડપ્રેશર, ડાયાબિટીસ, અલ્સર અને બીજું ઘણું બધું. એવું નથી કે નોકરીમાં કે આપણે જે દુનિયામાં રહીએ છીએ તેમાં કંઈક ખોટું છે. આ બસ એટલા માટે છે, કેમ કે આપણે પોતાના પર પૂરતું ધ્યાન આપ્યું નથી. તમારે પોતાને સક્ષમ બનાવવાની જરૂર છે. બસ મેનેજમેન્ટ અને બીજી કુશળતાઓમાં જ નહીં, પણ એક માણસ તરીકે પણ સક્ષમ. તમારે કમળના ફૂલ જેવા બનવાની જરૂર છે, પરિસ્થિતિઓથી અછૂતા રહેવા માટે સક્ષમ; જો તમે ગંદામાં ગંદી પરિસ્થિતિઓમાં હોવ તો પણ તમારી સુંદરતા અને સુગંધ જાળવી રાખો. તો તમે જીવનમાંથી અછૂતા રહીને આગળ વધી શકો છો.
પરફેક્ટ મેનેજમેન્ટ જેવું કંઈ નથી. જો તમે જે કરી રહ્યા છો તેમાં સંપૂર્ણપણે પોતાને આપો છો, તો વસ્તુઓ થશે. મેનેજમેન્ટ તમારી એ ક્ષમતા છે જેનાથી તમે લોકોને તેમનાથી થાય તેટલું સારામાં સારું કરવા માટે પ્રેરિત કરી શકો. જો આપણી આસપાસની દરેક વ્યક્તિ તેમનું શ્રેષ્ઠ કરી રહ્યા છે, તો તે જે થઈ શકે તેવું શ્રેષ્ઠ મેનેજમેન્ટ છે.
હોશિયારી કામ નહીં કરે; સારું મેનેજમેન્ટ સમર્પણ અને પ્રેમ સાથે આવે છે. એ ક્ષણે તમારી બાજુમાં જે વ્યક્તિ બેઠી છે તમે પોતાને તેને સો ટકા આપી દેવા તૈયાર હોવા જોઈએ. જો તમે તેની માનવતાના મૂળને સ્પર્શ કરો છો, તો તમે જોશો કે દરેક માણસ હંમેશાં તમારા માટે તેનું શ્રેષ્ઠ કરવા તૈયાર છે. ફક્ત જો તમારી આસપાસના લોકો તમને પ્રેમ કરે છે અને તેઓ તમારા માટે તેમનું શ્રેષ્ઠ કરવા માંગે છે, તો તમને મેનેજમેન્ટ કરવામાં અલ્સર નહીં થાય. બસ જ્યારે આપણી આસપાસના લોકો ખરેખર આપણા માટે તેમનું શ્રેષ્ઠ કરવા માંગે છે, ત્યારે જ મેનેજમેન્ટ શાનદાર રીતે થઈ શકે છે. આપણાં જીવન આપણે શું કરીએ છીએ તેના આધારે સુંદર નથી બનતાં, આપણાં જીવન સુંદર બસ એટલા માટે બને છે કે આપણે આપણી આસપાસની દરેક વ્યક્તિને આપણી સુખાકારીના સપનાના ભાગ તરીકે સામેલ કરી છે.